ડૉ.આંબેડકરના અપમાન મુદ્દે BSP રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, અમિત શાહના નિવેદને કરોડો બહુજનોની લાગણીને ઠેસ પહોંચાડી મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કર્યું છે.
અમિત શાહે રાજ્યસભામાં ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા અપમાનજનક નિવેદનના પડઘા હવે દેશભરમાં પડી રહ્યાં છે ત્યારે બીએસપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આ મામલે રાષ્ટ્રવ્યાપી આંદોલનોની જાહેરાત કરી છે. 24મી ડિસેમ્બરે બીએસપી દેશવ્યાપી વિરોધનું આયોજન કરવા જઈ રહી છે. આ જ દિવસે કોંગ્રેસે પણ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.
બહુજન સમાજ પાર્ટી (BSP) ના વડા માયાવતીએ શનિવારે જણાવ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી સામે પક્ષના કાર્યકરો 24 ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ કરશે.
માયાવતીએ ટ્વિટર પર લખ્યું છે કે "શાહના નિવેગને બહુજન સમાજના લોકોના દિલને ઠેસ પહોંચી છે. દેશના દલિતો, વંચિતો અને અન્ય ઉપેક્ષિત લોકોના સ્વાભિમાન અને માનવ અધિકારો માટે અતિમાનવીય અને કલ્યાણકારી બંધારણ તરીકેના મૂળભૂત પુસ્તકના રચયિતા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર ભગવાનની જેમ પૂજનીય છે. અમિત શાહ દ્વારા તેમના અપમાનથી લોકોના દિલને ભારે ઠેસ પહોંચી છે."
આ પણ વાંચોઃ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી
માયાવતીએ વધુમાં કહ્યું- "આવા મહાપુરુષ વિશે સંસદમાં અમિત શાહ દ્વારા કહેવામાં આવેલા શબ્દોથી દેશમાં સમાજના બધાં વર્ગના લોકોમાં ભારે આક્રોશ છે. આંબેડકરવાદી બસપાએ અમિત શાહને તેમનું નિવેદન પાછું ખેંચવાની અને માફી માંગવાની માંગ કરી છે, જેના પર હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી."
માયાવતીએ કહ્યું- આવી સ્થિતિમાં જો માંગ પૂરી નહીં થાય તો બસપાએ સમગ્ર દેશમાં અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. હવે પાર્ટીએ આ માંગના સમર્થનમાં 24 ડિસેમ્બરે દેશવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે. દેશના તમામ જિલ્લા મથકો પર સંપૂર્ણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે."
BSP વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી બાબા સાહેબ આંબેડકરને સમર્પિત છે, જેમણે દલિતો/બહુજનોને પોતાના પગ પર ઊભા રહેવા અને સ્વાભિમાન સાથે જીવવા માટે આજીવન સંઘર્ષ કર્યો હતો અને બહુજન સમાજને અનામત સહિત ઘણાં કાયદાકીય અધિકારો મળ્યાં.
બીજી તરફ કોંગ્રેસે પણ આ જ દિવસે દેશવ્યાપી ધરણાં પ્રદર્શન અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીઓ આવી રહી હોવાથી અને રાજ્યની 12 જેટલી વિધાનસભા સીટો પર સીધી અસર પાડતા દલિતોને રિઝવવા માટે ડો.આંબેડકર સન્માન સ્કોલરશીપ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું