બિહારના નવાદામાં દલિતો પર મોટો હુમલો, ટોળાએ 80 ઘરો સળગાવી દીધાં
બદમાશોએ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 80 ઘરો સળગાવી દીધાં, 15ની ધરપકડ કરાઈ.
બિહારના નવાદા જિલ્લામાં જમીનના વિવાદમાં એક દલિત વસાહતને ઘેરીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. મુફાસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણા નગર ગામમાં બનેલી આગની આ ઘટનામાં દલિત સમાજના લોકોના 80 ઘર બળી ગયા છે. પોલીસે જણાવ્યું કે આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક પક્ષ અહીં રહે છે અને બીજો પક્ષ આ જમીન પર દાવો કરી રહ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
100થી વધુ લોકોનું ટોળું તૂટી પડ્યું
ગ્રામજનોએ જણાવ્યું કે બુધવારે લગભગ સોથી વધુ લોકોના ટોળું અચાનક દલિતવાસમાં આવી પહોંચ્યું હતું. વાસમાં પ્રવેશતા જ બદમાશોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારના કારણે સ્થળ પર ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ટોળાઓએ લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગામલોકો પોતાને બચાવવા માટે અહીં-ત્યાં છુપાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ પછી સ્થિતિની ગંભીરતાને જોતા ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
80થી વધુ ઘરો આગમાં સળગી ગયા
ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે દસ લોકોની ધરપકડ પણ કરી હતી. ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. ડીએમ આશુતોષ કુમારે જણાવ્યું કે આ ગામ કૃષ્ણા નગર નદી પર આવેલું છે. અમે ઘટનાનો સર્વે કર્યો છે. લગભગ 30 ઘર બળી ગયા છે. જો કે સ્થાનિક દલિતો 80થી વધુ ઘર સળગી ગયા હોવાનું જણાવે છે.
નવાદાના એસપી અભિનવ ધીમાને કહ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે આ ઘટના બુધવારે સાંજે બની હતી. 40 થી 50 ઘરોમાં આગ લાગી છે. હજુ સુધી આમાં કોઈ વ્યક્તિના મોતના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. અમને હજુ સુધી શેલ મળ્યો નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્ય આરોપીઓ સહિત કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીનાની ધરપકડ માટે દરોડા ચાલુ છે.
એસપીએ આગળ કહ્યું કે, જમીનને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એક પક્ષ અહીં સ્થાયી થયો હતો, જ્યારે બીજો પક્ષ લાંબા સમયથી તે જમીન તેમની હોવાનો દાવો કરી રહ્યો હતો. આ ઘટના તેમના દ્વારા જ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ ફોર્સ આગામી બે-ત્રણ દિવસ સુધી અહીં કેમ્પ કરશે. તે પછી પણ જો સ્થિતિ સ્થિર નહીં થાય તો ફોર્સ આગળ પણ કેમ્પ કરશે. અમારી અપીલ છે કે શાંતિ જાળવો અને જો કોઈને માહિતી આપવી હોય તો આપી શકે છે.
મંત્રી જનક રામે શું કહ્યું?
આ મામલે બિહાર સરકારના અનુસૂચિત જાતિ-જનજાતિ વિભાગના મંત્રી જનક રામે કહ્યું કે, અમને નવાદામાં બનેલી ઘટનાની માહિતી મળી છે. જેમાં ગુંડાઓ દ્વારા અનુસૂચિત જાતિના લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ એક દુઃખદ ઘટના છે. ગુંડાઓ ગમે તે હોય, સરકાર તેમની સામે ચોક્કસ પગલાં લેશે. સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં નબળા વર્ગના લોકો, દલિત અને મહાદલિત પરિવારો સુરક્ષિત છે. તેમના પર વર્ચસ્વ જમાવનારાઓને સરકાર છોડશે નહીં.
તમામ ઘરોમાં સામાન બળીને રાખ થઈ ગયો
આગની આ ઘટવામાં અનેક પશુઓ પણ બળી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમતથી આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલ સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘરો ઘાસ અને કાચલીઓના બનેલા હતા.
આ ઘટના પાછળનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. દલિત પરિવારો આ જમીન પર રહે છે. જેને લઈને સામે પક્ષે તકરાર ચાલી રહી હોવાથી તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે બુધવારે મોડી સાંજે સામેના પક્ષના લોકોએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો અને ઘરોમાં આગ લગાડી દીધી હતી.એટલું જ નહીં 50 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ગ્રામજનોનો આરોપ છે કે 'બુધવારે સાંજે લગભગ 8 વાગ્યે પ્રાણ બિગહાના નંદુ પાસવાન સહિત સેંકડો લોકોએ મળીને ગામ પર હુમલો કર્યો હતો. આ સાથે તેઓએ ગોળીઓ પણ ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન અનેક લોકોને માર મારવામાં આવ્યો હતો. આ પછી 80-85 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.
માયાવતીએ શું લખ્યું?
આ ઘટનાને લઈને બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવા અને પીડિતોને આર્થિક સહાય કરી પુનર્વસનમાં મદદ કરવા વિનંતી કહી હતી. બહેનજીએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે,"બિહારના નવાદામાં ગુંડાઓએ ગરીબ દલિતોના ઘણાં ઘરોને બાળીને રાખ કર્યાની ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર છે. દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સરકારે પીડિતોના પુનર્વસન માટે સંપૂર્ણ આર્થિક સહાય પણ આપવી જોઈએ."
ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?
આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર રાવણે પણ ટ્વિટ્ કરી આ ઘટનાને જંગલરાજનું ઉદાહરણ ગણાવી હતી. આ ઘટના પર આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, "બિહારના નવાદા જિલ્લાના મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૃષ્ણ નગર દલિત કોલોનીમાં 80 ઘરોમાં આગચંપી અને ગોળીબારની ઘટના જંગલરાજનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. અમારી રાજ્યની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચીને પીડિતોને મળશે. પીડિતોમાં ભયનો માહોલ છે. હું મુખ્યમંત્રી નીતિશકુમારને વિનંતી કરું છું કે, ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરાય. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પીડિતોને મદદનો દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે સાથે હું આ મામલે ન્યાયિક તપાસની પણ માંગ કરું છું."
આ પણ વાંચોઃ દલિત મહિલાઓ પર થતા અત્યાચારને કેમ મહત્વ મળતું નથી? આ છે કારણ