માથાભારે સરપંચે મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને હાથ ભાંગી નાખ્યો

એક ગામમાં હિસ્ટ્રીશીટર સરપંચે તેના 4 સાગરિતો સાથે મળીને મધરાતે દલિત પરિવારના ઘરમાં ઘૂસી, મારમારી કરી મહિલાનો હાથ ભાંગી નાખ્યો હતો.

માથાભારે સરપંચે મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને હાથ ભાંગી નાખ્યો
image credit - khabarantar.com

જાતિવાદી તત્વો જ્યારે સરપંચ જેવા લોકશાહીના પ્રતિક જેવા હોદ્દા પર આવી જાય ત્યારે ફાટીને ધૂમાડે થઈ જતા હોય છે. ગામડાઓમાં કોઈ એક જ માથાભારે કોમની વસ્તી હોય ત્યારે તેઓ તમામ પ્રકારના હોદ્દાઓ પર પોતાના જ સમાજના લોકો બેસે તેવો હઠાગ્રહ સેવતા હોય છે, જેની પાછળનું સૌથી મોટું કારણ તો મનફાવે તેમ વર્તી શકાય અને કોઈપણ વ્યક્તિ કે સમાજ પર કબ્જો જમાવીને રાખી શકાય તેવો હોય છે.

હિસ્ટ્રીશીટર સરપંચની દાદાગીરી

કંઈક આવું જ એક ગામમાં બન્યું છે, જ્યાં હિસ્ટ્રીશીટર વ્યક્તિ સરપંચ બન્યાં બાદ મધરાતે એક અનુસૂચિત જાતિની મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને મા-દીકરીને ઢોર માર માર્યો હતો. માતા-બેટીનો વાંક ફક્ત એટલો જ હતો કે તેના પિતાએ માથાભારે સરપંચના ઘરે મજૂરીએ જવાનો ઈનકાર કરી દીધો હતો. જે માથાભારે સરપંચથી સહન થયું નહોતું અને તેણે અડધી રાત્રે મહિલાના ઘરમાં ઘૂસીને તેને અને તેની દીકરીને ઢોર માર માર્યો હતો. આ મારામારીમાં દલિત મા-દીકરી ઘાયલ થઈ ગયા હતા અને બંનેના શરીર પર ઈજા પહોંચી હતી. માર વાગવાથી મહિલાનો હાથ પણ ભાંગી ગયો હતો.

આ પણ વાંચો: જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે

મધરાતે ઘરમાં ઘૂસીને મારામારી કરી

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં ઉમરી બેગમગંજ પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ ગામના હિસ્ટ્રીશીટર સરપંચ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મધરાતે આરોપીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેને અને તેમની દીકરીને ઢોર માર માર્યો હતો. ઘટના કુલહરી ટિકુર તાલુકાના મુકુંદપુર ગામની છે. જ્યાં માથાભારે સરપંચ અશોક સિંહે પોતાના સાગરિતો સાથે મળીને અનુસૂચિત જાતિ સમાજની કુસુમા દેવીના ઘરમાં મધરાતે ઘૂસી જઈને મારામારી કરી હતી. જેના કારણે કુસુમા દેવીનો હાથ ભાંગી ગયો હતો અને શરીરના અન્ય ભાગો પર પણ ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...

માથાભારે તત્વોએ કુસુમા દેવીની દીકરીને પણ માર માર્યો હતો જેમાં તેને પણ ઈજાઓ પહોંચી છે. કુસુમા દેવીનો આરોપ છે કે, તેમના પતિ રામપતને આરોપી સરપંચે પોતાને ત્યાં મજૂરીએ આવવા માટે કહ્યું હતું, પણ રામપત નહોતા ગયા. જેના કારણે અહમ ઘવાતા અશોક સિંહે પોતાના સાગરિતો સાથે રામપતના ઘર પર હુમલો કરી દીધો હતો. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે પણ અશોક સિંહ અને રામપત વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ બધી બાબતોનું મનદુઃખ રાખીને સરપંચ અશોક સિંહે કુસુમાદેવીના ઘર પર હુમલો કરી દીધો હતો.

4 લોકોની ધરપકડ કરવામાં આવી

હાલ ગોંડા જિલ્લાની હોસ્પિટલમાં કુસુમા દેવીએ સારવાર લીધી છે અને ભાંગેલા હાથ પર પાટો બંધાવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સરપંચ અશોક સિંહને અમારી સાથે પહેલેથી વાંધો છે. તેઓ નાની અમથી બાબતમાં અમારી સાથે ઝઘડો કરવા તૈયાર રહે છે. અગાઉ પણ તેઓ અમારી સાથે ઝઘડો કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા તેમણે મારા પતિને પોતાને ત્યાં મજૂરીએ આવવા માટે કહ્યું હતું, પણ મારા પતિ ગયા નહોતા. જેનો ખાર રાખીને તેમણે તેમના 4 સાગરિતો સાથે અમારા ઘર પર મધરાતે હુમલો કર્યો હતો અને અમને માર માર્યો હતો. મારો હાથ ભાંગી ગયો છે અને બીજી પણ ઈજાઓ થઈ છે. મારી દીકરીને પણ તેમણે માર માર્યો. અમે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે અમારી મેડિકલ તપાસ કરીને તપાસ કરી હાથ ધરી છે. અમે ઈચ્છીએ છીએ કે આવા માથાભારે તત્વોને કાયદો કાયદાનું ભાન કરાવે.

આ પણ વાંચો: ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!

ઉમરીબેગમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ વર્માએ જણાવ્યું હતું કે, કુસુમા દેવીએ તેમની સાથે અશોકસિંહ અને તેના સાગરિતોએ મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, ચાર લોકોએ તેમના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. આ મામલે અમે 2 પુરૂષ અને 2 મહિલાઓની ધરપકડ કરી લીધી છે. સાથે જ પીડિત કુસુમા દેવીની સારવાર પણ કરાવી છે.

આ પણ વાંચો: ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો




Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.