હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિશ્વાસનો મત મેળવવા સમયે ઝારખંડ વિધાનસભામાં પહોંચ્યા હતા. ચંપઈ સોરેન સરકારે વિશ્વાસનો મત જીતી લીધા બાદ હેમંત સોરેન વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. વાંચો તેમણે શું કહ્યું.

હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર

ઝારખંડ વિધાનસભામાં આજે ચંપઈ સોરેનના ફ્લોર ટેસ્ટ માટે આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્રમાં પાર્ટી અને વિપક્ષ બંનેના ધારાસભ્યો હાજર હતા. મુખ્યમંત્રી ચંપઈ સોરેન પછી પૂર્વ સીએમ હેમંત સોરેને વિધાનસભાને સંબોધિત કરી હતી. એ દરમિયાન હેમંત સોરેન વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું આંસુ નહીં વહાવું. જો આરોપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ.

ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ અને દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી રહેલા હેમંત સોરેને આજે ઝારખંડ વિધાનસભાને સંબોધિત કરી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે “અમે હજુ હાર સ્વીકારી નથી. જો તેઓ એમ વિચારે છે કે મને જેલમાં નાખીને તેઓ સફળ થશે, તો તેમણે એ સમજી લેવાની જરૂર છે કે આ ઝારખંડ છે, જ્યાં ઘણાં લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.”

હેમંત સોરેને કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “હું ભાજપને મારા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાબિત કરવાનો પડકાર ફેંકું છું. આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની સાથે ઝારખંડ પણ છોડી દઈશ. હું હાલ આ કાર્યવાહી અંગે આંસું નહીં પાડું, પરંતુ યોગ્ય સમય આવે ‘સામંતી તાકતો’ને જડબાતોડ જવાબ આપીશ. મને મુખ્યમંત્રીપદેથી હટાવવાના અને ધરપકડ કરાવવાના કેન્દ્ર સરકારના કાવતરામાં રાજભવને પણ મહત્વની ભૂમિકા ભજવી છે.”

હેમંત સોરેને વધુમાં કહ્યું કે, “મારી સાડા આઠ એકર જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જો એ લોકોમાં હિંમત હોય તો મારા નામે નોંધાયેલા જમીનોના દસ્તાવેજો બતાવે. જો આરોપો સાબિત થશે તો હું હંમેશ માટે રાજકારણ છોડી દઈશ.”

હેમંત સોરેને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને બિહારમાં સત્તા પરિવર્તનને સાંકળીને ગૃહમાં ભાજપને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી રામરાજ્ય આવી ગયું અને પછી પહેલો પગ બિહારમાં, બીજો ઝારખંડમાં પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટે હેમંત સોરેનને ફ્લોર ટેસ્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી. એ પછી EDની ટીમ તેમને લઈને વિધાનસભામાં પહોંચી હતી. ફ્લોર ટેસ્ટ માટે જેએમએમ-કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. સાથે જ મુખ્ય વિરોધ પક્ષોના નેતાઓ પણ આવ્યા હતા.

ચંપઈ સોરેન સરકારે વિશ્વાસનો મત જિત્યો

આ તરફ હેમંત સોરેનના રાજીનામા પછી મુખ્યમંત્રી બનેલા ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કરી લીધો હતો. વિશ્વાસ મતના પ્રસ્તાવની તરફેણમાં 47 મત જ્યારે વિરોધમાં 29 મતો પડ્યા હતા. ઝારખંડમાં 81 બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 41 ધારાસભ્યોની જરૂર હોય છે. ચંપઈ સોરેને બીજી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા અને બહુમતી સાબિત કરવા માટે 5 ફેબ્રુઆરીની તારીખ નિશ્ચિત થઈ હતી. તેમણે આજે વિશ્વાસ મત રજૂ કર્યો અને ત્યાર પછી તે અંગે ચર્ચા શરૂ થઈ હતી.

આ પણ વાંચો : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.