કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામ બિલેશ્વરપુરામાં દલિતો પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે દત્તક લીધેલા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામમાં ગત તા. 30 જાન્યુઆરી 2024ના રોજ નજીવી બાબતે ગામના ઠાકોર સમાજના 200થી વધુ લોકોના ટોળાએ મળીને ગામના દલિત વાસ પર હુમલો કર્યો હતો. જેમાં 20થી વધુ દલિતો ઘાયલ થયા હતા. ટોળાએ દલિતોની સંપત્તિને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું અને આગ લગાડી હતી. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ રાજકીય દબાણને કારણે પીડિતોને જ આરોપી બનાવી દેવાની રમત શરૂ થઈ છે, જેને લઈને બિલેશ્વરપુરાના દલિતોએ લડી લેવાનું નક્કી કર્યું છે. વાંચો સમગ્ર અહેવાલ વિસ્તારથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામ બિલેશ્વરપુરામાં દલિતો પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામમાં ગત તા. 30 જાન્યુઆરી 2024ના રોજ ગામના ઠાકોર સમાજના 200થી વધુ લોકોના ટોળાએ દલિતોના ઘર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં દલિત સમાજના 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જાતિવાદીઓના ટોળાએ દલિતોના ઘરો પર ધારદાર હથિયારો, જલદ પદાર્થો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 20થી વધુ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. ટોળાએ અનુસૂચિત જાતિના લોકોના ઘરોના બારી-બારણાંને આગ લગાડી મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે કલોલના અંબિકાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જો કે તેમાં સમગ્ર કાવતરાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, સ્થાનિક નેતાના રાજકીય દબાણને કારણે આ મામલે પીડિતો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને ગામના દલિતો, કલોલના દલિત આગેવાનો, કર્મશીલો અને કાર્યકર્તાઓએ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડીને ડીએસપીને આવેદનપત્ર આપ્યું હતું.

.આ મામલે સામાજિક કાર્યકર ભરતભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે,”બિલેશ્વરમાં ઠાકોર સમાજના માથાભારે જાતિવાદી લોકોએ દલિતોની વસ્તી પર ગત તા. 30 જાન્યુઆરીની રાત્રે હુમલો કર્યો હતો. આરોપીઓ 2 ટ્રેક્ટર ટ્રોલી ભરીને ઈંટો અને રોડાં લઈને આવ્યા હતા અને દલિતવાસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર અને કલોલ નજીકના દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં દલિતો ફરિયાદી, પીડિત હોવા છતાં રાજકીય દબાણને વશ થઈને પોલીસે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી સામી ફરિયાદ સ્વીકારી હતી. આ ખોટી ફરિયાદનો વિરોધ કરવા માટે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે બિલેશ્વરપુરાના દલિત આગેવાનો, સ્થાનિક સામાજિક કાર્યકરો, કર્મશીલો અને મોટી સંખ્યામાં ભીમસૈનિકોએ ઉપસ્થિત રહીને 3 ફેબ્રુઆરી 2024, શુક્રવારના રોજ ગાંધીનગર કલેક્ટર, ડીએસપી અને માનવ અધિકાર આયોગને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે.”

શું હતો આખો મામલો?

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે ગત તા. 30 જાન્યુઆરીના રોજ ગીતાબેન કમલેશભાઈ સોલંકી નામના દલિત મહિલા તેમના ઘેર તેમની ભેંસ દોહી રહ્યાં હતા. એ વખતે તેમના ઘરની બાજુમાં આવેલા ગામના પાદરમાં ઠાકોર સમાજના 15-20 છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ગીતાબેને તેમને તેઓ ભેંસ દોહી લે એ પછી ક્રિકેટ રમજો એમ કહ્યું હતું. તેમ છતાં ઠાકોર છોકરાઓ માન્યા નહોતા અને એક દડો ભેંસ દોહી રહેલા ગીતાબેનને જોરથી વાગ્યો હતો. જેને લઈને તેમણે છોકરાઓને ત્યાંથી દૂર જઈને રમવા કહ્યું હતું. જેનાથી સુમીત ઠાકોર નામનો એક છોકરો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગીતાબહેનને જાતિસૂચક ગાળો બોલીને હડધૂત કર્યા હતા. આથી ગીતાબેનનો દીકરો આવી પહોંચ્યો હતો અને તેણે સુમીતને ગાળો ન બોલવા સમજાવ્યો હતો. જો કે તે માન્યો નહોતો અને ગામમાં જઈને ઠાકોર સમાજના લોકોને લઈને માથાકૂટ કરવા આવી પહોંચ્યો હતો. મામલો બિચકી જતા આખરે સરપંચ સહિતના આગેવાનોએ બંને પક્ષોને બોલાવીને પોલીસની હાજરીમાં સમાધાન કરાવ્યું હતું.

જો કે દલિતોને પાઠ ભણાવવાની કાયમી માનસિકતા ધરાવતા આ જાતિવાદી તત્વોએ ગામમાં પરત ફરીને તરત હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સમાધાનના બે જ કલાકની 200થી વધુ લોકોના ટોળાએ ઈંટો અને પથ્થરોની બે ટ્રેક્ટર ટ્રોલી ભરીને દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. અનેક દલિતોના ઘરોના બારીબારણાંને આગ લગાવી દીધી હતી અને 20થી વધુ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની સ્થાનિક સામાજિક કાર્યકર ભરતભાઈ પરમાર અને તેમની ટીમને થતા તેઓ બિલેશ્વરપુરા પહોંચ્યાં હતા અને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને ટોળાં સામે એટ્રોસિટી સહિતની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બિલેશ્વરપુરા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલું ગામ છે

ઉલ્લેખનીય છે કે બિલેશ્વરપુરા કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલું ગામ છે.પરંતુ તેઓ જાતિવાદ ખતમ થઈ જાય તેવી આદર્શ સ્થિતિ લાવી શક્યાં નથી. કેન્દ્રીય ગૃહમંત્રી દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર હોય છે. પણ અહીં તો તેમના સંસદીય વિસ્તારમાં, એ પણ તેમણે દત્તક લીધેલા ગામમાં જાતિવાદીઓ બેફામ થઈને દલિતો પર હુમલા કરી રહ્યાં છે. અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ મનમાની કરતી હોવાનો પીડિત દલિતોનો આક્ષેપ છે. બિલેશ્વરમાં મોટાભાગે ઓબીસી ઠાકોર સમાજના લોકોની વસ્તી છે. અહીં તેમના 500 જેટલા ઘરો છે. આ સિવાય ગામમાં પટેલ સમાજની પણ વસ્તી છે. દલિતોના 30 જેટલા ઘરો છે જેમાં મુખ્યત્વે રોહિત અને સેનમા સમાજ છે.

અગાઉ પણ ઠાકોરોએ દલિતો પર હુમલો કર્યો હતો

બિલેશ્વરપુરામાં ઠાકોર સમાજે અગાઉ પણ દલિતો પર હુમલો કર્યો હતો. એક વર્ષ પહેલા ઘટેલી એક ઘટનામાં ગામના ઠાકોર સમાજના કેટલાક લોકોએ સામાન્ય બાબતમાં દલિતવાસમાં ઘૂસીને એક છોકરાને માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેનો કેસ હજુ પણ ચાલુ છે. આ ઘટનાના બે-ત્રણ આરોપીઓ પણ 30મી તારીખે થયેલા હુમલામાં સામેલ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

આ પણ વાંચો : આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Kantibhai parmar
    Kantibhai parmar
    Thakor samaj gunahit.mathabhare.isamone.kaydakiy.rite... Sixatmak.pagla.leva.joiye..
    2 months ago