બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?

બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?
Photo By Google Images

ક્રિકેટ વિશ્વ કપ તેની ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાની બોલિંગની ચર્ચા આજકાલ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યાં છે. કદાચ World Cupના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ક્રિકેટરસિયાઓ દરેક મેચ પહેલા ભારતની બેટિંગ લાઈનઅપ નહીં પરંતુ બોલિંગ આક્રમણની ચર્ચા કરી રહ્યાં છે. જાણકારોને ખ્યાલ છે કે એક સાથે આવા ઝડપી બોલરો ભારતીય ટીમ પાસે ક્યારેય નહોતા. ચાહકો કોઈ મેચમાં બોલરના એકાદ સારા સ્પેલ કે સારી ઓવરના વખાણ કરતા. પણ મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ત્રિપુટીએ જેવું ફોર્મ બતાવ્યું છે એવું ભારતીય ક્રિકેટના ઈતિહાસના કોઈ કાળમાં જોવા નથી મળ્યું.

મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ભારતીયો માટે અનેક ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. મહેન્દ્રસિંહ ધોનીએ અહીં જ સિક્સર મારીને ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. આ જ વાનખેડે સ્ટેડિયમમાં ગયા અઠવાડિયે મોહમ્મદ શમીએ જે કાલિત બોલિંગ કરી તેની ચર્ચા હજુ પણ અટકી નથી. સ્વિંગ, પરફેક્ટ સીમ પોઝિશન અને સીમ મુવમેન્ટ થકી ટીમ ઈન્ડિયાના લાલાએ શ્રીલંકાના પાંચ ખેલાડીઓને તંબુ ભેગા કરી દીધા હતા. વિકેટની સાથે જ શમીએ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. પણ મેદાનથી વધુ શમીની ચર્ચા મેદાનની બહાર થઈ રહી છે. સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો, સમાચાર પત્રો બધાં માટે Mohammed Shami ના સંઘર્ષની કહાની Hot Topic છે ત્યારે શમીની જિંદગીમાં આવેલા ઉતારચઢાવથી લઈને વર્તમાન સફળતા સુધીની ચર્ચા કરીએ, કેમ કે તેમાંથી બહુજન યુવાનોએ ઘણું બધું શીખવા જેવું છે.

ઘુંટણીની ઈજા અને પિતાના અવસાનનો બેવડો ફટકો

વર્ષ 2016માં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી. પાંચ ટેસ્ટ, ત્રણ વન ડે અને 3 ટી20 રમાવાની હતી. શમી ટેસ્ટ ટીમમાં સામેલ હતો. પણ ટેસ્ટ સિરીઝની વચ્ચે જ તેને ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ જવું પડ્યું અને તે સિરીઝની ચોથી અને પાંચમી મેચ ન રમી શક્યો. શમી માટે આ એક કપરા સમયની શરૂઆત હતી. એ પછીના વર્ષે 5 જાન્યુઆરી 2017ના રોજ તેના પિતા તૌસિફ અલીને હૃદયરોગનો હુમલો આવ્યો. શમીએ તેના વિશે ટ્વિટ કરીને જણાવ્યું હતું. એ પછી તેણે પિતાની તબિયત સુધરી રહી હોવાનું જણાવતી વધુ એક ટ્વિટ 11 જાન્યુઆરીએ કરી હતી. બધું સારું થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું હતું. શમી પોતે પણ ઘૂંટણની ઈજામાંથી બહાર આવી રહ્યો હતો અને ટીમ સાથે ટ્રેનિંગમાં પણ જોડાઈ ગયો હતો. એ પછી ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટી20 મેચોમાં પણ તેનું નામ સામેલ હતું. 26 જાન્યુઆરી 2017ના રોજ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં તેમાંની પહેલી 20-20 મેચ રમાવાની હતી, પણ ત્યાં જ તેના પિતાનું અવસાન થયું હોવાના સમાચાર આવ્યા. એકબાજુ ટીમ કાનપુર મેચની તૈયારીઓ કરી રહી હતી અને બીજી તરફ દુઃખી મોહમ્મદ શમી વતન અમરોહા જવા નીકળી પડ્યો હતો.

આવી ઘટનાઓ કોઈપણ ખેલાડી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકતી હોય છે. આ મામલે વિરાટ કોહલીના સંઘર્ષનું ઉદાહરણ આપવામાં આવે છે, જેણે તેના પિતાના અવસાન પછી પરત આવીને તરત પોતાની ટીમ માટે મેચ વિનીંગ રમત બતાવી હતી. પણ શમી માટે આ સમય ઘણો અલગ હતો. તેની કરિયર પણ ખતમ થઈ શકતી હતી એટલું જ નહીં, શમીએ પોતે પણ વિચારી લીધું હતું કે તે ક્રિકેટને અલવિદા કહી દેશે. દરેક કહાની કંઈ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ દોડતી કાર જેવી સરળ નથી હોતી. એ તો ગામડાના કાચા, ઉબડખાબડ રસ્તાઓ પર ચાલતી ઘોડાગાડીની જેમ ઉછળતી-પટકાતી ચાલતી હોય છે અને તેમાં એક ક્લાઈમેક્સ આવતો હોય છે. શમી સાથે પણ આવું જ થયું.

હું ક્રિકેટ છોડવા માંગું છું...

ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરૂણે શમી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. આ વાતચીતે શમીની જિંદગી બદલી નાખી હતી. શાસ્ત્રી સાથે વાત કરતી વખતે એકવાર શમીએ કહ્યું હતું કે તે, ક્રિકેટ છોડવા માંગે છે. 2018 દરમિયાન શમીની ફિટનેસને લઈને પણ સતત સવાલો થઈ રહ્યાં હતા. ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઘૂંટણની ઈજામાંથી શમી બહાર તો આવી ગયો હતો પણ અગાઉ જેવી ફિટનેસ પાછી નહોતી આવી. એ દરમિયાન શમી અનેકવાર ઈજાને કારણે ટીમમાંથી બહાર પણ રહેતો હતો.

ભરત અરૂણ કહે છે, 2018માં ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા એક ફિટનેસ ટેસ્ટ થઈ હતી. શમી તેમાં ફેઈલ થઈ ગયો હતો. ટીમમાં તેની જગ્યા બચી નહોતી. તેણે મને ફોન કરીને કહ્યું કે તે મારી સાથે વાત કરવા માંગે છે. મેં તેને મારા રૂમમાં બોલાવ્યો. તે પર્સનલ લાઈફમાં પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેની ફિટનેસ પર સવાલો થઈ રહ્યાં હતા. તે માનસિક રીતે બીજે ક્યાંક હતો. તેણે મને કહ્યું કે તેને ભારે ગુસ્સો આવે છે અને તે ક્રિકેટ છોડવા માંગે છે. હું તરત તેને લઈને રવિ શાસ્ત્રીને મળવા ગયો.

ભરત અરૂણ આગળ કહે છે, મેં રવિ શાસ્ત્રીને કહ્યું કે શમી કંઈક કહેવા માંગે છે. શમીએ કહ્યું કે તે ક્રિકેટ રમવા નથી માંગતો. અમે બંનેએ તેને પૂછ્યું કે, તો પછી શું કરીશઅને તને બીજું શું આવડે છેએ પછી રવિ શાસ્ત્રીએ શમીને કહ્યું, તારો જે પણ ગુસ્સો છે તે તારા શરીર પર ઉતાર, અમે તને NCA(National Cricket Academy)મોકલીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તું ચાર અઠવાડિયા ત્યાં જ રહે. તું ઘરે નહિં જાય, સીધો NCA જઈશ. શમી માટે આ બરાબર જ હતું. કોલકાતા જવામાં ઘણી સમસ્યાઓ હતી. એ પછી તેણે પાંચ અઠવાડિયા NCAમાં ગાળ્યાં. આ પાંચ અઠવાડિયામાં તે પુરેપુરો રિચાર્જ થઈ ચૂક્યો હતો. આ એક વરદાન જેવું હતું. 

ભરત અરૂણ કહે છે,મને હજુ પણ યાદ છે, તેણે ફોન કરીને કહ્યું હતું, સર હું ઘોડાની જેમ દોડવા લાગ્યો છું. તમે મને જેટલો દોડાવવા ઈચ્છતા હો તેટલો દોડાવો. એ પાંચ અઠવાડિયામાં શમી સમજી ગયો હતો કે ફિટનેસ પર કામ કરીને તે શું શું કરી શકે છે.

પત્ની સાથે વિવાદ

શમીનો સંઘર્ષ જો કે ફક્ત તેની ફિટનેસ અને ફિલ્ડ પર્ફોર્મન્સ સાથે જ નહોતો જોડાયેલો. તે પોતાના પરિવાર સાથે પણ અલગથી લડાઈ લડી રહ્યો હતો. તેની પત્નીએ વર્ષ 2018માં તેની સામે ઘરેલું હિંસા અને મેચ ફિક્સિંગ સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. એ પછી બંને જુદા રહેવા લાગ્યા હતા. મામલો કોર્ટમાં ગયો હતો અને કોલકાતા પોલીસે શમીની પૂછપરછ પણ કરી હતી. ત્યાં સુધીમાં અલીપુર કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરી દીધું હતું. જો કે, એ પછી વોરંટ પર સ્ટે આવી ગયો હતો.

શમીની પત્ની હસીન જહાઁ આ મામલે સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. કોર્ટમાં દાખલ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે મોહમ્મદ શમીએ તેની પાસે દહેજની માંગ કરી હતી. એટલું જ નહીં, તેણે શમી પર લગ્નેતર સંબંધો રાખવાના અને તે હજુ પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. શમીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પિતાનું અવસાન, ક્રિકેટમાંથી બહાર થઈ જવું, પત્ની સાથેના ઝઘડા અને કોર્ટકચેરીના ચક્કર જેવા ચોતરફી હુમલાઓ વચ્ચે પણ શમીએ ક્રિકેટમાં કમબેકનું પોતાનું સપનું છોડ્યું નહીં.

અને પછી ક્રિકેટમાં ધમાકેદાર વાપસી...

કહેવાય છે કે શમી જુદી માટીમાંથી બન્યો છે અને તે સતત તેની સાબિતી પણ આપતો રહે છે. 2019ના વિશ્વ કપમાં તેણે જબરદસ્ત બોલિંગ કરીને ઘણી વિકેટો લીધી હતી. જો કે બાંગ્લાદેશ સામે ફક્ત એક વિકેટ લીધા પછી તેને ટીમમાંથી બહાર કરી દેવાયો હતો. એ પછી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝિલેન્ડે હરાવ્યું હતું. હવે 4 વર્ષ પછી વર્લ્ડ કપ ભારતના આંગણે રમાઈ રહ્યો છે અને તેમાં પણ શમીની ભારે કસોટી થઈ હતી. તેને પહેલી 4 મેચોમાં બહાર બેસી રહેવું પડ્યું હતું. એ પછી અચાનક ટીમ મેનેજમેન્ટને શાર્દુલ ઠાકુરની નબળી બોલિંગનો અહેસાસ થયો અને શમીને અચાનક તક મળી. એ પછી દુનિયા આખીએ તેની ઘાતક બોલિંગનું સાવ જુદું જ સ્વરૂપ જોયું છે. શમીએ તક મળ્યાં પછીની માત્ર 3 જ મેચમાં 14 વિકેટ લઈને વિરોધીઓને ભોંયભેગા કરી દીધા હતા.

શમીના આવા ધમાકેદાર કમબેકની અપેક્ષા ટીમ મેનેજમેન્ટે પણ નહીં રાખી હોય. પણ શમી સલમાન ખાનની સુલતાન ફિલ્મની જેમ, પોતાની જ સામે લડી રહ્યો હતો, પોતાની પર લાગેલા આરોપો સામે, નબળી ફિટનેસની સામે, ટીકાકારો દ્વારા કરાતી ટીકાઓ સામે, કોર્ટમાં લાગેલા આરોપો સામે. અને એ તમામની સામે લડીને તેણે પોતાની જાતને સાબિત કરી બતાવી.

શમીની આ કહાની અહીં મૂકવાનો હેતુ છાશવારે ભાંગી પડતા બહુજન યુવાનોને પ્રેરણા આપવા રજૂ કરીએ છીએ. છેલ્લાં કેટલાક વર્ષોમાં સમાજના અનેક પ્રતિભાશાળી યુવાનો આર્થિક કે અન્ય કારણોસર જીવન ટુંકાવતા જોવા મળ્યાં છે. આશા છે મોહમ્મદ શમીની આ કહાનીમાંથી તેઓ કંઈક શીખીને તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે.

આગળ વાંચોઃ Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.