પ્રખ્યાત આદિવાસી લેખિકા Jacinta Kerkettaએ India Today ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો, કારણ જાણીને સલામ કરવાનું મન થશે
ઝારખંડની પ્રખ્યાત આદિવાસી લેખિકા, કવિયત્રી, પત્રકાર જેસિંટા કેરકેટ્ટાએ ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેની પાછળ તેણે જે કારણો આપ્યા છે તે ચોક્કસ વિચાર માંગી લે તેવા છે.

મણિપુર(Manipur)માં આદિવાસીઓ(Tribel) પર થઈ રહેલા અત્યાચારો પર મુખ્યધારાના મીડિયાના મૌનથી વ્યથિત જાણીતી આદિવાસી લેખિકા Jacinta Kerkettaએ પોતાના કામને લઈને ઈન્ડિયા ટુડે ગ્રુપ(India Today) દ્વારા આપવામાં આવતો પુરસ્કાર (Award)સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
કેરકેટ્ટા ઝારખંડની પ્રખ્યાત લેખિકા, કવિ અને પત્રકાર છે. તે ઓરાંવ આદિવાસી સમાજમાંથી આવે છે. તેમના કામે આદિવાસી સમાજની દુર્દશાને ઉજાગર કરી છે. તેમણે કહ્યું કે 2022માં પ્રકાશિત તેમના પુસ્તક ‘ઈશ્વર અને બજાર’ માટે આજ તક સાહિત્ય જાગૃતિ ઉદયમાન પ્રતિભા સન્માન માટે પસંદગી પામ્યા હોવા અંગે તેમને 21મી નવેમ્બરે એક ફોન અને મેસેજ આવ્યો હતો. આ પુરસ્કાર રૂ. 50 હજારની ઈનામી રકમ સાથે આવ્યો હતો. જો કે જસિંતા કેરકેટ્ટીએ તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
કેરકેટ્ટાએ ન્યૂઝલોન્ડ્રી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ પુરસ્કાર એવા સમયે આપવામાં આવી રહ્યો છે જ્યારે મણિપુરના આદિવાસીઓના જીવન પ્રત્યે સન્માન ખતમ થઈ રહ્યું છે. મધ્ય ભારતમાં આદિવાસીઓના જીવન પ્રત્યે સન્માન ખતમ થતું જઈ રહ્યું છે અને વૈશ્વિક સમાજમાં અન્ય સમાજના લોકો પર પણ સતત હુમલાઓ થઈ રહ્યાં છે. મારું મન વ્યથિત રહે છે અને મને આ પુરસ્કાર મળવાથી કોઈ રોમાંચ કે ખુશી અનુભવાતી નથી.”
કેરકેટ્ટાએ વધુમાં કહ્યું કે, “આખો દેશ જાણે છે કે અમુક પ્રતિષ્ઠિત મુખ્યધારાના મીડિયા હાઉસો અને સમાચાર ચેનલો મણિપુરની ઘટનાઓ પર મૌન ધારણ કરીને બેઠાં છે. મુખ્યધારાના મીડિયાએ ક્યારેય પણ આદિવાસીઓની દુર્દશાને સન્માનજનક રીતે સામે લાવવાના પ્રયત્નો નથી કર્યા. આ માત્ર એક મીડિયા હાઉસ માટે નથી, પરંતુ હું જે પણ નિર્ણય લઈશ તે ચોક્કસ જ એ બાબતથી પ્રભાવિત હશે કે દેશનું કથિત મુખ્યધારાનું મીડિયા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પ્રત્યે પોતાની ભૂમિકા કેવી નિભાવે છે”
આગળ તેઓ કહે છે, “જ્યારે આપણે પુસ્તક લખીએ છીએ, ત્યારે તે સમાજ માટે મહત્વનું બની જાય છે પરંતુ લોકો માટે નહીં. આ ચીજોને જોવાની અમારી રીત નથી. અમે અમારા કામનો ઉત્સવ સામૂહિક રીતે મનાવવા માંગીએ છીએ. એક લેખક કે કવિએ માત્ર પોતાના સન્માન માટે શું કરવું જોઈએ? એ જ બાબતોના કારણે મેં આ સન્માન લેવાનો ઈનકાર કર્યો.”
ઉલ્લેખનીય છે કે જસિંતા કેરકેટ્ટાનું પુસ્તક ઈશ્વર અને બજાર આદિવાસી સમાજના ધર્મ, સત્તા અને જમીની સંઘર્ષ પર આધારિત છે. અને તે ખૂબ જ જાણીતું છે તેથી ઈન્ડિયા ટુડે ગ્રુપે તેમને આ સન્માન આપવાનું નક્કી કર્યું હતું.
આગળ વાંચોઃ "આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.