મોબાઈલ ફોનના વિવાદમાં બે શખ્સોએ દલિત યુવકની ઘરમાં ઘૂસી હત્યા કરી
Dausa news: મોબાઈલ ફોનને લઈને થયેલી નજીવી તકરારમાં બે યુવકોએ દલિત યુવકના ઘરે જઈ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.

Dausa News: રાજસ્થાનના દૌસામાં ગઈકાલે એક દલિત યુવકનું નજીવી બાબતમાં બે શખ્સોએ મળીને ખૂન કરી નાખ્યું. આરોપીઓ અને મૃતક યુવક વચ્ચે મોબાઈલ ફોનને લઈને કોઈ માથાકૂટ થઈ હતી. જેનો બદલો લેવા માટે આરોપીઓ તેના ઘરે પહોંચી ગયા હતા અને ઘરમાં જ ચાકૂના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ એક આરોપીને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. પરંતુ બીજો ભાગી ગયો. આરોપીએ યુવકને બચાવવા આવેલા તેના પાડોશી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
Dausa ના ગણેશપુરા વિસ્તારની ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર હત્યાની આ ઘટના દૌસા (Dausa) શહેરના ગણેશપુરા રોડ પર સ્થિત સત્કાર કોલોનીમાં બની હતી. અહીં બે યુવાનોએ દલિત યુવક વિનોદ બૈરવા (35) (Vinod bairava) ની છરીના ઘા મારીને હત્યા કરી દીધી. હત્યારાઓ રાત્રે વિનોદના ઘરે આવ્યા હતા અને તેની સાથે માથાકૂટ કરી હતી. એ પછી તેને છરીના ઘા મારી દીધાં હતા. થોડી વારમાં જ વિનોદના ઘરમાંથી રડવાનો અને ચીસો પાડવાનો અવાજ આવતા પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા. એ દરમિયાન આરોપીઓ ત્યાંથી ભાગતા જોવા મળ્યા. આ જોઈને પડોશીઓને શંકા ગઈ.
આ પણ વાંચોઃ રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ
પડોશીઓ ઘરમાં ગયા તો ચોંકી ગયા
એ દરમિયાન લોકોએ એક હત્યારાને પકડી લીધો પણ બીજો ભાગી ગયો. ત્યારબાદ, જ્યારે લોકો વિનોદના ઘરની અંદર ગયા, ત્યારે તેનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં પલંગ પર પડેલો હતો. આ જોઈને પડોશીઓ સ્તબ્ધ થઈ ગયા. લોહીથી ખરડાયેલી છરી પણ ત્યાં પડી હતી. પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ દૌસાના ડીએસપી રવિ પ્રકાશ શર્મા અને શહેર કોટવાલ સુધીર કુમાર ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું.
એક આરોપી સગીર નીકળ્યો, એકની શોધખોળ ચાલું
આ સાથે, પુરાવા એકત્રિત કરવા માટે FSL અને MOB ટીમોને બોલાવવામાં આવી હતી. મોડી રાત્રે, વિનોદના મૃતદેહને દૌસા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો. એ દરમિયાન લોકોએ જે યુવકને પકડ્યો હતો તે સગીર હોવાનું કહેવાય છે. લોકોએ તેને ખૂબ માર માર્યો અને બાંધી દીધો. પોલીસ તેના દસ્તાવેજો પરથી તેની ઉંમર ચકાસી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ રાહુલ હોવાનું સામે આવ્યું છે.
26 january એ મોબાઇલને લઈને વિવાદ થયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ વિનોદ બૈરવા અને આરોપી રાહુલ વચ્ચે મોબાઇલ ફોનને લઈને ઝઘડો થયો હતો. આ જ વિવાદને કારણે રાહુલ તેના મિત્ર સાથે રાત્રે વિનોદ બૈરવાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે વિનોદ પર છરીના ઘા કરીને તેની હત્યા કરી દીધી. હાલમાં પોલીસ રાહુલને શોધી રહી છે. સગીરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાહુલની ધરપકડ બાદ જ આખો મામલો સામે આવશે.
આ પણ વાંચોઃ દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું