સ્કોલરશીપ ફરી શરૂ કરો, નહીંતર આદિજાતિ કમિશનર કચેરીને તાળાં મારીશું...
આદિવાસી વિદ્યાર્થીઓની પીજી સ્કોલરશીપ ફરી શરૂ કરવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ખૂલ્લી ચેતવણી આપી છે.

રાજ્યની ભાજપ સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપ રદ કરીને પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે તેવો આરોપ આમ આદમી પાર્ટી-'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર રદ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ ફરી શરૂ કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા સરકારી કાર્યક્રમો યોજાશે તેનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ચૈતર વસાવાએ આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીને તાળાબંધી પણ કરવાની ચીમકી આપી છે.
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ રદ્દ કરાઇ છે તે મામલે આમ આદમી પાર્ટી -'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી. જેના થકી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ સહીત ડિગ્રી એન્જિનિયરિંગના અનેક ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી અને આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે ગત તા. 28-10-2024 ના રોજ એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપને બંધ કરી દીધી છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ અપાયા છે, તે ફ્રી શીપ કાર્ડ હવે માન્ય નથી. આ સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી, જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. હવે આ કોલેજો આવા આદિજાતિના વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે કે, કાં તો તમે રોકડા ભરીને ફી જમા કરાવો કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવી લો. જેના કારણે રાજ્યના 50 થી 60 હજાર જેટલા આદિજાતિના વિદ્યાર્થીઓ પર આની ખરાબ અસર પડી રહી છે.
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દા પર અમે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરીને બીરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો અને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી નથી. તેથી હવે આવનાર સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દા પર રજૂઆતો કરવા જઈશું. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે જો આ પરિપત્રને રદ કરવામાં નહીં આવે અને સ્કોલરશીપને ફરીથી શરૂ નહીં કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જે પણ સરકારી કાર્યક્રમો હશે તેનો અમે આ વિદ્યાર્થીઓ સાથે રહીને બહિષ્કાર કરીશું. એટલું જ નહીં, આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીની પણ તાળાબંધી કરીશું.
આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ