મટકીફોડના કાર્યક્રમમાં ઈજાની ટકાવારીમાં 21 ટકાનો વધારો નોંધાયો

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં યોજાતા દહીંહાંડીના કાર્યક્રમોમાં ગોવિંદા બનતા અનેક યુવાનો દર વર્ષે ઈજાગ્રસ્ત થાય છે. આ વર્ષે તેમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.

મટકીફોડના કાર્યક્રમમાં ઈજાની ટકાવારીમાં 21 ટકાનો વધારો નોંધાયો
image credit - Google images

મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આવા અનેક આયોજનો કરાયા હતા. આ તહેવાર દરમિયાન દહીંહાંડી ફોડવામાં ઘણા લોકો ઘાયલ થાય છે અને તેમાં યુવાનોની સંખ્યા વધારે હોય છે. આ વર્ષે પણ અનેક યુવાનો મટકીફોડના કાર્યક્રમમાં ગોવિંદા બનીને પટકાતા ખરાબ રીતે ઈજાગ્રસ્ત બન્યાં છે. એક આંકડા પ્રમાણે વર્ષ 2023ની સરખામણીમાં આ વખતે 21 ટકા વધુ ગોવિંદાઓને ઈજાઓ થઈ છે. અત્યાર સુધીમાં 17 ગોવિંદાઓને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમની સર્જરી થઈ રહી છે.

મંગળવારે મુંબઈમાં આ તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દહીં ભરેલી મટકી તોડવા માટે ગોવિંદાનાં ટોળાં શહેરભરમાં નીકળી પડ્યાં હતાં. આ દરમિયાન ઘણાં ગોવિંદા ઊંચાઈ પરથી પડી ગયા હતા, જેના કારણે કેટલાકને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી. કેટલાકને સ્નાયુમાં ઈજા થઈ છે, જ્યારે ઘણાંના હાડકાં તૂટી ગયા છે.

20 થી વધુ ગોવિંદાઓને સારવાર માટે KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીએમસીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 196 ગોવિંદા ઘાયલ થયા હતા, પરંતુ આ વર્ષે 238 ગોવિંદા ઘાયલ થયા છે. 31 ગોવિંદાઓને મુંબઈ અને પરાં વિસ્તારોની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ઘણાને ઓપીડીના આધારે સારવાર આપવામાં આવી હતી અને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

3 ગોવિંદાને કરોડરજ્જુની ઈજા સાથે KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાં ગોવિંદાઓ હિપ ફ્રેક્ચરથી પીડાય છે અને કેટલાકના પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. 10 ઘાયલ ગોવિંદાઓને KEM હોસ્પિટલમાં, 4ને સાયન હોસ્પિટલમાં, 1ને નાયર હોસ્પિટલમાં અને 5ને ઉપનગરની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?

તમામની તબિયત સ્થિર છે તે રાહતની વાત છે. કેટલાક ગોવિંદાઓને સર્જરીની જરૂર પડશે, પરંતુ જીવનું જોખમ ઓછું છે. તમામ ઘાયલ ગોવિંદાઓને મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના અને ગરીબ બોક્સ ચેરિટી ફંડ દ્વારા મફતમાં સારવાર આપવામાં આવે છે.

દહીંહાંડીના કાર્યક્રમ જોવા માટે મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ હતી. મુંબઈમાં વરલી, દાદર, થાણેમાં ખોપટ અને ટેમ્પી નાકા જેવા પરંપરાગત સ્થળોએ મોટી ભીડ જોવા મળે છે અને લટકતી હાંડી તોડનારી વિજેતા ગોવિંદા ટીમ માટે મોટાં ઈનામો જાહેર કરવામાં આવે છે.

આ કાર્યક્રમોમાં આ વર્ષે 11 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ઝોનના તમામ નાયબ પોલીસ કમિશનર અને અન્ય વિસ્તારોના વધારાના પોલીસ કમિશનર ઉપરાંત પોલીસ સ્ટેશનોના કોન્સ્ટેબલ અને ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખવા અને તેનો અમલ કરવા મેદાનમાં ઉતર્યા હતા.

દહીહાંડીનો રાજકીય ઉપયોગ

છેલ્લાં કેટલાક વર્ષોમાં હિંદુત્વની રાજનીતિ કરતા પક્ષોએ જે રીતે સામાન્ય માણસના જીવનમાં નિર્દોષ આનંદ લઈને આવતા તહેવારોનો જે રીતે રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી એકેય તહેવાર રાજકારણથી દૂર નથી રહી શક્યો. જન્માષ્ટમી પર દહીંની મટકી ફોડવાના કાર્યક્રમો અગાઉ લોકલ સ્તરે થતા હતા. જેમાં હવે ચોક્કસ પક્ષના નેતાઓ ઘૂસી ગયા છે અને તેઓ આવા કાર્યક્રમોના આયોજન થકી પોતાની વોટબેંક મજબૂત કરવા મથતા રહે છે. આવા કાર્યક્રમોના આયોજનમાં અનેક યુવાનો દર વર્ષે ઘાયલ થાય છે, છતાં તેને મંજૂરીઓ આપવામાં આવે છે અને ખુદ પોલીસ તેને સુરક્ષા પુરી પાડે છે. સવાલ એ છે કે શું સામાન્ય માણસ આવું કંઈક કરવા જાય તો તેને પરવાનગી મળે ખરી?

આ પણ વાંચો: પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા ૯ ઘાયલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.