કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું

જાતિવાદની ચરમસીમા આને કહેવાય. એક ગામમાં કથિત સવર્ણ હિંદુઓએ દલિતો મંદિરના ઉત્સવમાં ભાગ ન લઈ શકે તે માટે ગ્રામદેવીનું મંદિર જ તોડી પાડ્યું.

કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું
image credit - Google images

પેરિયાર(Periyar)ની ભૂમિ તમિલનાડુ(Tamilnadu)માં જાતિવાદ(Castism)ની ચરમસીમા જેવી એક ઘટના સામે આવી છે. અહીંના એક ગામમાં ગ્રામદેવીના મંદિરમાં દર વર્ષે યોજાતા ઉત્સવમાં દલિતોને ભાગ લેતા રોકવા માટે સવર્ણ હિંદુઓએ જેસીબીથી મંદિર જ તોડી પાડ્યું હતું. એક કહેવાતો જ્યોતિષ તો દેવીની મૂર્તિ લઈને ભાગી ગયો હતો. આ મામલે ગામના દલિતોએ એટ્રોસિટી એક્ટ(Atrocity Act) હેઠળ ફરિયાદ કરતા હવે તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના તમિલનાડુના વેલ્લોર(Vellor) જિલ્લાના જેમનકુપ્પ્મ(jemman Kuppam) ગામની છે. અહીં કલિઅમ્મન મંદિર(kaliamman temple)ને થોડા દિવસ પહેલા કટ્ટર જાતિવાદી હિંદુઓએ રાતારોત જેસીબી મશીનથી તોડી પાડ્યું હતું. તેની પાછળનું કારણ એવું છે કે, ગામમાં વર્ષોથી ગામદેવીની પૂજા માટેનો એક ઉત્સવ ઉજવાય છે. જેમાં સૌ કોઈ ભાગ લેતા હતા. પણ છેલ્લાં કેટલાક વર્ષોથી દલિતો આ ઉત્સવમાં ભાગ લે તે ગામની કથિત સવર્ણ જાતિઓને ગમતું નહોતું. આ વખતે તેમણે નક્કી કર્યું હતું કે, ગમે તે ભોગે દલિતોને આ ઉત્સવમાં ભાગ લેવા દેવા નથી. જેની સામે દલિતોએ ભારે વિરોધ કર્યો હતો.

દલિત સમાજના લોકોને આ કાવતરાની જાણ થતા તેમણે સ્થાનિક પોલીસ અને રાજ્યના Hindu Religious & Charitable Endowments Department ને સમગ્ર મામલાની જાણ કરી યોગ્ય પગલાં લેવા કહ્યું હતું. જો કે કટ્ટર જાતિવાદી તત્વો કાયદાને પણ ઘોળીને પી ગયા હતા અને ઉત્સવ પહેલા પોલીસ પ્રોટેક્શન હોવા છતાં મંદિર તોડી પાડ્યું હતું, જેથી દલિતો ઉત્સવમાં ભાગ ન લઈ શકે. આ ઘટનાના એક અઠવાડિયા પછી મહેસૂલ વિભાગે આ મંદિરના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરી છે અને 22 ઓગસ્ટે દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ પછી મંદિરનું પુનઃનિર્માણ શરૂ કરાયું હતું. હવે આ મંદિરના નિર્માણની કામગીરી HR&CE તંત્રે પોતાના હાથમાં લઈ લીધી છે.

આ પણ વાંચો:  તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?

.મંદિર તોડી પાડવાની ઘટનાના એક વીક પછી કેવી કુપ્પમ(KV kuppam) પોલીસે એક વ્યક્તિ સામે એસસી એસટી એક્ટ(SC-ST Act) હેઠળ ફરિયાદ નોંધી છે. સૂત્રોના મતે જિલ્લા કલેક્ટરની કાયદો વ્યવસ્થાની જાળવણી માટેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ 14 ઓગસ્ટના રોજ આ એફઆઈઆર(FIR) નોંધાઈ હતી.

જેમનકુપ્પન ગામની વસ્તીમાં અંદાજે 50 ટકા હિસ્સો દલિત સમાજનો છે. દલિત સમાજનું કહેવું છે કે, ગામદેવી મૂળે તો તેમની દેવી છે અને દલિતો જ વર્ષોથી તેની પૂજા કરતા હતા. પણ સમય જતા ગામની કથિત સવર્ણ જાતિના લોકોએ પણ તેમની પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમણે દલિતોને જ તેમની દેવીના મંદિરમાંથી દૂર કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં મંદિરમાં દલિતો સાથે જાતિગત ભેદભાવ ખૂબ વધી ગયો હતો.

દેવીને શરૂઆતમાં ગામથી ત્રણ કિલોમીટર દૂર એક ખૂલ્લી જગ્યામાં બેસાડવામાં આવ્યા હતા. એ પછી તેમની ફરતે એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું. દલિતોનો દાવો છે કે, દેવીના મંદિર માટે તેમણે રૂપિયા અને ચીજવસ્તુઓનો ફાળો આપ્યો હતો, જેનો સવર્ણ હિંદુઓએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, દલિતોની દેવીને સવર્ણ હિંદુઓએ હડપી લીધા હતા અને દેવીના ઉત્સવમાંથી દલિતોને જ બાકાત કરી નાખ્યા હતા. આ ગામમાં સવર્ણ હિંદુઓમાં વન્નિયાર, ચેટ્ટિયાર અને નાયડુ છે. આ સિવાય યાદવ સમાજ પણ ખરો.

આ પણ વાંચો: The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!

આ મામલે ફરિયાદ નોંધાવનાર દલિત યુવાન નવીનકુમારનું કહેવું છે કે, દલિત સમાજને 2 ઓગસ્ટના રોજ થનારા ઉત્સવથી દૂર રહેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. એટ્રોસિટી એક્ટની ફરિયાદમાં જેનું મુખ્ય આરોપી તરીકે નામ છે તે જ્યોતિષ ડી. લોગનાથને(D lognathan) ગામલોકો વચ્ચે એવું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, દેવી કાલીઅમ્મન તેના સપનામાં આવ્યા હતા અને તેમણે આદેશ આપ્યો હતો કે દલિતોના આ ઉત્સવથી દૂર રાખવામાં આવે. આશ્ચર્યજનક રીતે અન્ય સવર્ણ હિંદુઓએ તેના આ જુઠ્ઠાણાનું સમર્થન કર્યું હતું. એનો એ થયો કે દલિતોને ઉત્સવમાંથી બહાર કરી દેવાનું પહેલેથી નક્કી હતું અને હિંદુઓની અન્ય કથિત સવર્ણ કોમના લોકોનો પણ તેમાં હાથ હતો.

પોલીસ પ્રોટેક્શન છતાં મંદિર તૂટ્યું

સવર્ણ હિંદુઓની આ ચાલને દલિતો સમજી ગયા હોવાથી તેમણે પોલીસને જાણ કરી દીધી હતી. જો કે પોલીસ સુરક્ષા હોવા છતાં 6 ઓગસ્ટના રોજ ગામના અમુક સવર્ણ હિંદુઓએ મળીને જેસીબી મશીનથી મંદિર તોડી પાડ્યું હતું અને જ્યોતિષ ડી. લોગનાથ દેવીની મૂર્તિ લઈને ફરાર થઈ ગયો હતો. આમ દલિતો મંદિરમાં પ્રવેશી ન જાય તે માટે દેવીનું મંદિર જ તોડી પાડ્યું હતું.
દલિતોનો આરોપ છે કે, દેવીનું મંદિર તત્કાલિન રેન્જ આઈજી રવિચંદ્રનના અંદરખાને મળેલા ટેકાથી તૂટ્યું છે. જો કે રવિચંદ્રનને આ મામલે પૂછવામાં આવતા તેણે આરોપો નકારી કાઢતા જણાવ્યું હતું કે હવે આખો મામલો મહેસૂલ વિભાગ પાસે છે.

37 વર્ષના દલિત યુવક ભરત તમિલનું કહેવું છે કે, સામાન્ય રીતે ગામની બહાર કાલીઅમ્મન મંદિરમાં પોંગલ રાંધતા પહેલા સ્થાનિક મરિયમ્મન મંદિરમાં ઉત્સવ શરૂ થાય છે. પણ ગામલોકોએ ઉત્સવમાં ભાગ લેવાથી દલિતોને દૂર કરવાનું નક્કી કર્યું. દલિતો સાથે ભેદભાવ વધવા લાગ્યા અને અમારા જ દેવીના મંદિરમાં અમે પ્રવેશી ન શકીએ તેવું કાવતરું ઘડાયું હતું. અમે દર વર્ષે ઉત્સવ પહેલા એક મોટું સરઘસ કાઢતા હતા, પણ ગયા વર્ષે સવર્ણ હિંદુઓએ તેમના વિસ્તારમાંથી તેને કાઢવાનો વિરોધ કર્યો હતો.

દલિતોને ઉત્સવમાં સામેલ ન થવા દેવા મુદ્દે દલિત સમાજના લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ થયા બાદ સવર્ણ હિંદુઓ દ્વારા જાતિવાદી નિવેદનો આપવામાં આવ્યા હતા. 2 ઓગસ્ટના રોજ જાતિવાદી હિંદુઓના પ્રતિબંધોને ફગાવી દઈને દલિતોએ કાલીઅમ્મન મંદિરમાં ઉત્સવ ઉજવ્યો હતો, જેનો સવર્ણોએ બહિષ્કાર કરી દીધો હતો.

સવર્ણોનો દાવો છે કે, જ્યોતિષ લોગનાથને એકલાએ જ મંદિર બનાવડાવ્યું હતું અને દલિતો ત્યાં પૂજા કરવા આવે તેની સામે તેણે કોઈ વાંધો નહોતો લીધો. પરંતુ તેણે દલિતો અને અન્ય સવર્ણ કોમો સાથે મળીને ઉત્સવ ઉજવે તેનો વિરોધ કર્યો હતો. એ પછી આ મામલો ઉગ્ર બન્યો હતો અને સવર્ણ હિંદુઓએ કાવતરાના ભાગરૂપે કાલીઅમ્મન મંદિર પર જેસીબી ફેરવી દીધું હતું જેથી દલિતો ઉત્સવમાં ભાગ ન લઈ શકે.

આ પણ વાંચો: આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.