નશામાં ધૂત શિક્ષકે કાતર લઈ આદિવાસી વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખી

નશામાં ધૂત એક સરકારી શાળાના શિક્ષકે ક્લાસમાં જ એક આદિવાસી વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતા હવે નશેડી શિક્ષક પર કાર્યવાહી થઈ છે.

નશામાં ધૂત શિક્ષકે કાતર લઈ આદિવાસી વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખી
image credit - Google images

Drunk teacher cuts student's hair: 5મી સપ્ટેમ્બરે આ દેશના સવર્ણોએ સૌ કોઈના માથે થોપી બેસાડેલા 'થિસીસ ચોર' ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાઈ રહ્યો હતો. સૌ શિક્ષકના મહત્વના ગુણગાન ગાઈને આડકતરી રીતે મનુવાદના મૂળિયા મજબૂત કરી રહ્યા હતા. એ જ વખતે એક અંતરિયાળ આદિવાસી સરકારી શાળામાં દારૂના નશામાં ધૂત એક શિક્ષકે માસુમ આદિવાસી વિદ્યાર્થિનીની ક્લાસમાં બધાંની હાજરીમાં જ ચોટલી કાપી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે હવે જિલ્લા કલેક્ટરે નશેડી શિક્ષક સામે કડક પગલાં ભરવાના આદેશ આપ્યા છે અને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે. નશેડી શિક્ષક ધરપકડના ડરથી ઘર છોડીને ફરાર થઈ ગયો છે.

આદિવાસી દીકરી રડતી રહી, દારૂડિયા શિક્ષકે ચોટલી કાપી નાખી

ઘટના આદિવાસીઓ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશ(MP)ની છે. અહીંના રતલામ(Ratlam) જિલ્લાના આદિવાસી વિસ્તાર રાવટી(Rawti)ના સેમલખેડી(Semalkhedi) ગામની પ્રાથમિક શાળા(Primary School) નંબર 2માં શિક્ષક દિવસે જ સમગ્ર શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકી દેતો કિસ્સો સામે આવ્યો હતો. અહીં સહાયક શિક્ષક(Teacher) વીરસિંહ મેંડા(Veer Singh Menda)દારૂના નશામાં ધૂત થઈને શાળામાં આવ્યો હતો. એ પછી તેણે એક આદિવાસી વિદ્યાર્થિની(tribal girl student)ને 'બરાબર ભણતી નથી' એમ કહીને કાતરથી તેના માથાની ચોટલી કાપી નાખી હતી.

વીડિયો વાયરલ થતા તંત્ર એક્શનમાં આવ્યું

શિક્ષકના આવા વર્તનથી હતપ્રભ માસુમ વિદ્યાર્થિની રડવા લાગી હતી. જેને જોઈને અન્ય વિદ્યાર્થીઓ પણ રડવા લાગ્યા હતા. હોબાળો થતા શાળાની બહારથી એક વ્યક્તિ દોડી આવ્યો હતો. તેણે જોયું તો શિક્ષક વીરસિંહ મેંડા હાથમાં કાતર લઈને ઉભો હતો અને જમીન પર આદિવાસી વિદ્યાર્થિનીની કપાયેલી ચોટલી પડી હતી અને વિદ્યાર્થિની રડી રહી હતી. તેની સાથે અન્ય બાળકો પણ રડી રહ્યા હતા.

આ પણ વાંચો: JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે

બહારથી આવેલા શખ્સે આખી ઘટનાનો વીડિયો ઉતારી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તે વાયરલ(Viral video) થયો હતો. એ પછી જિલ્લા શિક્ષણ વિભાગ અને કલેક્ટર સહિતનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને દારૂડિયા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો. જો કે, પોલીસ વીરસિંહને પકડે તે પહેલા જ તે શાળા છોડીને ભાગી ગયો હતો.

માસુમ દીકરીને રડતી જોઈ અન્ય વિદ્યાર્થીઓ પણ રડવા લાગ્યા

ઘટના 4 સપ્ટેમ્બરને બુધવારના રોજ બની હતી પરંતુ મામલો ગુરુવારે શિક્ષક દિને સામે આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે શિક્ષક વીર સિંહ મેંડાના હાથમાં કાતર છે. 5મા ધોરણની વિદ્યાર્થિની તેની પાસે ઉભી છે અને સતત રડી રહી છે. જમીન પર તેની કપાયેલી ચોટલી પડી છે. નજીકમાં અન્ય એક વિદ્યાર્થી પણ ઉભો છે. સ્કૂલ પાસે રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, હું તે સમયે ઘરે હતો. અચાનક શાળાના 5-6 બાળકોની બૂમો સાંભળી. જ્યારે હું અહીં આવ્યો ત્યારે જોયું કે શિક્ષક વીર સિંહ બાળકીના વાળ કાતરથી કાપી રહ્યો હતો. મેં પૂછ્યું તો, તેણે કહ્યું- આ લોકો ભણતા નથી.

કલેક્ટરે દારૂડિયા શિક્ષકને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા

મામલો પ્રકાશમાં આવ્યા બાદ કલેક્ટર રાજેશ બાથમે મદદનીશ કમિશનર (આદિજાતિ જાતિ) રંજના સિંહને તપાસના આદેશ આપ્યા હતા. ગુરુવારે આદિજાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. તેઓએ વિદ્યાર્થિનીનું નિવેદન પણ લીધું હતું. આ દરમિયાન દીકરીએ અધિકારીઓને તેની કાપેલી ચોટલી પણ બતાવી હતી.

ઘટના બાદ રતલામ કલેક્ટરે આરોપી શિક્ષક વીર સિંહને સસ્પેન્ડ કરી દીધો છે. કલેક્ટર રાજેશ બાથમે જણાવ્યું હતું કે, "વીર સિંહે શિક્ષક પદની ગરિમા વિરુદ્ધનું વર્તન કર્યું, જે અસ્વીકાર્ય છે. શિક્ષકનું આવું અભદ્ર વર્તન શિક્ષણના મૂલ્યોની વિરુદ્ધ છે અને આ માટે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે." આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રે શિક્ષક વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેની સામે ફોજદારી કેસ નોંધવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?

આ ઘટના અંગે શિક્ષણ વિભાગે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "શિક્ષક દિવસે આવી ઘટના માત્ર શિક્ષણ જગત માટે જ નહીં પરંતુ સમાજના નૈતિક મૂલ્યો માટે પણ આંચકાજનક છે. આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય."

દારૂડિયો શિક્ષક હજુ ફરાર છે

વીડિયો વાયરલ થયો અને તંત્ર એક્શનમાં આવ્યું ત્યારથી આરોપી શિક્ષક વીર સિંહ મેંડા ફરાર છે. સ્થાનિક પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

બીજી તરફ, વહીવટીતંત્રે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે સુનિશ્ચિત કરશે કે આ ઘટનામાં સામેલ અન્ય કોઈ વ્યક્તિ સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવે. આ ઉપરાંત શાળાના અન્ય સ્ટાફ અને બાળકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાના તમામ પાસાઓ વિશે સાચી માહિતી મેળવી શકાય. શિક્ષણ વિભાગે નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ શિક્ષકના વર્તન પર ઝીણવટભરી નજર રાખવામાં આવે અને આવી ઘટનાઓને રોકવા માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.

આદિવાસી સમાજમાં ભારે રોષ

આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. આદિવાસી કાર્યકર્તા સુનિલ આદિવાસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વહીવટીતંત્ર દ્વારા લેવાયેલ તાત્કાલિક પગલાં ચોક્કસપણે પ્રશંસનીય છે, પરંતુ શિક્ષકોને તેમની જવાબદારી અને ગરિમાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે. જેથી તેઓ પોતાના પદની ગરિમા જાળવી રાખે અને વિદ્યાર્થીઓ માટે એક આદર્શ રજૂ કરી શકે. જિલ્લા તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનામાં હજુ પણ કડક પગલાં ભરવાની અપેક્ષા છે, જેથી ભવિષ્યમાં કોઈ શિક્ષક આવું વર્તન ન કરે."

આ પણ વાંચો: 'આદિવાસીઓ હિંદુ નથી' કહેનાર આદિવાસી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.