"પૈસા લેવા કેમ નથી જવું?" કહી દલિત યુવકને બાંધીને પેશાબ પીવડાવ્યો
એક ગામમાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી, અવાવરુ જગ્યાએ ગોંધી રાખી, પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો.
અનામતનો મૂળ આધાર સામાજિક ન્યાય છે પણ તેને બદલે આર્થિક આધાર પર કોઈપણ હિસાબે તેને ખેંચી જઈને આખી અનામત પ્રથા જ બદલીને દલિતો, આદિવાસીઓને આઝાદી પહેલાની સ્થિતિમાં લાવી દેવાનું એક સુનિયોજિત કાવતરું જોર પકડી રહ્યું છે ત્યારે પણ દલિતો પર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ એક વ્યક્તિ પાસેથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું, પણ દલિત યુવકે તેનો ઈનકાર કરતા લુખ્ખા તત્વો તેને બળજબરીથી બાઈક પર બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને બાંધી રાખ્યો હતો. એ પછી તેને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો. ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા યુવકે આખરે પોલીસને ફરિયાદ કરી હતી એ પછી એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ઘટના આદિવાસી સમાજ પર જ્યાં સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશની છે. અહીં નરસિંહપુર જિલ્લાના મોટા બરહા ગામે એક 34 વર્ષના દલિત યુવકને ગામના જાતિવાદી તત્વોએ પેશાબ પીવડાવી, જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો હતો. એટલું જ નહીં તેને ગોંધી રાખીને નિર્દયતાથી માર માર્યો હતો. ઘટના 30 જુલાઈના રોજ ગાડરવાડા તાલુકાના મોટા બરહા ગામ પાસે ઘટી હતી.
આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...
પીટીઆઈના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ બુઘૌલિયા અને કચેરાએ દલિત યુવકને ગામની પ્રેમનારાયણ વર્મા નામની એક વ્યક્તિ પાસેથી રૂ. 2 લાખ રૂપિયા લઈ આવવા માટે કહ્યું હતું, પણ યુવતે તેનો ઈનકાર કરી દીધો હતો. આથી ઉશ્કેરાયેલા બંને તેને બળજબરીથી મોટરસાઈકલ પર ઉપાડીને લઈ ગયા હતા અને એક અવાવરુ જગ્યાએ ગોંધીને રાખી દીધો હતો. એ પછી તેમણે તેને જાતિસૂચક ગાળો ભાંડીને નિર્દયતાથી માર માર્યો હતો.
પીડિત યુવકનું કહેવું છે કે, આરોપીઓ તેને સમયાંતરે માર મારતા રહ્યાં અને પ્રેમનારાયણ પાસેથી પૈસા લઈ આવવા માટે કહેતા હતા. પણ તે સતત ઈનકાર કરતો રહ્યો તેથી તેને વધુને વધુ માર માર્યો હતો. એ દરમિયાન આરોપીઓએ તેને તેમનું પેશાબ પીવા માટે પણ મજબૂર કર્યો હતો.
આ મામલે હવે દલિત યુવકે ફરિયાદ નોંધાવતા એસસી એસટી પોલીસ સ્ટેશને ત્રણ આરોપીઓ સલ્લૂ, બુઘૌલિયા અને સૂરજ કચેરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 293, 115, 352, 351(2), 3(5) અને એસસી એસટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરતા તેણે આરોપીઓની અટકાયત કરી લીધી છે. નરસિંહપુરના પોલીસ અધિક્ષક અમિત કુમારના જણાવ્યા પ્રમાણે યોગ્ય દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસ પર અમને વિશ્વાસ નથી એટલે ગામ છોડીને જઈએ છીએ...