ગૌરક્ષકોએ દલિત વૃદ્ધને નગ્ન કરી બાઈક સાથે બાંધીને 1 કિમી સુધી ઢસડ્યાં

કથિત ગૌરક્ષકોએ પોતાના ઢોર લઈને જઈ રહેલા એક 60 વર્ષના દલિત વૃદ્ધને નિર્વસ્ત્ર કરીને બાઈક સાથે બાંધીને 1 કિમી સુધી ઢસડ્યા હતા.

ગૌરક્ષકોએ દલિત વૃદ્ધને નગ્ન કરી બાઈક સાથે બાંધીને 1 કિમી સુધી ઢસડ્યાં
all image credit - Google images

હિંદુત્વવાદીઓ જ્યારથી સત્તામાં મજબૂત થયા છે ત્યારથી દેશભરમાં કથિત ગૌરક્ષકો છાકટા થઈ ગયા છે. ગૌરક્ષાના નામે ગમે તે વ્યક્તિને રોકીને માર મારતા આવા તત્વોને જાણે કાયદાની કોઈ બીક જ નથી રહી. ગુજરાતમાં સર્જાયેલો ઉનાકાંડ આજેય દલિતો ભૂલ્યાં નથી, જ્યાં કથિત ગૌરક્ષકોએ કારણ વિના જ દલિત યુવકોને જાહેરમાં ઢોર માર મારીને સરઘસ કાઢ્યું હતું. ગુજરાતમાં અનેક શહેરોમાં ગલીના ટપોરીઓ ગૌરક્ષકોના સ્વાંગમાં માલધારીઓ, પશુઓની હેરાફેરી કરતા ટેમ્પોચાલકો વગેરેને રોકીને હપ્તા ઉઘરાવતા હોય તેવી ઘટનાઓ પણ બની છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ આવ ટપોરીઓને પકડવાને બદલે છાવરે છે. અમદાવાદ જેવા શહેરમાં તો અનેક લુખ્ખા તત્વો ગૌરક્ષક બનીને એસપી રીંગ રોડ જેવા વિસ્તારમાં પશુઓની હેરાફેરી કરતા વાહનોને રોકીને ગૌતસ્કરીનો આરોપ લગાવી વાહનના ડ્રાઈવરને પકડીને માર માર્યા બાદ તોડપાણી કરીને પોલીસને ફોન કરીને બોલાવ્યાની અનેક ઘટનાઓ નોંધાયેલી છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ આ ટપોરીઓ સામે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા બદલ કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ લોકોને દંડે છે. આ સ્થિતિ જ્યાં જ્યાં પણ હિંદુત્વવાદીઓ સત્તામાં છે ત્યાં પેદા થઈ છે અને તેનો સૌથી વધુ ભોગ નિર્દોષ દલિત-આદિવાસીઓ અને લઘુમતી સમાજના લોકો બને છે. આવી જ વધુ એક ઘટના હાલમાં સામે આવી છે, જ્યાં ગૌતસ્કરીની શંકાએ લુખ્ખા તત્વોએ એક દલિત વડીલને નગ્ન કરીને મોટરસાઈકલ સાથે બાંધીને 1 કિલોમીટર સુધી ઢસડ્યા હતા અને બેભાન થઈ જતા તેમને રોડસાઈડમાં મૂકીને ભાગી ગયા હતા.

દલિત વડીલને નગ્ન કરી ઢસડ્યા

મામલો ઝારખંડના ગઢવા જિલ્લાનો છે. અહીં એક 60 વર્ષના દલિત દાદા તેમના ઢોર સાથે બંસીધરનગર ઉંટારી જઈ રહ્યા હતા ત્યારે ત્રણ મોટરસાઈકલ સવાર શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમના પર ગૌતસ્કરીનો આરોપ લગાવી પહેલા માર માર્યો હતો અને પછી તેમને નગ્ન કરીને મોટરસાઈકલ સાથે બાંધીને ઢસડ્યા હતા.

ઘટના ઝારખંડના પાટનગર રાંચીથી અંદાજે 275 કિમી દૂર આવેલા અમરોરા ગામ પાસે ઘટી હતી. અહીં સુરસ્વતી રામ નામના 60 વર્ષના દલિત વડીલ 17 મે ના રોજ બપોરે પોતાના પાલતુ ઢોરને વેચવા માટે બંસીધરનગર ઉંટારી જઈ રહ્યા હતા. ત્યારે રાહુલ દુબે, રાજેશ દુબે અને કાશીનાથ ભુઈયાએ તેમનો રસ્તો રોક્યો હતો અને ઢોર કોના છે તેની પૂછપરછ કરીને તેમના પર ગૌતસ્કરીનો આરોપ લગાવી માર માર્યો હતો. એ પછી તેમના કપડાં ઉતરાવીને નગ્ન કરીને મોટરસાઈકલ સાથે બાંધીને એક કિલોમીટર સુધી ઢસડ્યા હતા. જેના કારણે વડીલ બેભાન થઈ જતા આરોપીઓ તેમને રોડસાઈડમાં મૂકીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો: દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી

આ ઘટનામાં વડીલના શરીરે અનેક જગ્યાએ છોલાઈ જવાથી ઈજાઓ પહોંચી હતી. ભાનમાં આવ્યા બાદ તેમણે પોતાના પરિવારજનોને ફોન કરીને બોલાવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે સુરસ્વતી રામે બંસીધર નગર ઉંટારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.

કાથીનાથ ભુઈયા ઝડપાયો, રાહુલ-રાજેશ દુબે ફરાર

બંસીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે, દલિત વડીલ સુરસ્વતી રામની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને તેના આધારે પોલીસે ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી, જેમની ઓળખ રાહુલ દુબે, રાજેશ દુબે અને કાશીનાથ ભુઈયા તરીકે થઈ છે. આ ત્રણેય લોકો મોટરસાઈકલ પર હતા અને તેમણે સુરસ્વતી રામને રોકીને તેમને ગૌતસ્કરીમાં સામેલ હોવાનું કહીને માર માર્યો હતો. એ પછી તેમને નિર્વસ્ત્ર કરીને પોતાની બાઈક સાથે બાંધીને એક કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયા હતા. એ પછી સુરસ્વતી રામ બેભાન થઈ જતા રોડસાઈડમાં મૂકીને ભાગી ગયા હતા. કોઈએ પોલીસને આ મામલાની જાણ કરી હતી અને સુરસ્વતી રામને બંસીધર નગર ઉંટારીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસે કાશીનાથ ભુઈયા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. જ્યારે રાહુલ અને રાજેશ દુબેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો: દલિત મહિલા જાહેર કૂવા પાસે ગઈ તો મનુવાદીએ માર મારી બ્લાઉઝ ફાડી નાખ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.