MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."

MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."
Photo By Google Images

MP Sidhi Urination Case: મધ્યપ્રદેશની સિધી વિધાનસભા સીટ છેલ્લાં ઘણાં મહિનાઓથી ચર્ચામાં છે. હાલમાં આ સીટ પર રાજકારણ ગરમાયું છે, પરંતુ થોડા મહિના પહેલા એટલે કે જુલાઈ 2023માં અહીંથી એક વીડિયો વાયરલ થયો હતો જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. આ વીડિયો આદિવાસી દશમત રાવત(Dashmat Rawat) પર પેશાબની ઘટનાનો હતો. આ વીડિયોએ દેશના દરેક સંવેદનશીલ માણસની આંખમાં આંસુ લાવી દીધા હતા. તો સામે સરકાર અને વહીવટીતંત્ર સામે સવાલો ઉભા કરી દીધા હતા. સીધી જિલ્લાના કુબરી ગામના બ્રાહ્મણ પ્રવેશ શુક્લા(Pravesh Shukla)એ દારૂના નશામાં આદિવાસી(Adivasi) દશમત રાવત પર પેશાબ કર્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ પ્રવેશ શુક્લા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે પ્રવેશ શુક્લા સીધીના BJPના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો કાર્યકર હતો. આ મામલો સામે આવતાની સાથે જ રાજકીય ઉત્તેજના એટલી વધી ગઈ હતી કે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે દશમત રાવતના પગ ધોવા પડ્યા હતા. સરકારે આ બાબતે ગંભીરતા દાખવી કારણ કે મધ્યપ્રદેશની 230 બેઠકોમાંથી 47 આદિવાસી પ્રભુત્વવાળી બેઠકો છે. સીધી બેઠક વિસ્તારમાં પણ આદિવાસી મતદારો વધુ છે, તેથી આ વિડીયો ભાજપની અન્ય સીટોને પણ પ્રભાવિત કરી શકે તેમ હતો. ટૂંકમાં, માનવીય સંવેદનાઓથી પ્રેરાઈને નહીં પરંતુ રાજકીય નુકસાન અટકાવવા માટે શિવરાજસિંહે આવું કર્યું હોવાનું કહેવાય છે.

સીએમ શિવરાજ સિંહે(Shivraj singh Chauhan) મામલો શાંત પાડવા માટે કોઈ કસર છોડી નહોતી. પ્રવેશ શુક્લા સામે તરત જ કેસ નોંધવામાં આવ્યો હતો અને દશમતને ભોપાલ સીએમ હાઉસમાં બોલાવીને, મુખ્યમંત્રી દ્વારા માત્ર તેમનું સન્માન જ નહોતું કરવામાં આવ્યું પરંતુ તેમને 6 લાખ રૂપિયા, પોલીસ સુરક્ષા અને નોકરીનું વચન પણ આપ્યું હતું. જો કે, મુખ્યમંત્રીનું નોકરીનું વચન હજુ અધુરું છે અને હવે વહીવટીતંત્ર આ બાબતને સંપૂર્ણપણે ભૂલી ગયું છે.

બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ

મહિનાઓ વીતી ગયા પણ દશમત અત્યારે કઈ સ્થિતિમાં છે એ જાણવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી. ત્યારે એક ન્યૂઝ પોર્ટલની ટીમ દશમતના ઘરે તેની પરિસ્થિતિ જાણવા પહોંચી હતી ત્યારે ત્યાં એક મકાનનું બાંધકામ અધૂરું જોયું. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ઘર દશમત રાવતના જૂના ઘરને પાડીને બનાવવામાં આવી રહ્યું છે. દશમત રાવતે ઘરનું માળખું મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા પૈસાથી તૈયાર કરાવ્યું હતું. દશમતની પત્નીનું કહેવું છે કે ઘર અધુરું છે, કેમ કે આગળ કામ કરાવવા માટે પૈસા નથી. દિવસમાં બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ છે, આવી સ્થિતિમાં ઘરના કામ વિશે કેવી રીતે વિચારી શકાય?

દશમતનો પરિવાર પોલીસની સુરક્ષા અને મીડિયાના કેમેરાથી સંપૂર્ણપણે કંટાળી ગયો છે. દશમતે વાત કરવાની પણ ના પાડી દીધી, જ્યારે કેમેરો બંધ હતો ત્યારે તેની પત્નીએ ટીમને તેની સમસ્યાઓ જણાવી. દશમતની પત્ની ઈચ્છે છે કે તેમનું જીવન આ ઘટના પહેલા જેવું હતું તેવું બની જાય. ગમે  તેમ કરીને મજૂરી કરીને તેઓ પોતાનું ઘર સંભાળશે, પરંતુ પોલીસ સુરક્ષા તેના ગળામાં ફાંસો બની ગઈ છે. પોલીસ તેમને ક્યાંય પણ કામ પર જવા દેતી નથી. 

પોલીસ દશમતને કામ નથી કરવા દેતી

આદિવાસી દશમત રાવતનો આરોપ છે કે, પોલીસ તેને મજૂરી કરવાથી રોકી રહી છે. તે છેલ્લાં 3 મહિનાથી ઘરે બેઠા છે. પૈસા ખતમ થઈ ગયા પછી એક દિવસ તે મજૂરી કરવા એક દુકાને ગયા હતા, પણ જેવું તેમણે કામ શરૂ કર્યું ત્યાં પોલીસ પહોંચી ગઈ અને તેને જીપમાં બેસાડીને ઘરે મૂકી ગઈ. દશમતે જણાવ્યું કે, પોલીસે તેમને કહ્યું કે તારે કામ પર નથી જવાનું, ઘરે જ રહેવાનું છે, આ અમારા મોટા અધિકારીઓનો ઓર્ડર છે.

દશમતે જણાવ્યું કે, તે 24 કલાક પોલીસ સુરક્ષામાં રહે છે. હવે તેને પોલીસ સુરક્ષાની નહીં પણ  કામની જરૂર છે, પણ ન તો સરકાર વાયદા પ્રમાણે નોકરી આપી રહી છે કે ન મને મજૂરી કરવા દઈ રહી છે. દશમતે કહ્યું કે, તે સીધીમાં પોલીસ અધિક્ષક પાસે ગયા હતા અને પોલીસ સુરક્ષા પરત ખેંચી લેવા કહ્યું હતું. પણ તેમને જણાવવામાં આવ્યું કે 19 નવેમ્બરે સુરક્ષા પરત ખેંચી લેવાશે. હાલ દશમતની સાથે દિવસ દરમિયાન એક કોન્સ્ટેબલ રહે છે. જ્યારે રાત્રે ઘરની બહાર ત્રણ કોન્સ્ટેબલો ગોઠવી દેવામાં આવે છે.

મુખ્યમંત્રી શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા..

દશમતના ઘરનું કામ હાલ અધુરું પડ્યું છે તેને લઈને તે કહે છે કે, પૈસા ખતમ થઈ ગયા છે. આ કહેતી વખતે દશમત રડી પડે છે. તે આગળ કહે છે કે, મુખ્યમંત્રી ફોન નથી ઉપાડતા. પોલીસ ઘરની બહાર મજૂરી કરવા જવા નથી દેતી. મુખ્યમંત્રીએ જ્યારે ભોપાલ બોલાવ્યો ત્યારે કહ્યું હતું કે, પહેલા તારું ઘર બનાવીશ પછી નોકરી આપીશ. હવે ન તો આખું મકાન બન્યું છે ન નોકરી મળી છે. હવે સીએમને ફોન કરું છું તો તેઓ ઉપાડતા નથી. ભોપાલથી આવ્યાના એક અઠવાડિયા પછી મુખ્યમંત્રી અને તેમના પીએ સાથે એક-એક વાર વાત થઈ હતી. એ પછી તેમણે મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. હવે તેમને મારી કોઈ ચિંતા નથી, હું મરું છું કે જીવું છું, કઈ હાલતમાં છું તે ભૂલીને તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે.

દશમત રાવત આગળ કહે છે કે, મુખ્યમંત્રીએ જ્યારે મને ભોપાલ સીએમ હાઉસમાં બોલાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તું મારો સુદામા છે, હવે આપણે મિત્રો બની ગયા છીએ. તો હવે પોતાના મિત્રનો ફોન કેમ નથી ઉપાડતા શિવરાજસિંહ? તેમણે નોકરી અને ઘરનું વચન આપ્યું હતું. નોકરી આપી નથી અને ઘરનું કામ અધુરું પડ્યું છે. હવે મારી પાસે પૈસા નથી, પોલીસ મજૂરી કરવા જવા દેતી નથી, મારે શું કરવું?

આરોપી પ્રવેશ શુક્લાનું ઘર બની ગયું છે

એક બાજુ પીડિત દશમત રાવતનું ઘર સરકારી સહાયના અભાવે અધુરું પડ્યું છે, બીજી તરફ આ કેસના કુખ્યાત આરોપી પ્રવેશ શુક્લાનું મકાન સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. પેશાબકાંડ વખતે સ્થાનિક તંત્રએ તેના ઘરના ગેરકાયદે હિસ્સાને બુલડોઝરથી તોડી પાડ્યો હતો. પ્રવેશ શુક્લાના પિતા રમાકાંત શુક્લાએ જણાવ્યું કે, તેમના મકાનના સમારકામ માટે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા અને બ્રાહ્મણ સમાજના અન્ય લોકોએ અંદાજે રૂ. 6 લાખની આર્થિક મદદ કરી હતી. એ પૈસામાંથી તેમણે મકાન નવેસરથી ઉભું કરી નાખ્યું છે. રમાકાંત શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, પેશાબકાંડના તમામ આરોપોમાંથી દીકરા પ્રવેશ શુક્લાને જામીન મળી ગયા છે.

Read Also: બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.