અમદાવાદના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાશે

અમદાવાદના રાણીપમાં આવેલું ડૉ. આંબેડકર ફાઉન્ડેશન આજકાલ તેના અધૂરાં કામોને લઈને ચર્ચામાં આવ્યું છે. હવે આ મામલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે.

અમદાવાદના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાશે

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનની દયનિય હાલતને લઈને ગુજરાતભરના દલિત આગેવાનોમાં ભારે રોષ વ્યાપેલો છે ત્યારે બે દિવસ પહેલા અહીં યોજાયેલી મિટીંગમાં આગેવાનોએ સમગ્ર મામલે ધરણાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા સહિતના કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ.આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનમાં દોઢ દાયકા પછી પણ અનેક ગામો બાકી છે. અહીં ઓપન થિયેટર સહિતના અનેક કામો પૂર્ણ થયા નથી જેના કારણે તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. સરકારે વર્ષ 2007માં અહીં રૂ. 5 કરોડ જેવી મોટી રકમ ખર્ચીને તેનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. આ વાતને આજે વર્ષો વીતી ગયા હોવા છતાં અનેક કામો પડતર પડ્યાં છે. જે તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું, આજે તેઓ વડાપ્રધાનપદે છે છતાં ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું નથી. પરિણામે શહેરના દલિત આગેવાનોએ લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે. 

તેના માટે તા. 31-12-2023ના રોજ સાંજે નિવૃત્ત નાયબ કલેક્ટર અશોક વાણિયા(વડોદરા)ના પ્રમુખસ્થાને એખ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ડૉ.આંબેડકર વિચાર મંચ રાણીપના કન્વીનર જે. સી.પરમારે સ્થાનિક રીતે કરવામાં આવેલ તમામ રજૂઆતોની વિસ્તારથી માહિતી આપી હતી. 

ત્યારબાદ મિટિંગના મુખ્ય આયોજક દીક્ષાદૂત આનંદે આગામી લડતના કાર્યક્રમોમાં અમદાવાદથી ગાંધીનગર સુધીની લોંગમાર્ચ, અમદાવાદના તમામ વોર્ડમાં સભાઓ, ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર, અનુ.જાતિના મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર, અનુ.જાતિ ના MP -MLAના નિવાસે એક દિવસીય ધરણાં, ધિક્કાર સભાઓ, પોસ્ટર, પત્રિકાઓ, વોલ રાઈટિંગ, વાહન રેલી, જિલ્લા - તાલુકા મથકોએ આવેદન પત્રો આપવા, પોસ્ટર ઝુંબેશ જેવા કાર્યક્રમો કરવાની વિગતો આપી હતી.

આ મિટીંગમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કર્મશીલો પૈકી ડૉ. હસમુખ પરમાર, મહેશ પરમાર, રાહુલ પરમાર(ચાંદખેડા), જયંતી ઉસ્તાદ(સરસપુર), નિખીલ ગૌતમ(રાયખડ), મિલિંદ પ્રિયદર્શી, અંબાલાલ સોલંકી, જયંત વાળા(રાણીપ), દલપત સોલંકી(બાપુનગર), મનુભાઈ ગોહેલ(રખિયાલ), પ્રવીણ રાઠોડ, વી.કે.શાહ(સાબરમતી), બળવંત જીતિયા(કેશવનગર), સાહિલ પરમાર(ગાંધીનગર), ગૌરવ પરમાર(ઇંટવાળા-સરસપુર), પ્રેમજીભાઈ મહીડા, દિલીપભાઈ રાઠોડ(બહેરામપુરા) પી.એમ.બોરીચા(ચાંદલોડિયા), પ્રકાશભાઈ રામી(દાણીલીમડા) વગેરેએ સૂચનો કરી લડત શરૂ કરવાનું આહવાન કર્યું હતું. આ લડત લાંબી ચાલવાની હોઈ હાજર રહેલ અગ્રણીઓ પૈકી કેટલાંક મિત્રોએ નાણાંકીય ફાળો આપવાની પણ જાહેરાત કરી હતી. 

આ લડત સમિતિ વતી દીક્ષાદૂત(બાલકૃષ્ણ) આનંદે જણાવ્યું હતું કે, સતત ત્રણ કલાક ચાલેલી આ મિટિંગમાં લાંબી ચર્ચા વિચારણા બાદ ડૉ.આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ લડત સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિના નેજા હેઠળ આગામી તા. 16 જાન્યુઆરીના રોજ અમદાવાદ કલેકટર કચેરી સામે એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ સિવાય મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા માંગણી કરવામાં આવશે. જો ધાર્યું પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.

આ પણ વાંચો : દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.