બંદૂક બતાવી IAS અધિકારીએ 6 મહિના સુધી દલિત કર્મચારીનું જાતીય શોષણ કર્યું
વિકૃત માનસિકતાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે કોન્ટ્રાક્ટર પર કામ કરતા દલિત યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવી છ મહિના સુધી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધુનું કૃત્ય કર્યું હતું.

હરિયાણાના IAS અધિકારી કુલભૂષણ બંસલની કોન્ટ્રાક્ટર પરના એક દલિત કર્મચારીનું જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બંસલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
હિસારના અધિક પોલીસ અધિક્ષક રાજેશ કુમાર મોહને જણાવ્યું છે કે હરિયાણાના જાહેર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એક દલિત કર્મચારીએ IAS કુલભૂષણ બંસલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે બંસલ પર 6 મહિના સુધી જાતિવાદી નિવેદનો કરીને અપમાન કરવાનો અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
આ ફરિયાદના આધારે કુલભૂષણ બંસલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377 (અકુદરતી ગુનો) અને 506 (ગુનાહિત ધમકી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST act)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના છ મહિના પહેલા બની હતી.
આરોપી કુલભૂષણ બંસલ હાંસીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એસડીએમ તરીકે કામ કરતો હતો. તેને આ ફરિયાદ બાદ ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ફરિયાદી દલિત કર્મચારીએ દાવો કર્યો હતો કે SDMએ તેમને કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે નિયુક્ત કર્યા હોવાથી તે તેમના આદેશ પર તેમના ઘરે જતો-આવતો હતો.
દલિત યુવકે કહ્યું, “તે મને તેના સત્તાવાર નિવાસસ્થાને મસાજ માટે બોલાવતો હતો અને ત્યાં તે મારી સાથે ખોટું કામ કરવાનો પ્રયાસ કરતો હતો. મેં ના પાડી તો તેણે બંદૂકના નાળચે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. તેણે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. નોકરી જવાની બીકે હું આ બધું સહન કરતો રહ્યો. આ ઘટનાક્રમ છ મહિના સુધી ચાલ્યો.
બંસલની વિકૃત્તિથી પરેશાન દલિત યુવકે તેના આ કૃત્યનો વીડિયો બનાવી લીધો હતો. એ પછી તેણે નક્કી કર્યું કે ભલે તેણે પોતાનો જીવ આપવો પડે, પરંતુ તે બંસલના કહેવા પર તેના ઘરે નહીં જાય. આ કેસનો વીડિયો વાયરલ થયા બાદ પીડિત દલિત યુવકે આરોપી અધિકારી બંસલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાલ બંસલ જેલમાં છે.
આ પણ વાંચો: દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો