સાથી પોલીસકર્મીઓની હેરાનગતિથી તંગ આવીને દલિત PSI એ ઝેર પી લીધું

પીએસઆઈએ તેમની સાથે કામ કરતા કથિત સવર્ણ પોલીસકર્મીઓની જાતિવાદી માનસિકતાથી તંગ આવી જઈને ઝેરી દવા પી લેતા તેમનું મોત થઈ ગયું છે.

સાથી પોલીસકર્મીઓની હેરાનગતિથી તંગ આવીને દલિત PSI એ ઝેર પી લીધું
image credit - Google images

જાતિવાદ દલિતોને દરેક જગ્યાએ પરેશાન કરતો મુદ્દો છે. પણ કદી કોઈ હિંદુ તેને ખતમ કરવાની વાત કરતો નથી. એને અનામત હટાવવી છે પણ અનામત જેના કારણે જરૂરી બની છે તે જાતિવાદ, અસ્પૃશ્તા દૂર નથી કરીને સમાન દરજ્જો આપવો નથી. બહુમતી હિંદુઓની આ માનસિકતા એકવીસમી સદીમાં પણ યથાવત રહેવા પામી છે અને તેનું તાજું ઉદાહરણ આ કિસ્સો છે.

મળતી માહિતી પ્રમાણે એક પીએસઆઈએ તેની સાથે કામ કરતા કથિત ઉચ્ચ જાતિના પોલીસકર્મીઓ દ્વારા થતા ભેદભાવ અને સતામણીથી તંગ આવી જઈને આત્મહત્યા કરી લીધી છે. પીએસઆઈ સાથે તેમના સાથી પોલીસકર્મીઓ જાતિ આધારિત ભેદભાવ દાખવતા હતા. જેના કારણે તેમણે ઝેર પી લીધું હતું. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ગઈકાલે મોત થઈ ગયું.

મામલો તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાનો છે. અહીં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અનુસૂચિત જાતિ સમાજના એક પોલીસકર્મીએ સાથી પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવતી સતામણીથી તંગ આવી જઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે ઝેર પી લીધું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું રવિવાર મોત થઈ ગયું. મૃતક પીએસઆઈના પત્નીની ફરિયાદના આધારે પોલીસે ચાર કોન્સ્ટેબલો અને સર્કલ ઈન્સપેક્ટર વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીએસઆઈ શ્રીરામુલુ શ્રીનિવાસ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હતા. તેઓ વારંગલ જિલ્લાના નારક્કાપેટા ગામના રહેવાસી હતા અને અશ્વરાવપેટા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

30 જૂનના રોજ તેમણે મહેબૂબાબાદમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી તેમને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પીએસઆઈએ અશ્વરાવપેટ પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલ અને સર્કલ ઈન્સપેક્ટર પર તેમની જાતિને લઈને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, કોન્સ્ટેબલો તેમને કેસોની તપાસમાં સહકાર નહોતા આપતા, તેઓ કેસોનો રેકોર્ડ લખવામાં અવરોધ ઉભો કરતા હતા અને સહકાર નહોતા આપતા. તેઓ તેમની દલિત જાતિને લઈને પણ કોમેન્ટ કરીને તેમને હેરાન કરતા હતા.

આ પણ વાંચો: હું સારી કામગીરી કરું છું છતાં બદલી, આવો અન્યાય? સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખેડાની આરોગ્યકર્મી યુવતીએ કરી આત્મહત્યા

આ ફરિયાદ તેમણે સર્કલ ઈન્સપેક્ટરને પણ કરી હતી, પણ તેમણે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. મૃતક પીએસઆઈએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, તપાસ કરવાને બદલે સર્કલ ઈન્સપેક્ટરે ઉલટાની તેમને જ નોટિસ ફટકારી દીધી હતી અને જાણીજોઈને તેમને હેરાન કર્યા હતા. આ મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી, પણ કોઈએ કોઈ જ પગલાં નહોતા લીધાં. એનું જ કારણ છે કે, તેમણે આ બધી બાબતોથી તંગ આવી જઈને ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી.

આ દરમિયાન વારંગલ જિલ્લામાં કેટલાક દલિત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરી, સૂત્રોચ્ચાર સાથે  પીએસઆઈની આત્મહત્યાના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરીને ન્યાયની માંગણી કરી હતી. 

એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પીએસઆઈની પત્ની કૃષ્ણવેણીની ફરિયાદના આધારે મહબૂબાબાદમાં સર્કલ ઈન્સપેક્ટર અને ચાર કોન્સ્ટેબલો વિરુદ્ધ એસસી એસટી એક્ટ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મહેબૂબાબાદ પોલીસે શુક્રવારે આત્મહત્યા મામલે સર્કલ ઈન્સપેક્ટર કે. જિતેન્દ્ર રેડ્ડી અને કોન્સ્ટેબલ શિવા, સુભાની, સન્યાસી નાયડુ અને શેખર વિરુદ્ધ એસસી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાવ્યો છે.

શ્રીનિવાસની માસીનું હૃદય બંધ પડી ગયું

પીએસઆઈ શ્રીનિવાસનની આત્મહત્યા સાથે બીજી પણ એક ઘટના તેમના પરિવારમાં ઘટી હતી. રવિવારે તેમના મોતના સમાચાર મળતા વારંગલના નચિનાપલ્લે ગામમાં તેમની માસી રાજમ્માનું હૃદય બંધ પડી જવાથી મોત થઈ ગયું હતું. 

બીજી તરફ શ્રીનિવાસના સંબંધીઓ અને ગામલોકોએ રવિવારે નારક્કાપેટામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દઈને એમ્બ્યૂલન્સને રોકી દીધી હતી. પણ પોલીસની વિનંતી બાદ તેમના મોટા દીકરાએ અંતિમવિધિ કરી હતી. રવિવારે નારક્કાપેટામાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસે વિપક્ષના નેતાઓ અને દલિત આગેવાનોને અંતિમવિધિમાં આવતા રોક્યા હતા.

શનિવારે રાતે જ્યારે ખ્યાલ આવ્યો કે શ્રીનિવાસે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને સર્કલ ઈન્સપેક્ટર જિતેન્દ્ર રેડ્ડી અને કોન્સ્ટેબલો દ્વારા તેમની સતામણી થતી હતી, એ પછી તરત ભારત રાષ્ટ્રીય સમિતિના નેતાએ આરોપી પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

શું થયું હતું?

30 જૂન 2024ના રોજ પીએસઆઈ શ્રીનિવાસ ડ્યૂટી દરમિયાન કારમાં બેસીને અશ્વરાવપેટ પોલીસ સ્ટેશનથી નીકળ્યા હતા. એ પછી થોડા જ કલાકોમાં તેમનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો. બાદમાં તેઓ મહેબૂબાબાદના ખેતી બજારમાં પહોંચ્યા હતા, જ્યાંથી જંતુનાશક દવા ખરીદીને પી લીધી હતી. એ પછી તેમણે જાતે જ એમ્બ્યૂલન્સને ફોન કરીને જણાવ્યું હતું કે તેમણે ઝેરી દવા પી લીધી છે. મહેબૂબાબાદ શહેર પોલીસે તેમને તરત સારવાર માટે વારંગલની એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. બાદમાં તેમને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં રવિવારે તેમનું મોત થઈ ગયું. 

સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે. જો કે મૂળ સવાલ એ છે કે, એક દલિત પીએસઆઈ સાથે જો આ હદની સતામણી થતી હોય તો વિચારવાનું એ રહે છે કે, સામાન્ય દલિતો પર શું શું વીતતી હશે.

આ પણ વાંચો: ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Shailesh
    Shailesh
    क्या इस जातिवाद से अपने देश को कभी मुक्ति मिलेगी? क्या ये सभी ईन्सानो के जैसे ही दिखनेवालों को कभी न्याय मिलेगा? क्या ये लोगों को कभी न्याय मिलेगा?
    3 months ago