Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!
જીદ બે પ્રકારની હોય છે. એક જીદ વ્યક્તિને બરબાદ કરે છે અને બીજી તેને દરેક પ્રકારના પડકાર સામે અડગ ઊભા રહેવાની હિંમત આપે છે. બીજા પ્રકારના જિદ્દી લોકો દરેક પ્રકારની મુશ્કેલીઓ સામે લડીને પોતાની કેડી કંડારે છે. ભારતીય મહિલા તીરંદાજ શીતલ દેવીમાં પણ આવી જ જીદ છે.
તેના જુસ્સાએ જ તેને વિશ્વની એકમાત્ર મહિલા તીરંદાજ બનાવી છે જે હાથ વિના ચોક્કસ નિશાન તાકી શકે છે. વર્લ્ડ પેરા તીરંદાજી ચેમ્પિયનશિપમાં તેણે પોતાની મહેનત અને મક્કમ મનોબળના જોરે ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.
જમ્મુની ગોલ્ડન ગર્લ તીરંદાજ શીતલ દેવીએ પેરા એશિયાઈ રમતોમાં ઈતિહાસ રચ્યો છે. ચીનના હાંગ્ઝોમાં યોજાયેલા ચોથા એશિયાઈ પેરા રમતોત્સવમાં શીતલ દેવીએ ત્રણ મેડલ જિત્યા છે. જેમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. શીતલ પેરા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે.
શીતલદેવી જમ્મુ કશ્મીરના કિશ્તવાડના લોઈઘર ગામની રહેવાસી છે. વર્ષ 2008માં જ્યારે તેનો જન્મ થયો ત્યારથી તે ફોકોમેલિયા નામની ગંભીર બિમારીનો શિકાર બની ગઈ હતી. આ એક દુર્લભ જન્મજાત બિમારી છે જેના કારણે શરીરના અંગો અવિકસિત રહી જાય છે. શીતલના માતાપિતા ખેતમજૂરી કરીને તેને મોટી કરી છે. તેની માતા ચોખાના ખેતરમાં કામ કરતી હતી, જ્યારે પિતા શાકભાજીના ખેતરમાં મજૂરીએ જતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવા છતાં શીતલ દેવીએ કરી હાર નહોતી માની અને પોતાની મહેનત અને મક્કમ મનોબળના દમખમ પર તેણે પેરા તિરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે ખેતમજૂર માતાપિતાનું નામ પણ રોશન કર્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા શીતલ કહે છે કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે તીરંદાજી કરી શકે છે, પરંતુ કોચ કુલદીપ કુમારે તેની વિચારસરણી બદલી નાખી હતી. તેના એક ફોન કોલ પછી શીતલનું જીવન બદલાઈ ગયું. કોચે શીતલને એકેડમીમાં આવવા અને અન્ય લોકોને શૂટિંગ કરતા જોવાનું કહ્યું. એ પછી તે ઝડપથી આગળ વધી. કોચ તેને નેશનલ ચેમ્પિયનશિપમાં લઈ ગયા. તે ઉત્સાહિત હતી અને ઘણા વિકલાંગ પેરા તીરંદાજોને જોયા તો તેને પણ રમતમાં રસ પડ્યો.
શીતલ દેવીએ આ અઠવાડિયે વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ નથી. અગાઉ તેણે મે મહિનામાં ચેક રિપબ્લિકમાં આયોજિત યુરોપિયન પેરા તીરંદાજી કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પિલ્સનમાં શીતલ સાથે હાજર શ્રાઈન બોર્ડ એકેડમીના કોચ અભિલાષા જણાવે છે કે શીતલ માત્ર છ મહિનામાં જ નિપુણ તીરંદાજ બની ગઈ હતી. તેણે પેરા સિવાય સામાન્ય તીરંદાજો સાથે પણ રમવાનું શરૂ કર્યું.
અભિલાષાના જણાવ્યા અનુસાર શીતલ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પેરા ટૂર્નામેન્ટ બે મહિના પહેલા જ ચેક રિપબ્લિકમાં રમી હતી, જેમાં તેણે બે સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા હતા, પરંતુ પેરિસ પેરાલિમ્પિક્સની ક્વોલિફાઈંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હવે તેણે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
શીતલ દેવીની આ કળાના અનેક લોકોએ વખાણ કર્યા છે, જેમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું નામ પણ સામેલ છે. આનંદ મહિન્દ્રાએ શીતલ દેવીનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, "હું હવે મારા જીવનમાં કદી પણ નાનીમોટી સમસ્યાઓને લઈને ફરિયાદ નહીં કરું. શીતલ દેવી તમે અમારા બધાં માટે એક શિક્ષક છો, મહેરબાની કરીને અમારી કારની શ્રેણીમાંથી કોઈપણ કાર પસંદ કરો અને તમને સન્માનિત કરીશું અને તેને તમારા ઉપયોગ માટે અનુકૂળ બનાવીશું."