સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી
ઝારખંડના પૂર્વ આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વાંચો શા માટે આવું થયું.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવી દેતા ઝારખંડના પૂર્વ સીએમનું કેજરીવાલની જેમ જામીન મેળવવાનું સપનું રોળાયું છે. હેમંત સોરેન હાલમાં જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલે રાંચીની જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, અમે જામીન અરજીને મંજૂરી ન આપી શકીએ તેથી તમે પોતે જ અરજી પાછી ખેંચી લો. જેના પર વકીલે સુપ્રીમ કોર્ટના આદેશનો સ્વીકાર કરીને અરજી પાછી ખેંચી લીધી છે.
સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરતા કહ્યું કે અરજદાર દ્વારા જામીન અરજીમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, ટ્રાયલ કોર્ટે આ કેસમાં ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ હેમંત સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, અમે વચગાળાના જામીનની માગ કરતી અરજી પાછી ખેંચીએ છીએ.
સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી પર ટિપ્પણી કરતા કહ્યું કે કોર્ટમાં એક સાથે બે માગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માગ વચગાળાના જામીનની છે અને બીજી માગમાં ધરપકડને પડકારવામાં આવી છે. આ દરમિયાન ઈડીએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માગ કરશે.
ઝારખંડના પૂર્વ સીએમની જામીન અરજીમાં સીએમ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી રાહતનો હવાલો આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની અરજીમાં આવી જ રીતે જામીન આપવાની અપીલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરતા અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે, હેમંત સોરેને રાંચીમાં ગેરકાયદેસર રીતે ૮.૮૬ એકર જમીન અધિગ્રહણ કરી છે.
આ પણ વાંચો: હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર