મણિપુર હિંસાના પીડિતોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી
ગૃહમંત્રી અમિત શાહે મે 2023માં મણિપુર હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂ. 10 લાખની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેના માટે પુરી રકમ ફાળવાઈ નથી.
લાંબા સમય સુધી હિંસાગ્રસ્ત રહેલા મણિપુરમાં હજુ પણ જાતિ આધારિત સંઘર્ષના સમાચારો આવતા રહે છે ત્યારે અહીંના હિંસાગ્રસ્ત વિસ્તારના પીડિતોને હજુ સુધી પુરતું વળતર ન મળ્યાંનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
એક આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ મે 2023 માં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેતી વખતે ઘણી જાહેરાતો કરી હતી, જેમાંથી એક જાહેરાત હિંસામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાની હતી. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ આ માટે હજુ સુધી પૂરતું ભંડોળ પુરું પાડવામાં આવ્યું નથી.
મુલાકાત દરમિયાન અમિત શાહ મેઈતેઈ અને કુકી સમાજના નાગરિક સંગઠનોને મળ્યા હતા અને 1 જૂન, 2023 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમાં પીડિતો માટે ઘણી જાહેરાતો કરી હતી. એ વખતે તેમણે એક જાહેરાત એવી પણ કરી હતી કે આ હિંસામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
એ વખતે તેમણે કહ્યું હતું કે, 'હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયા (મણિપુર સરકારથી 5 લાખ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી 5 લાખ મળીને)ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. '
ધ વાયરે કરેલી એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરને નાણાકીય સહાય તરીકે રૂ. 7.35 કરોડ જાહેર કર્યા છે. તાજા આંકડાઓ મુજબ 3 મે, 2023 થી અત્યાર સુધીમાં મણિપુરમાં 226 લોકોના મોત થયા છે. મતલબ કે આ પરિવારોને વળતર આપવા માટે રૂ. 11.30 કરોડની ફાળવણી કરવામાં આવવી જોઈએ. મતલબ ગૃહ મંત્રાલય દ્વારા હજુ પણ 3.95 કરોડ રૂપિયા ફાળવવાના બાકી છે.
આ મામલે વધુ જાણકારી માટે ધ વાયરે મણિપુર સરકારનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. અમિત શાહના નેજા હેઠળ કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી રૂ. 7.35 કરોડની રકમમાંથી 226 પરિવારો પૈકી 147ને રૂ. 5 લાખનું વળતર આપવામાં આવી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા મણિપુરના લોકોને આપવામાં આવતી નાણાકીય સહાય નાગરિક પીડિતો/આતંકવાદી/કોમ્યુનલ/ ડાબેરી ઉગ્રવાદના પીડિતોના પરિવારોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના અંતર્ગત કરવામાં આવે છે.
આ પણ વાંચો: મણિપુરમાં પોલીસે જ બંને મહિલાઓને ટોળાને હવાલે કરી હતી
આ યોજના આતંકવાદી અથવા સાંપ્રદાયિક હિંસા, ડાબેરી ઉગ્રવાદ, તેમજ ભારતીય ક્ષેત્રમાં સીમાપાર ગોળીબાર અને લેન્ડમાઈન અથવા આઈઈડી વિસ્ફોટો સાથે સંકળાયેલી ઘટનાઓમાં નાગરિક પીડિતોના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. સહાય સામાન્ય રીતે હયાત જીવનસાથીને આપવામાં આવે છે, અથવા જો બંને જીવનસાથી એક જ ઘટનામાં મૃત્યુ પામે છે, તો સમગ્ર પરિવારને આપવામાં આવે છે.
ગૃહમંત્રી અમિત શાહ કે મણિપુર સરકારે જાહેરમાં ઉલ્લેખ કર્યો નથી કે વળતર CSACV યોજનાનો ભાગ છે કે કેમ. 1 જૂનના રોજ ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટ, જે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેમાં પણ CSACV યોજનાનો કોઈ ઉલ્લેખ નથી.
જૂન 2023માં તેમની મુલાકાત દરમિયાન અમિત શાહે હિંસા પ્રભાવિત વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ માટેની યોજના તૈયાર કરવાનું વચન પણ આપ્યું હતું. જો કે, તેનો અમલ હજુ અસ્પષ્ટ છે. ઘણા કુકી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે ઇમ્ફાલની મુસાફરી કરી શકતા ન હતા, તેમણે શહેરની બહાર પ્રવેશ માંગ્યો હતો, કેરળની કન્નુર યુનિવર્સિટી અશાંતિને કારણે વિસ્થાપિત થયેલા કુકી વિદ્યાર્થીઓને આવકારતી પ્રથમ યુનિવર્સિટી બની હતી.
આ સિવાય શાહે મણિપુરના તત્કાલીન રાજ્યપાલ અનુસુયા ઉઇકેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિમાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સહિત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ કુકી અને મેઈતેઈ સમાજના સભ્યો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, પછીથી ઘણી વ્યક્તિઓએ પેનલમાં બીરેન સિંહની હાજરીમાં સેવા આપવાની અનિચ્છા દર્શાવીને શાંતિ સમિતિ છોડી દીધી હતી.
અમિત શાહે મેડિકલ વળતરનું પણ વચન આપ્યું હતું, ખાસ કરીને પર્વતીય વિસ્તારો માટે, જ્યાં લોકોને તાત્કાલિક તબીબી સારવાર મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે. સ્થાનિક આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે ઘણા લોકોને સારવાર માટે અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડી છે અને મણિપુરમાં તબીબી કટોકટીના કારણે ઓછામાં ઓછા 35 લોકો મૃત્યુ પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 3 મે, 2023 ના રોજ કુકી અને મેઇતેઇ સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ ત્યારથી 543 દિવસમાં 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
આ પણ વાંચો: મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં