દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું

મંડપ સર્વિસનું કામ કરતા દલિત યુવકના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્ની પ્રેગનેન્ટ છે અને આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે. ન્યાય માટે આખું શહેર ઉમટી પડ્યું.

દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું
image credit - Google images

Balotara Dalit youth Vishnaram Meghwal murder case : મામલો સાવ સામાન્ય ભલે હોય પરંતુ જ્યારે તેમાં સવર્ણ જાતિના લોકોને ખ્યાલ હોય છે કે સામેની વ્યક્તિ દલિત-આદિવાસી કે ઓબીસી સમાજની છે. ત્યારે તેમનામાં અચાનક કોઈ જુદા પ્રકારની હિંમત આવી જતી હોય છે, કાયદાની બીક ખતમ થઈ જાય છે અને પોતાની જાતિના વર્ચસ્વનો કેફ મગજ પર ચડી જાય છે. એ પછી તેઓ સામેની વ્યક્તિ પર ગમે તે હદે હુમલો કરી શકે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. દલિત યુવકની સાવ સામાન્ય બાબતમાં હિસ્ટ્રીશિટર આરોપીએ છરી મારીને હત્યા કરી નાખી છે.

મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં નજીવી તકરારમાં દલિત યુવક વિશનારામ મેઘવાલની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ. બનાવને પગલે દલિત સમાજમાં રોષ ફેલાયો છે. લોકો મૌન રેલી કાઢી દેખાવો કરવા રસ્તા પર ઉતરી રહ્યા છે અને આરોપીની ધરપકડ અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. આરોપી હર્ષદાન ચારણ હિસ્ટ્રીશીટર છે, જેની ધરપકડ માટે પોલીસે ટીમો બનાવી છે. સમગ્ર વિસ્તારમાં તણાવ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.

https://x.com/nirmal_pareek93/status/1867158123657764911

રાજસ્થાનના બાલોતરામાં નહેરુ કોલોનીમાં 10 ડિસેમ્બરના રોજ નજીવી તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંડપ સર્વિસ અને લાઈટિંગનું કામ કરતો વિશનારામ મેઘવાળ લગ્ન સમારોહ બાદ પોતાનો સામાન લેવા આવ્યો હતો. તેનું વાહન ઘરની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને હટાવવા બાબતે આરોપી હર્ષદાન ચારણ સાથે બોલાચાલી થઈ હતી. આ વિવાદે અચાનક હિંસક વળાંક લીધો હતો અને હર્ષદાને છરી વડે વિશનારામ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત વિશનારામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

હત્યા બાદ દલિત સમાજમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનો થયા
આ બનાવથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. દલિત સમાજ અને અન્ય સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. મૃતકના સંબંધીઓ અને સમર્થકોએ આરોપીની તાત્કાલિક ધરપકડ અને ન્યાયની માંગ સાથે બાલોતરાના માર્ગો પર મૌન રેલી કાઢી હતી. જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય મદન પ્રજાપત, મંત્રી ભગવત સિંહ અને તારારામ મેહલા જેવી અગ્રણી હસ્તીઓ જોડાઈ હતી.

ધરણા સ્થળ પર ભારે ભીડ જામી, પોલીસ દળ તૈનાત
ધરણાના સ્થળે મૃતકના સંબંધીઓએ યુવકને મૃતદેહ ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. વહીવટીતંત્ર દ્વારા વારંવાર સલાહ આપવામાં આવી હતી, પરંતુ વિરોધ કરનારા લોકો તેમની માંગ પર અડગ રહ્યા હતા અને પોલીસ પ્રશાસન પ્રત્યે ઊંડો રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતા બાલોતરા ડીએસપી સુશીલ માન અને સિવાના ડીએસપી નીરજ શર્માના નેતૃત્વમાં ભારે પોલીસ ફોર્સ અને આરએસી જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

આરોપી હર્ષદાન ચારણ બાલોતરા હિસ્ટ્રીશીટર
આ કેસનો આરોપી હર્ષદાન ચારણ બાલોતરા પોલીસ સ્ટેશનનો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે. તેની સામે હત્યાના પ્રયાસ, લૂંટ અને હુમલાના અનેક કેસ નોંધાયેલા છે. ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ કરી હતી અને એસપી કુંદન કંવરિયાએ 10 વિશેષ ટીમો બનાવી આરોપીની શોધ શરૂ કરી હતી. પોલીસે આરોપીનો ફોટોગ્રાફ જાહેર કર્યો છે અને સામાન્ય લોકોને જો કોઈ સુરાગ મળે તો તાત્કાલિક માહિતી આપવા અપીલ કરી છે.

સમગ્ર શહેરમાં તણાવપૂર્ણ માહોલ
મૃતક યુવક વિશનારામ મેઘવાળની હત્યાથી સમગ્ર બાલોતરા શહેરમાં શોક અને આક્રોશ વ્યાપી ગયો છે. વિશનારામના લગ્ન થોડા મહિના પહેલા જ થયા હતા, જેના કારણે પરિવાર વધુ આઘાતમાં છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો શબઘરની બહાર એકઠા થયા હતા. દેખાવકારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.

વહીવટીતંત્ર માટે પડકારજનક પરિસ્થિતિ
આ મામલો પોલીસ અને પ્રશાસન માટે પડકાર બની ગયો છે. બાલોતરામાં શાંતિ-વ્યવસ્થા જાળવવાની સાથે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી એ વહીવટી તંત્રની પ્રાથમિકતા બની છે. આ ઘટનાએ દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકો તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

અશોક ગેહલોતે ગંભીર આક્ષેપો કર્યા
આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે  X પર લખ્યું, "બાલોતરામાં દલિત યુવકની હત્યા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નબળી પડવાનું ઉદાહરણ છે. ધોળા દિવસે થયેલી હત્યાના કેસમાં પણ પીડિત પક્ષે આરોપીની ધરપકડ માટે આંદોલન કરવું પડે છે તે અત્યંત નિંદનીય છે. છેલ્લા એક વર્ષમાં દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો સામેના ગુનાઓમાં સતત વધારો થયો છે. રાજ્ય સરકારે આ બાબતે તાકીદે પગલાં લેવા જોઈએ અને પીડિત પરિવારને ન્યાય અપાવવો જોઈએ."

'ભજનલાલ સરકાર ઈવેન્ટ બાજીમાં વ્યસ્ત છે'
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ ટ્વિટર પર લખ્યું, "બાલોતરામાં વિશનારામ મેઘવાલની ઘાતકી હત્યા અત્યંત દુઃખદ અને અત્યંત નિંદનીય છે. મેઘવાલ પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્યમાં નબળી કાયદો અને વ્યવસ્થાના કારણે ગુનેગારોનું મનોબળ વધ્યું છે. ભાજપ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે ઈવેન્ટ બાજીમાં વ્યસ્ત છે. દલિતો પર સતત થઈ રહેલા અત્યાચારો અને હજુ સુધી આ ઘટનામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી તે ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. સરકાર દ્વારા આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારના સભ્યોને યોગ્ય આર્થિક સહાય સાથે નોકરી આપવામાં આવે."

પરિવારને યોગ્ય વળતર સાથે ન્યાય અને નોકરી આપો

રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલીએ ટ્વિટર પર લખ્યું, "હું બાલોત્રામાં વિશનારામ મેઘવાલની ઘાતકી હત્યાની નિંદા કરું છું. મેઘવાલ પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ સ્થિતિ તરફ નિર્દેશ કરે છે, જે ગુનેગારોને પ્રોત્સાહન આપી રહી છે. ભાજપ સરકારે માત્ર ઈવેન્ટબાજીમાં વ્યસ્ત રહેવાને બદલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. દલિતો પર સતત થઈ રહેલા અત્યાચાર અને આ મામલે અત્યાર સુધી નક્કર કાર્યવાહીનો અભાવ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. હું સરકાર પાસે માંગ કરું છું કે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારના સભ્યને યોગ્ય આર્થિક સહાય સાથે નોકરી આપવામાં આવે."

આ પણ વાંચોઃ રાજસ્થાનના દલિત નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.