માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું

સરકારી શાળામાં લુખ્ખા તત્વોએ માથાકૂટ કરી વાલીઓને ધમકી આપી કે તમારા બાળકોને અહીં ભણવા મોકલ્યા તો ખેર નથી. જેના કારણે 40 દલિત બાળકો શાળા છોડી ઘરે ભણવા મજબૂર છે.

માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું
image credit - Google images

ભારતમાં દરેક ક્ષેત્રમાં ગરીબ, મધ્યમ અને પૈસાદાર એમ ત્રણ વર્ગ છે અને એ દરેક વર્ગના લોકો માટે અલગ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે. શિક્ષણની વાત કરીએ તો, દલિત-આદિવાસી-ઓબીસી-લઘુમતી સમાજના ગરીબ બાળકો માટે સરકારી પ્રાથમિક શાળાઓ છે, મધ્યમ વર્ગના સવર્ણો માટે નેતાઓ અને તેમના મળતિયાઓએ ખોલેલી મોંઘી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ છે. જ્યારે પૈસાદારોના બાળકો કેન્દ્રીય વિદ્યાલયો કે ઈન્ટરનેશનલ સ્કૂલોમાં ભણે છે. આઝાદ ભારતની આ સચ્ચાઈ છે અને તેને કોઈ અવગણી શકે તેમ નથી. જો કે કેટલાક લોકો માંડ કરીને શિક્ષણ મેળવતા થયેલા દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતું શિક્ષણ પણ છીનવી લેવા માંગતા હોય છે. આવી જ એક ઘટનાની અહીં વાત કરવી છે.

ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાની ઘટના

મામલો જાતિવાદ અને ધર્માંધતાના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં એકબાજુ ભાજપના યોગી આદિત્યનાથની સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બાળકો ભણે તેવો સરકારી પ્રચાર કરી રહી છે. પણ અહીંના એક ગામમાં માથાભારે તત્વો દલિતોના બાળકો ભણવા ન જઈ શકે તે માટે તે માટે દાદાગીરી પર ઉતરી આવ્યા છે. આ તત્વોની ધાક એટલી છે કે આખા ગામના દલિતોએ તેમના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. તેમને ડર છે કે, જો તેઓ માથાભારે તત્વોની મરજી વિરુદ્ધ તેમના બાળકોને શાળાએ મોકલશે તો માથાભારે તત્વો તેમના બાળકોને નુકસાન પહોંચાડશે. ભય એટલો બધો છે કે, ગામના આ શાળામાં અભ્યાસ કરતા દલિત સમાજના તમામ 40 જેટલાં બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દઈને ઘરે જ ભણવાનું શરૂ કરી દીધું છે.

માથાભારે તત્વોએ વાલીઓને ધમકી આપી

ઘટના મૈનપુરી જિલ્લાના કરહલ તાલુકાના નગલા સીતારામ ગામની છે. અહીં એક બાજુ ભાજપની યોગી આદિત્યનાથ સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત છેવાડાના ગરીબમાં ગરીબ પરિવારના બાળકો ભણે તે માટે પ્રચાર કરી રહી છે, બીજી તરફ આ ગામમાં માથાભારે તત્વોના ભયને કારણે ગામના 40 જેટલાં દલિત બાળકોએ પ્રાથમિક શાળાએ જવાનું બંધ કરી દીધું છે અને છેલ્લાં ઘણાં દિવસોથી ઘરે જ ભણી રહ્યાં છે.

સ્કૂલમાં માથાકૂટ થઈ અને બાળકો-વાલીઓ ડરી ગયા

નગલા સીતારામ ગામના દલિત પરિવારોના મોટાભાગના બાળકો અહીંની હરદાસપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પણ છેલ્લાં કેટલાક દિવસોથી તેઓ શાળાએ જતા નથી. 10-12 દિવસ પહેલા આ શાળામાં બાળકોને લઈને માથાકૂટ થઈ હતી.

આ પણ વાંચો: માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી

જેના કારણે કેટલાક માથાભારે તત્વો શાળામાં ઘૂસી આવ્યા હતા અને મારામારી કરી હતી. લુખ્ખા તત્વોએ જો કોઈએ પોતાના બાળકોને આ શાળામાં ભણવા મોકલ્યા તો સારું નહીં થાય, એવી ધમકી આપી હતી. આ ધમકીથી વાલીઓ એટલા ડરી ગયા છે કે, કોઈ પોતાના બાળકને શાળાએ મોકલવા તૈયાર નથી.

બાળકોના મન પર ઘટનાની ગંભીર અસર પડી

આ ઘટનાની કુમળા મનના બાળકો પર એટલી ગંભીર અસર પડી છે કે, તેઓ પણ હવે શાળાએ જતા ડરવા લાગ્યા છે. તેમને બીક છે કે જો તેઓ એકલા શાળાએ જશે તો માથાભારે તત્વો તેમને મારશે. આ બીકને કારણે વાલીઓ પણ તેમને શાળાએ મોકલતા નથી. એ રીતે હવે નગલા સીતારામના મોટાભાગના દલિત બાળકોએ પ્રાથમિક શાળાએ જવાનું બંધ કરી દીધું છે. ગામના 40થી વધુ દલિત બાળકો હવે પોતાના ઘરે જ રહીને ભણવા મજબૂર છે.

શિક્ષણ વિભાગ હકીકત જાણતો હોવા છતાં મૌન

દલિત સમાજના આ બાળકોના વાલીઓનું કહેવું છે કે, તેમણે પોતાના બાળકોની સલામતી અને માથાભારે તત્વોના ભયને કારણે તેમના બાળકોને સ્કૂલે ન મોકલવાનું મન બનાવી લીધું છે. શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ બધું જાણે છે, તેમ છતાં તેઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે. અમને ન તો તેમના પર ભરોસો છે ન સરકારી સિસ્ટમ પર. વાલીઓ 10 દિવસ પહેલા શાળામાં થયેલી મારામારીની ઘટનાને લઈને શિક્ષકોએ જે બેદરકારી દાખવી તેને લઈને પણ ભારે નારાજ છે. તેમને લાગે છે કે, શિક્ષકોએ માથાભારે તત્વો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. પણ તેમને પણ શિક્ષણ વિભાગ કે પોલીસ પર ભરોસો નથી. એટલે તેઓ કોઈ પગલાં લેતા નથી.

વાલીઓએ મુખ્યમંત્રીની મદદ માંગી

શિક્ષણ વિભાગ અને પોલીસ પરના અવિશ્વાસને કારણે હવે વાલીઓ અને બાળકોએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મદદ કરવા વિનંતી કરી છે. વાલીઓએ અને તેમના બાળકોએ "યોગી મેરી સુનો ફરિયાદ, હમ બચ્ચોં કો ન્યાય દો" ના નારા લગાવીને મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો છે. વાલીઓએ માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવીને તેમના બાળકો મુક્તમને શાળાએ જઈ શકે તેવું વાતાવરણ પેદા કરવા વિનંતી કરી છે. જોવાનું એ રહેશે કે, છાશવારે બુલડોઝર ફેરવીને પોતાની તાકાત બતાવવું યોગી આદિત્યનાથનું સરકારી તંત્ર નગલા સીતારામના આ દલિત વિદ્યાર્થીઓની આ સમસ્યા ક્યારે સાંભળે છે.

આ પણ વાંચો: કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.