દલિત મહિલાઓ પરના અત્યાચારને કેમ મહત્વ મળતું નથી, આ છે કારણ
ભારતમાં દલિત મહિલાઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર થાય તો પણ તેને કોલકાતા કે નિર્ભયા કેસની સવર્ણ યુવતીના કેસ જેટલું મહત્વ કેમ નથી મળતું? આ રહ્યો તેનો જવાબ.
શું દલિત હોવું ગુનો છે? શું ભારતમાં દલિતોની જિંદગીનો કોઈ અર્થ નથી? કોઈ વ્યક્તિ કહેશે કે દલિતો માટે દેશમાં અનેક કાયદાઓ છે, તેમને દરેક જગ્યાએ આગળ વધવા માટે અનામત આપવામાં આવે છે. પણ આ બધું માત્ર કહેવા ખાતર છે, વાસ્તવિકતા એ છે કે, ભારતમાં આજે પણ દલિતોના જીવનને એટલું મહત્વ આપવામાં આવતું નથી. તમે આ વાતનો અંદાજ એના પરથી લગાવી શકો છો કે વર્ષ 2022માં એકલા રાજસ્થાનમાં જ દલિતો પર અત્યાચારના 14.7% ટકા એટલે કે 7,524 કેસ નોંધાયા હતા, જે હવે ઘણા વધી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ કેસો માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ વધ્યાં છે. દલિત મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ત્યાં સૌથી વધુ વધી રહ્યા છે અને સરકાર તેને ડામવામાં નિષ્ફળ રહી છે.
રાજસ્થાનમાં દલિતો, આદિવાસીઓ અને મહિલાઓ સામે અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. અહીં સત્તા બદલાઈ છે પરંતુ દલિત મહિલાઓ સામેના ગુનાઓ ઘટવાને બદલે સતત વધતા જઈ રહ્યાં છે.
ભારતમાં દલિતોને "અસ્પૃશ્ય" ગણવામાં આવે છે. દલિત મહિલાઓ, જે ભારતની સ્ત્રી વસ્તીનો 16% હિસ્સો ધરાવે છે, તેઓ ઘણીવાર જાતીય શોષણનો ભોગ બને છે. લિંગ અને જાતિ આધારિત હિંસાનો ભોગ બનવાનું સૌથી વધુ જોખમ પણ તેમના પર છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, દરરોજ એક દલિત મહિલા પર બળાત્કાર થાય છે અને છેલ્લા દસ વર્ષમાં દલિત મહિલાઓ પર બળાત્કારની સંખ્યામાં 44%નો વધારો થયો છે. ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો સરકારી સંસ્થા છે અને તે માત્ર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અંગે વાત કરે છે. એમાં પણ વર્તમાન સરકાર સત્તામાં આવ્યા પછી દરેક આંકડાઓ સાથે ચેડાં કરવાની દાનત ધરાવે છે. એ જોતા આ આંકડાઓ અનેકગણાં વધુ હોવાની પુરી શક્યતા છે. વાસ્તવિકતા એ છે કે, દેશભરમાં હજારો એવી દલિત મહિલા પરના અત્યાચારની ઘટનાઓ ઘટે છે, જે પોલીસ ચોપડે કદી ચડતી જ નથી. જો એ બધું સામે આવે તો ધરતીકંપ આવી જાય.
આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ
હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના સંશોધન મુજબ, ભારતના જમીનવિહોણા મજૂરો અને સફાઈ કામદારોનો મોટો હિસ્સો દલિત મહિલાઓ છે, અને તેમાંથી એક મોટા હિસ્સાને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે અથવા વેશ્યાગૃહોમાં વેચવામાં આવે છે જેના કારણે તેમની સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા વધુ છે.
દલિત અધિકાર કાર્યકર્તા થેનમોઝી સુંદરરાજન દલિત મહિલાઓની દુર્દશા વિશે વાત કરતા કહે છે કે, “સદીઓથી, જમીનની માલિકી ધરાવતી જાતિઓએ દલિતો પર અત્યાચાર કર્યા છે. તેઓ તેમની જમીનો પર એ રીતે દાદાગીરી કરે છે જાણે આખું સામ્રાજ્ય તેમનું હોય. જે રીતે નસ્લવાદ અને ગુલામીને સમજ્યા વિના અમેરિકાના ઈતિહાસમાં જાતિય હિંસાને સમજવાની બીજી કોઈ રીત નથી, એ જ રીતે ભારતમાં જાતિને સમજ્યા વિના મહિલાઓ સામેની હિંસા અને દંડની જોગવાઈને સમજવાની કોઈ રીત નથી.
આ પણ વાંચો: નોટબંધી 2.0 - ફરી માર અસંગઠિત ક્ષેત્રના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ પર
સુંદરરાજને જણાવ્યું હતું કે પોલીસ દલિત મહિલાઓ પર થતા અત્યાચારોની ફરિયાદો નોંધવામાં જાણીજોઈને અત્યંત ઢીલ દાખવે છે, કેમ કે પોલીસખાતામાં મોટાભાગના અધિકારીઓ સવર્ણ જાતિના હોય છે. પોલીસ દ્વારા દલિત મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાની તપાસમાં મોટાભાગે વિલંબ કરવામાં આવે છે અને તપાસ અધિકારીઓ મોટાભાગે બળાત્કારની શંકાને જ ફગાવી દે છે. જેના કારણે તપાસ પહેલા જ આખો મામલો નબળો પડી જાય છે.
એ પછી સૌથી ખતરનાક રોલ સવર્ણ મીડિયા ભજવે છે. ભારતનું કથિત મુખ્યધારાનું મીડિયા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મહિલાઓના અવાજોને અવગણે છે.
સામાજિક કાર્યકર્તા મનીષા મશાલેએ એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “દલિત મહિલાઓ પર જાતિ આધારિત હિંસાને જાણી જોઈને સામાન્ય બનાવી દેવામાં આવે છે. ભારતનું 95 ટકા મીડિયા કથિત સવર્ણ જાતિના લોકોના હાથમાં છે અને તેમની જ જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતા ન્યૂઝરૂમમાં દલિત મહિલાઓની આ પીડાને કદી કવરેજ અપાતું નથી. દલિત વસ્તીઓને સળગાવી દેવી, પોલીસ દ્વારા બળાત્કાર પીડિતાનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર, સ્થાનિક વહીવટીતંત્ર અને કથિત ઉચ્ચ જાતિના લોકો દ્વારા દલિતો દ્વારા દાખલ કરાયેલા કેસોનું દમન સામાન્ય બાબત છે. આ બધાં કારણોસર દલિત મહિલાઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર થાય તો પણ તેને મહત્વ મળતું નથી. જરૂરી છે કે, પ્રચાર માધ્યમોમાં દલિતો, આદિવાસીઓની સંખ્યા વધે, દલિતોના પોતાના મીડિયા હાઉસ ઉભા થાય અને તેમાં તેમના પ્રશ્નોને વાચા આપવામાં આવે.
આ પણ વાંચો: પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
नारायण पूसाळExcellent post information