મણિપુરમાં સ્થિતિ ફરીથી વણસી, ૧૫મી સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ

મણિપુરમાં મૈતઈ સમાજને એસટીનો દરજ્જો આપવાને મુદ્દે 16 મહિના પહેલા શરૂ થયેલી હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ ફરીથી વણસી ગઈ છે. વાંચો આ રિપોર્ટ.

મણિપુરમાં સ્થિતિ ફરીથી વણસી, ૧૫મી સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ
image credit - Google images

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી છે. પથ્થરમારો સતત ચાલુ છે. ભીડને વિખેરવા માટે બીજી બાજુથી પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. સમગ્ર મણિપુરમાં ૧૫ સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મણિપુરમાં ૩ મે ૨૦૨૩થી હિંસાની શરૂઆત થઈ હતી. પરંતુ ૧૬ મહિના પછી પણ રાજ્યમાં શાંતિ સ્થપાઈ નથી. શનિવારે જીરીબામ જિલ્લામાં તાજેતરની હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. મણિપુરની પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બંને સમુદાયો પાસે હવે એવા શસ્ત્રો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધમાં થાય છે. સેના એટલી લાચાર છે કે તેણે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવી પડી છે. લોકોએ પહાડો અને ખીણોમાં બંકરો બનાવ્યા છે.

આ પણ વાંચો: "આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ

આખો મામલો કુકી અને મૈતઈ સમાજ વચ્ચેનો છે. મૈતઈ સમાજના લોકો ખીણ વિસ્તારમાં રહે છે અને રાજકીય તથા આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ છે. જ્યારે કુકી સમુદાયના લોકો પહાડોમાં રહે છે અને અત્યંત ગરીબીમાં વસે છે. દરેક મોરચે સમૃદ્ધ હોવા છતાં મૈતઈ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની વાત આગળ ધરાઈ હતી. જેના વિરોધમાં કુકી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

મૈતઈ સમાજની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત ‘આદિવાસી એકતા માર્ચ’ને પગલે ગત વર્ષે ૩ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અહીં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરની વસ્તીના લગભગ ૫૩ ટકા મૈતઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. જ્યારે નાગા અને કુકી સહિતના આદિવાસીઓ ૪૦ ટકા છે અને મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે. હિંસા બાદ આ બંને સમુદાયોએ એકબીજાના સ્થળોએ જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હિંસા બંધ ન થવા પાછળ સ્થાનિક રાજકારણ પણ જવાબદાર છે. બંનેના અલગ-અલગ લોકેશનના કારણે સમગ્ર વિસ્તાર સરહદમાં ફેરવાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર બંને સમાજે પોતાના માટે સુરક્ષિત બંકર બનાવ્યા છે. બંને પાસે મોટી માત્રામાં હથિયારો છે. જેના કારણે જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તેઓ એકબીજા પર હુમલો કરે છે અને પછી બંકરમાં છુપાઈ જાય છે. મણિપુર રાજ્યમાં આવેલી ખીણો અને પહાડોના કારણે તેમને રોકવા મુશ્કેલ બની ગયા છે.

આ પણ વાંચો: મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.