માનવભક્ષી દીપડો ભગવાનની મૂર્તિ સામે સૂતેલા પૂજારીને ઉપાડી ગયો
ઈશ્વના સાન્નિધ્યમાં સૂતેલા વિષ્ણુ મહારાજ પૂજારીને માનવભક્ષી દીપડો ઉપાડી ગયો હતો. સવારે મંદિરથી 300 મીટર દૂર તેમનો મૃતદેહ મળ્યો હતો.
છેલ્લાં કેટલાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં દીપડા માનવવસ્તી તરફ આવીને લોકોને શિકાર બનાવતા હોવાની ઘટના વધી છે. આવી જ એક ઘટનામાં એક માનવભક્ષી દીપડો મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે સૂતેતા પૂજારીને ઉઠાવી ગયો છે.
ઘટના રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની છે. અહીં છેલ્લાં 15 દિવસમાં માનવભક્ષી દીપડો 6 લોકોને ઉપાડી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ છે. હવે દીપડાઓ મંદિરમાંથી પૂજારીને ખેંચી ગયો છે.
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવભક્ષી દીપડાના હુમલામાં મંદિરના પૂજારીનું મોત નીપજ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં દીપડાના હુમલાથી આ છઠ્ઠું મોત છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, અહીં રાઠોડના ગુડા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ગઈકાલે રાત્રે સૂઈ રહેલા પૂજારી વિષ્ણુ મહારાજને પકડીને દીપડો જંગલમાં લઈ ગયો હતો. સવારે જ્યારે લોકોને આ ઘટનાની માહિતી મળી, ત્યારે તેમણે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ સાથે વિષ્ણુ મહારાજની શોધ કરી અને મંદિરથી લગભગ 300 મીટર દૂર જંગલમાં તેમનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ ગોગુંડા કોમ્યુનિટી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. દીપડાએ 18 સપ્ટેમ્બરે તેનું પહેલું મારણ કર્યું હતું, એ વખતે ઢોર ચરાવવા ગયેલી કમલા નામની છોકરીનું મોત થયું હતું. એ પછી માનવભક્ષી દીપડો સતત શિકાર કરી રહ્યો છે અને ગઈકાલે રાત્રે વિષ્ણુ મહારાજ તેનો છઠ્ઠો શિકાર બન્યા હતા.
વનવિભાગ દ્વારા પાંજરા મુકીને દીપડાને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ચાર દીપડા પાંજરામાં આવી ચુક્યા છે પરંતુ માનવભક્ષી દીપડો હજુ પણ પાંજરાની બહાર છે અને સતત માણસોનો શિકાર કરી રહ્યો છે.
દીપડો સતત માણસનો શિકાર કરતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. લોકો બીકના માર્યા ઘરમાંથી એકલા બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. વહીવટીતંત્રે આ વિસ્તારના રહેવાસીઓને એકલા ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની સૂચના પણ આપી છે.
આ પણ વાંચોઃ ડાકોર મંદિરના પ્રસાદમાં ભેળસેળ, પૂજારીએ કહ્યું - ચેક કરાવો, લાડુમાં ગંધ આવે છે...