પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે
દલિતો, આદિવાસીઓ પર જાતિવાદીઓ દ્વારા અત્યાચારોનો સિલસિલો 2023ના વર્ષમાં પણ યથાવત રહ્યો છે. જાતિવાદીઓ જીતતા જાય છે અને પીડિત પરિવારોને ન્યાય મળ્યાંના દાખલાઓ ખૂટતા જાય છે, એવા માહોલમાં અહીં એક એવા કરૂણ છતાં સાહસથી ભરપૂર કેસની વાત કરવી છે જે ન્યાય ઝંખતી કોઈપણ વ્યક્તિને નવું જોમ અને જુસ્સો પુરો પાડશે.
પાંચ વર્ષ પહેલા 29 નવેમ્બર 2018ના રોજ ઉનાની સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. જેમાં એટ્રોસિટીના એક કેસમાં એક સાથે 11 લોકોને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. એ સાથે જ છેલ્લાં એક દાયકા કરતા વધુ સમયથી ભયંકર યાતનાઓ વેઠતા એ પરિવારને ન્યાય મળતા તે ચોધાર આંસુએ રડી પડ્યો હતો. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ચકચારી આંકોલાળી કેસની. જેમાં એક નિર્દોષ દલિત યુવકને માથાભારે જાતિવાદી તત્વોએ એક સંપ થઈને જીવતો સળગાવી દીધો હતો. પણ એ પછી આ પરિવારે જે અકલ્પનિય હિંમત દાખવી છે, તે મડદામાં પણ પ્રાણ પૂરે તેવી શક્તિશાળી છે.
ઘટના શું હતી?
ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામે તારીખ ૧૩/૯/૨૦૧૨ના રોજ સવારમાં ગામના 150થી વધુ કોળી પટેલોએ ભેગા મળી દલિત યુવક લાલજીભાઈ સરવૈયાને કોળી સમાજની દીકરીને ભગાડીને ક્યાંક સંતાડી દીધાની આશંકાએ તેમના જ ઘરમાં જીવતા સળગાવી દીધા હતા. જેમાં ઘરના અન્ય સભ્યોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી અને તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
કોળી સમાજની યુવતીને ભગાડવાની આશંકાએ દોઢસોથી વધુ લોકોનું ટોળું વહેલી સવારે જ લાલજીભાઈને ઘરે ઉતરી પડ્યું હતું. ટોળાંએ તેમના ઘરને બહારથી તાળું મારી દીધું હતું, એ પછી છત પરથી અંદર ઉતરી ઘરમાં સૂતેલા લાલજીભાઈને કેરોસીન છાંટી, ઘરમાં પડેલા ગોદડા વીંટીને અન્ય સામાન તેમના પર ફેંકીને પછી જીવતા સળગાવી દીધા હતા. સાથે પરિવારના અન્ય સભ્યો પર પણ સામૂહિક હુમલો કરી ઢોર માર માર્યો હતો.
આ મામલાની ફરિયાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં ૪૦/૨૦૧૩થી આઈપીસીની કલમ ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૪૩૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૪૯, ૩૪૨, ૩૩૭, ૧૨૦-બી અને અનુસુચિત જાતિ અને જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ની કલમ ૨(૧)(૨), ૩(૧)(૫) તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ નોંધાયેલ હતી. આરોપીઓની અટક બીજા દિવસે કરેલ જે તમામ આરોપીઓ જેલમાં છે.
લાલજીભાઈ સરવૈયાને જીવતા સળગાવી દીધાની ઘટના બાદ તેમનો પરિવાર અને કુટુંબીઓ સહિતના 14 લોકો સુરક્ષા ખાતર તમામ ઘરવખરી મૂકીને ફફડતા હૈયે ઉના ખાતે હિજરત કરી ગયા હતા. જ્યાં લાંબા સમય સુધી સરકાર સામે સંઘર્ષ કર્યા બાદ આખરે દેલવાડા ખાતે સરકારે જમીન ફાળવતા હાલ ત્યાં ઝૂંપડા બાંધીને રહે છે.
સરકારે આ પરિવારને હિજરતી જાહેર કરેલ છે પણ આ પરિવારનું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિઅત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ના નિયમો ૧૯૯૫ના નિયમ ૧૫ મુજબ ખાસ આકસ્મિક યોજનમાં પુનર્વસન કરવા આ પરિવારે વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી તેનો પુરેપુરો અમલ કર્યો નથી. પરિવારને હિજરતી જાહેર કર્યા બાદ આકોલાળી ગામે સોનાની લગડી જેવી, પાણીના કુવા વાળી પોતાની માલિકીની ૧૫ વીઘા જમીન હતી તેની સામે ૧૫ વિધા જમીન આપેલ છે. નવી કોઈ જ ખેતીની જમીન સરકારે આપેલ નથી. સરકારે રહેવા માટે મફત પ્લોટ ફાળવેલ છે પણ હજુ સુધી પુરતી સહાય ન મળવાથી આ જગ્યા પર ઝૂંપડા બનાવેલ છે. સરકારે પાણીની વ્યવસ્થા એક ડંકી બનાવી કરેલ છે જે પુરતી નથી. રહેણાંક મકાનમાં લાઈટની કોઈ જ વ્યવસ્થા નથી. બાળકોને બે થી અઢી કિલોમીટર ચાલીને શાળાએ ભણવા જવું પડે છે. હિજરતી પરિવારના એક સભ્યને સરકારે નોકરી આપી નથી કે કોઈ જ રોજગારી પૂરી પાડેલ નથી. સરકાર દ્વારા આ પરિવારનું પુરેપૂરું પુન:વસન કરવામાં નિષ્ફળ જતા હારી થાકીને પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી ઈચ્છા મૃત્યુની રજા આપવા માંગ કરેલ છે.
આ બનવાની ફરિયાદના અનુસંધાને ઉનાની નીચલી અદાલતમાં ચાર્જશીટ થતા આ કેસને નીચલી અદાલત દ્વારા ખાસ એટ્રોસિટીસના કેસ માટે ચાલતી ખાસ અદાલતમાં કમીટ કરવામાં આવેલ હતો. જેમાં મે. સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને ચોથા એડીશનલ સેશન્સ જજની કોર્ટ સમક્ષ આ કેસ ચાલેલ હતો. આ કેસનો નંબર સ્પેશ્યલ કેસ (એટ્રોસિટી) નંબર-૧૩/૨૦૧૩ છે જે કેસનો ચુકાદો તારીખ ૨૯/૧૧/૨૦૧૮ના દિવસે ખાસ અદાલતના માનનીય જજ દ્વારા ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવ્યો હતો. કેસ કુલ પાંચ વર્ષ, ત્રણ માસ અને ૦૭ દિવસ ચાલેલ હતો.
આ કેસમાં સરકારી વકીલ તરીકે મોહનભાઈ ગોહિલ, ફરિયાદ પક્ષે એડવોકેટ ગોવિંદભાઈ એમ. પરમારે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. સરકાર પક્ષેથી સરકારી વકીલ મોહનભાઈ ગોહેલે કોર્ટ સમક્ષ ધારદાર દલિતો કરી આ કેસના તમામ પાસા વર્ણવી કેસને સાબિત કરવામાં સફળતા મેળવી હતી, તેમજ મૂળ ફરીયાદી પક્ષે વકીલ ગોવિંદભાઈ પરમાર અને તેમની ટીમે તૈયાર કરેલ ૧૪૬ પાનાની લેખિત દલીલ કોર્ટ સમક્ષ મૂકી હતી, જે ખુબ જ મહત્વની પુરવાર થઇ હતી.
આ કેસમાં સજા પામનાર ગુનેગારના નામ આ મુજબ છે. (૧) ભાણાભાઈ કાનાભાઈ વાજા, ઉ.વ.૪૦ (૨) બાબુભાઈ દાનાભાઈ વાજા, ઉ.વ.૪૮ (૩) ધીરુભાઈ વિરાભાઈ વાજા, ઉ.વ.૪૦ (૪) ભીખાભાઈ વિરાભાઈ વાજા, ઉ.વ.૬૦ (૫) રામભાઈ ભીખાભાઈ વાજા, ઉ.વ.૩૯ (૬) પાંચાભાઈ લાખાભાઈ વાજા, ઉ.વ.૩૨ (૭) પ્રવીણભાઈ ધીરુભાઈ વાજા, ઉ.વ. ૨૩ (૮) હમીરભાઈ અરજણભાઈ વાજા, ૪૦ (૯) અરજણભાઈ બાબુભાઈ મકવાણા, ઉ.વ.૧૯ (૧૦) ગભરૂભાઈ કાનાભાઈ વાજા, ઉ.વ. ૨૮ (૧૧) લાલજીભાઈ વશરામભાઈ વાજા ઉ.વ.૪૫. તમામ રહેવાસી આંકોલાલી તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ.
સંજયકુમાર લવજીભાઈ ઠક્કર સપેશ્યલ જજ (એટ્રોસિટી) અને ચોથા એડીશનલ સેસન્સ જજ, ઉના દ્વારા તારીખ ૨૯/૧૧/૨૦૧૮ના રોજ ૧૯૨ પાનાના આપેલ ચુકાદામાં માન્યું છે કે ફરિયાદ પક્ષે નિશંકપણે, શંકા વગર આરોપીઓએ કરેલ ગુનો સાબિત કરેલ છે. કોર્ટ દ્વારા ક્રિમીનલ પ્રોસીજરની કલમ ૩૫૭ મુજબ તમામ આરોપીઓને દંડ કરી દરેક આરોપીએ રૂ. ૫૪,૫૦૦ x ૧૧= ૫,૯૯,૫૦૦ ભરવા અને આ દંડની રકમ અપીલ સમય પૂર્ણ થયા બાદ ફરિયાદીને વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે અને તમામ મુદ્દામાલ અપીલ સમય વિત્યે નાશ કરવાનો આદેશ કરેલ છે. દરેક આરોપીઓને કોર્ટે કરેલ સજા એકી સાથે ભોગવવાની રહેશે.
કોર્ટનું તારણ એ છે કે આ કેસ ઓનર કિલિંગ નો જણાય છે અને ગુનો રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં ગણાય તેમજ ટોળા દ્વારા આ કૃત્યને અંજામ આપેલ છે જેથી મોબ લિંચીંગનો પણ કેસ છે કે જેના પ્રત્યે સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવવા આદેશ કરેલ છે. આ કેસમાં ફાસીની સજા કરી સહાય તેવો કેસ છે પરંતુ આરોપીઓની આર્થિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ આરોપીઓ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી જેલમાં હોઈ મૃત્યુ દંડને બદલે અંતિમ શ્વાસ સુધીની આજીવન કારવાસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે તો સમતોલ ન્યાય થયાનો સમાજ અનુભવ કરશે. વળી, આરોપીઓ સામે જે પ્રકારે ગુનો સાબિત થયેલ છે તે જોતા ભવિષ્યમાં તેઓને સજા માફીની કોઈ રાહત આપવામાં ન આવે તેવો સ્પષ્ટ હુકમ કરવો પણ ન્યાયોચિત જણાય છે.
સમાજમાં દિન-પ્રતિદિન આવા મોબ લિંચીંગના બનાવ તેમજ અસ્પૃશ્યતાની માનસિકતાથી ઉદ્ધભવતા ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ સમાજમાં રહેલી અસ્પૃશ્યતાની માનસિકતાના કારણે સમાજમાં વર્ગ-વિગ્રહની સ્થિતિ ઉભી થાય છે અને ઉંચ-નીચના ભેદભાવનું પ્રમાણ વધી રહેલ છે. સરકારશ્રીના પૂરતા પ્રયત્નો છતા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રત્યેના અત્યાચારો અંકુશમાં આવી શક્યાં નથી. આ પ્રકારના અત્યાચારોને રોકવા માટે સામાજિક જાગૃતિના પ્રયાસોમાં વધારો થવો જરૂરી છે. તેમજ લોકોની માનસિકતા બદલાય અને ઉંચ-નીચના ભેદભાવ ઘટે તેવા જનજાગૃતિના આંદોલનની પણ આવશ્યકતા છે અને તેવા આંદોલનો ચલાવવા તે સમાજ અને સરકારની જવાબદારી છે. પરંતુ જયારે ઉંચ-નીચના ભેદભાવમાંથી ઉદભવેલા ગુનાઓના નિર્ણય કરવાની જવાબદારી અદાલત ઉપર આવે ત્યારે અદાલતની એ પવિત્ર જવાબદારી છે કે આ ભેદભાવ નાબૂદ થાય અને ભેદભાવની માનસિકતાવાળા લોકોમાં કાયદાનો ભય પેદા થાય તેવો દાખલારૂપ હુકમ કરવો. આમ અદાલતે આજે પોતાના ઉપરની સદર જવાબદારીને વહન કરવાનો દિવસ છે ત્યારે સમાજની બદીઓને દૂર કરવામાં અદાલતનો ચૂકાદો સમાજને મદદરૂપ થાય તે પાસાને પણ ધ્યાનમાં લેવું જરૂરી બને છે. સાથો સાથ અદાલતે પોતાની સમક્ષ હાજર આરોપીઓની આર્થીક, સામાજિક, શૈક્ષણિક અને પારિવારિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ તમામ દ્રષ્ટિકોણોથી જોતા આરોપીઓને જે રીતે ક્રુરતાપૂર્વક ગુનાને અંજામ આપેલ તે જોતા આરોપીઓનું કૃત્ય કોઈ પણ તબક્કે દયાને પાત્ર જણાતું નથી. આમ આ સંજોગોમાં કાયદામાં ઠરાવ્યા મુજબની પુરેપુરી સજા કરવામાં આવે તો સમતોલ ન્યાય થયો ગણાશે તેવું અત્રેની અદાલતનું માનવું છે.
કોર્ટે નોંધ્યુ છે કે આમ ઉપરોક્ત ચર્ચા મુજબ આ ગુનાના દરેક આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૪૩૬,૪૪૯, ૧૨૦-બી ના ગુન્હામાં દોષિત માની આજીવન કારાવાસની સખ્ત કેદની સજા કરેલ છે તે સજા આરોપીઓ જીવે ત્યાં સુધી એટલેકે, અંતિમ શ્વાસ સુધી ભોગવવાની રહેશે.આ કામના આરોપીઓને ઉપરોક્ત તમામ સજાઓ એકી સાથે ભોગવવી, આરોપીઓને ઠરવાની નકલ વિના મુલ્યે પૂરી પાડવી અને જજમેન્ટની નકલ જીલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથને મોકલી આપવા અને આ કામના આરોપીઓએ જેટલો સમય કાચા કામના કેદી તરીકે સજા ભોગવેલ હોય તેટલો સમય તેની સજામાં મજરે આપવો અને અપીલનો સમય પૂર્ણ થયા બાદ મુદ્દામાલ નાશ કરવાનો હુકમ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ ચુકાદો ૨૯મી નવેમ્બર ૨૦૧૮ના રોજ ઉનાની સેસન્સ કોર્ટ (ખાસ અદાલત-એટ્રોસિટી)ની ખુલ્લી અદાલતમાં સ્પેશ્યલ જજ દ્વારા વાંચી સંભળાવી જાહેર કર્યો હતો.
આ ચુકાદાને સમગ્ર દલિત સમાજે આવકારેલ છે તેમજ આ બનાવામાં ફરીયાદી કાળાભાઈ સરવૈયા અને તેમના પુત્ર પિયુષભાઈ સરવૈયા અને પીડિત પરિવારે વેઠેલ સંઘર્ષ અને આ કેસના કાનૂની મદદ કરનાર વકીલ ગોવિંદભાઈ પરમાર અને તેમની ટીમને પણ સમાજે બિરદાવી આભાર માનેલ છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે ૨૫ જાન્યુઆરી ૧૯૮૬માં ખંભાત તાલુકાના ગોલાણા ગામે ચાર દલિતોની હત્યા થયેલ જેમાં ૧૪ લોકોને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા થયેલી ત્યાર બાદનો આ દલિત અત્યાચારમાં સૌથી મોટો ચુકાદો છે.
(આ કેસમાં હિંમત હાર્યા વિના અને જરાય વિચલિત થયા વિના લડત આપી રહેલા મૃતક લાલજીભાઈ સરવૈયાના સૌથી નાના ભાઈ પિયુષભાઈ સરવૈયા સાથે Khabarantar.com દ્વારા વિસ્તારથી વાત કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં આપની સમક્ષ મૂકીશું.)
આ પણ વાંચો : દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.