"આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ

મે 2023માં ઉત્તરપૂર્વી રાજ્ય મણિપુરમાં ફાટી નીકળેલી કોમી હિંસામાં આદિવાસી સમાજની બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયો હતો. 6 મહિના પછી તેમની સ્થિતિ શું છે, વાંચો આ અહેવાલમાં

"આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ
Photo By Google Images

Manipur Women Naked Parade: મે 2023ની વાત છે. પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાંથી હિંસાના અહેવાલો આવવા લાગ્યા હતા. અખબારોમાં ઘર સળગાવવા અને હત્યા જેવી હેડલાઈન્સ સામાન્ય બની ગઈ હતી. કાયદાકીય કાર્યવાહી અને રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો તબક્કો ચાલી રહ્યો હતો એ દરમ્યાન એક દિવસ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો. આ વીડિયો મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડનો હતો, એટલું જ નહીં, તેમના પર સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાતું હતું.

આ વીડિયો વાયરલ થયાને મહિનાઓ વીતી ગયા છે. આ સમય દરમિયાન, કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નિર્દયતાનો ભોગ બનેલી મહિલાઓ, મર્સી અને ગ્લોરી (નામ બદલ્યા છે)ની સ્થિતિ સુધારવા માટે આ પગલાં પૂરતા ન હતા.

એક મીડિયા ચેનલ સાથે વાત કરતી વખતે મર્સી કહે છે, 'તમે જાણો છો કે ભારતીય સમાજ કેવો છે. આવા બનાવ પછી તે મહિલાઓને કેવી રીતે જુએ છે? હવે હું મારા સમાજના લોકો સાથે આંખ મિલાવી શકતી નથી. માન જતું રહ્યું. હવે હું ફરી ક્યારેય પહેલાં જેવી નહિ થઈ શકું.'

ગ્લોરી કહે છે, 'અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો, તે આઘાત સાથે જીવવું પહેલેથી જ મુશ્કેલ હતું. ઘટનાના બે મહિના પછી જ્યારે વિડિયો વાયરલ થયો, ત્યારે હું જીવિત રહેવાની ઇચ્છા ગુમાવવા લાગી.'

હવે પરિસ્થિતિ કેવી છે?

કુકી-ઝોમી સમુદાયની ગ્લોરી અને મર્સી હવે બીજા શહેરમાં રહે છે. ઘટના બાદ તેમણે ગામ છોડીને ભાગવું પડ્યું હતું. રિપોર્ટ અનુસાર, મર્સી કહે છે, 'મને રાત્રે ભાગ્યે જ ઊંઘ આવે છે અને મને ખૂબ જ બિહામણા સપના આવે છે. હું ઘરની બહાર નીકળી શકતી નથી. હું લોકોને મળવામાં ડર અને શરમ અનુભવું છું.'

Meitei સમાજ તરફ નારાજગી

ગ્લોરી, જે કોલેજની વિદ્યાર્થિની હતી, તેના સહપાઠીઓમાં કુકી અને મેઇતેઈ બંને સમુદાયના લોકો હતા. રિપોર્ટ અનુસાર, હવે તે મેઇતેઈ સમુદાયના કોઈનો ચહેરો પણ જોવા નથી માંગતી. તેણે કહ્યું, 'હું ક્યારેય ગામમાં પાછી નહીં જાઉં. હું ત્યાં મોટી થઈ છું, તે મારું ઘર હતું, પરંતુ ત્યાં રહેવાનો અર્થ છે પડોશી ગામડાના મેઇતેઇ લોકો સાથે વાતચીત કરવી, જે હવે શક્ય નથી.' મર્સી પણ એવું જ માને છે.

ભાઈ, પિતાને નજર સામે મરતા જોયા

હિંસા દરમિયાન ગ્લોરીના ભાઈ અને પિતાનું મોત થયું હતું. એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં તેણે કહ્યું, 'મેં મારી આંખો સામે તેમનું મૃત્યુ જોયું છે.' તે કહે છે કે પોતાનો જીવ બચાવવા માટે તેણે મૃતદેહોને ખેતરમાં છોડીને ભાગવું પડ્યું હતું. તેણે કહ્યું, 'ખબર નથી કે તેમના મૃતદેહ કયા શબઘરમાં છે. હું તેને તપાસી પણ શકતી નથી. સરકારે પોતે જ તે અમને પરત કરવા જોઈએ.'

સરકાર પ્રત્યે ભારે નારાજગી

વાતચીતમાં તેમણે મણિપુર સરકાર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. ગ્લોરીએ કહ્યું, 'મણિપુર સરકારે અમારા માટે કંઈ કર્યું નથી. મને મુખ્યમંત્રી પર વિશ્વાસ નથી. આ બધું તેમના શાસન દરમિયાન અમારી સાથે થયું.'

બંનેનું કહેવું છે કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ જાતિય હિંસાથી પ્રભાવિત કોકી-ઝોમી પરિવારોને મળવા આવ્યા નથી.

એક તરફ ન્યાયની આશા સાથે ગ્લોરી ભવિષ્યમાં ફરી અભ્યાસ કરીને સેનામાં જોડાવા માંગે છે. જ્યારે, મર્સી કહે છે, 'અમે આદિવાસી મહિલાઓ ખૂબ જ મજબૂત છીએ. અમે હાર માનીશું નહીં.' તે કહે છે કે બાળકોને શીખવવું જોઈએ કે ક્યારેય એ મહિલાઓનું અપમાન ન કરે.

આગળ વાંચોઃ MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.