'આદિવાસીઓ હિંદુ નથી' કહેનાર આદિવાસી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાયા

"આદિવાસીઓ હિંદુ નથી. તેમણે મંગળસૂત્ર, સિંદૂર, વ્રત, ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ" એવું કહેનાર આદિવાસી શિક્ષિકાને રાજસ્થાન સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.

'આદિવાસીઓ હિંદુ નથી' કહેનાર આદિવાસી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાયા
image credit - Google images

18 જુલાઈએ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આદિવાસી સમાજની મહાન ક્રાંતિના પ્રતિક માનગઢ ધામમાં 'ભીલપ્રદેશ'ના સમર્થનમાં સમસ્ત આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા. આ મહાસંમેલનમાં એક આદિવાસી શિક્ષિકાએ પોતાના ભાષણમાં, "આદિવાસીઓ હિંદુ નથી અને તેની મહિલાઓએ સિંદૂર, મંગળસૂત્ર, વ્રત, ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ." કહીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. તેમનું ભાષણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયું હતું, ખાસ કરીને યુવા આદિવાસીઓમાં તેની જબરજસ્ત અસર થઈ હતી. આ મહિલા એટલે ડુંગરપુરના સરકારી શિક્ષિકા મેનકા ડામોર.

આ ભાષણ વાયરલ થતા જ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે મેનકા ડામોરને શિક્ષિકા તરીકે સસ્પેન્ડ કરી દીધા છે. તેમની નોકરી ડુંગરપુરના સાદડિયા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હતી. જ્યાંથી તેમને સસ્પેન્ડ કરીને મુખ્ય બ્લોક એજ્યુકેશન ઓફિસર તરીકે દૌડાની મુખ્ય કચેરીમાં મોકલી દેવાયા છે.

આ પણ વાંચોઃ JEE માં 824મો રેન્ક મેળવ્યો, છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવવા મજબૂર છે

સરકારી આદેશમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેનકા ડામોરે રાજસ્થાન સરકારના નિયમોનો ભંગ કર્યો છે અને તેમના ભાષણથી શિક્ષણ વિભાગની છબિ ખરડાઈ છે, તેથી આ નિયમ અંતર્ગત ખાતાકીય તપાસ અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવે છે.

મેનકા ડામોરે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મેં કોઈ પણ મહિલાને સિંદૂર કે મંગળસૂત્ર પહેરતા અટકાવી નથી, મારો હેતુ તો સભાને એ સમજાવવાનો હતો કે આદિવાસીઓ હિન્દુ નથી અને અગાઉ આદિવાસી મહિલાઓ સિંદૂર અને મંગળસૂત્ર પહેરતી નહોતી. મને પણ જ્યાં સુધી આ વાતની ખબર નહોતી ત્યાં સુધી હું પણ માથે સિંદૂર લગાવતી હતી અને ગળામાં મંગળસૂત્ર પહેરતી હતી. પણ 2016માં હું આદિવાસી પરિવાર સાથે જોડાઈ ત્યારે મને ખબર પડી કે આ આદિવાસી સંસ્કૃતિ નથી. એ પછી મેં સિંદૂર પુરવાનું અને મંગળસૂત્ર પહેરવાનું બંધ કરી દીધું."

આ પણ વાંચોઃ માથાભારે તત્વોએ બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા

તેઓ આગળ કહે છે, "અમે ક્યારેય શાળાઓમાં હિંદુ દેવી-દેવતાઓની પૂજાનો વિરોધ કર્યો નથી, પણ હમણાં એક શાળામાં જ્યારે બાળકોને ભીલપ્રદેશનું સમૂહ ગીત ગવડાવ્યું ત્યારે ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મેં આ ઘટના અંગે કહ્યું કે, "તમને શરમ આવવી જોઈએ." બસ તેના માટે સરકાર મને ટાર્ગેટ કરી રહી છે અને મારી સામે પગલાં લેવામાં આવ્યા છે. બાકી મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કહ્યું છે અને તેનાથી શિક્ષણ વિભાગની છબીને નુકસાન પહોંચાડ્યું છે."

મેનકા ડામોરે માનગઢના મહાસંમેલનમાં શું કહ્યું હતું?
18 જુલાઈના રોજ માનગઢમાં ભારત આદિવાસી પાર્ટી(BAP) સહિત અનેક આદિવાસી સંગઠનો દ્વારા ભીલપ્રદેશના સમર્થનમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં મેનકા ડામોરે પોતાની સ્પીચથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે કહ્યું હતું, "હું ન તો મંગળસૂત્ર પહેરું છું, ન તો સિંદૂર લગાવું છું, ન કોઈ ઉપવાસ કરું છું. જે પોતે ગોળ ખાતા હોય તેમણે બીજાને ગોળ ન ખાવાની સલાહ ન અપાય. આપણી શાળાઓને દેવી-દેવતાઓનું ઘર બનાવી દેવામાં આવી છે, અનેક તહેવારોની ઉજવણીઓ થાય છે. શાળા શિક્ષણનું કેન્દ્ર છે અને ત્યાં બાળકો માત્ર ભણવા માટે આવે છે, અહીં કોઈ ઉજવણી ન કરવી જોઈએ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ત્રાડ પાડશે."

આ સ્પીચ પછી કેટલાક સંગઠનોએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમનો આક્ષેપ હતો કે મેનકા ડામોરના ભાષણથી શિક્ષણ વિભાગની છબી ખરડાઈ છે. 

આ પણ વાંચોઃ અનામતને કારણે ભલે તું સરપંચ બની ગયો, પણ કામ અમારી મરજી મુજબ થશે

મેનકા ડામોર સંસ્કૃતના શિક્ષિકા છે. માનગઢમાં તેમણે આપેલા ભાષણના સમર્થનમાં તેઓ વધુમાં કહે છે, ઠપહેલા હું પણ હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરતી હતી, મંગળસૂત્ર પહેરતી હતી અને સેંથામાં સિંદૂર પુરતી હતી. પરંતુ છેલ્લાં 5-7 વર્ષથી આદિવાસી પરિવાર સાથે સંપર્કમાં આવ્યા બાદ જ્યારે મને ખબર પડી કે આદિવાસીઓ હિન્દુ નથી ત્યારથી મેં હિંદુ રીતિરિવાજોનું પાલન કરવાનું બંધ કરી દીધું છે, મેં આ વિશે ઘણાં પુસ્તકો વાંચ્યા છે, દસ્તાવેજોમાંથી માહિતી મેળવી છે,એ દરમિયાન મને 5 જાન્યુઆરી 2011ના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે ખબર પડી, જેમાં કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે આદિવાસીઓ હિન્દુ નથી, તે પછી મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને મને સમજાયું કે આદિવાસીઓના મનમાં ખોટી બાબતો ફીટ કરીને તેમના પર હિંદુઓની ધાર્મિક વિધિઓ થોપવામાં આવી રહી છે."

તેઓ આગળ કહે છે, "મને એટલું સમજાઈ ગયું છે કે, શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જેને અપનાવીને આદિવાસી સમાજ જાગૃત થઈ શકે છે અને પોતાના અધિકારોની માંગ કરી શકે છે. મેં કોઈ મહિલાને સિંદૂર કે મંગળસૂત્ર પહેરવાની મનાઈ નથી કરી. તે દિવસના ભાષણના વીડિયો ઉપલબ્ધ છે, તે જોશો તો સમજાશે કે મેં કહ્યું છે કે હું મંગળસૂત્ર નથી પહેરતી કે સિંદૂર નથી લગાવતી અને એમાં કશું ખોટું નથી. આદિવાસી સમાજમાં શિક્ષણનો અભાવ છે અને તેમને શિક્ષણ માટે પ્રેરિત કરવો કોઈપણ રીતે ખોટું નથી. મારા સસ્પેન્શનનો આદેશ ખોટો છે અને તેના માટે હું હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારીઓ કરી રહી છું."

આ પણ વાંચોઃ આદિવાસીઓ હિંદુ છે કે નહીં, તે ડીએનએ તપાસ કરીને ચેક કરાવીશુંઃ રાજસ્થાનના શિક્ષણમંત્રી

મેનકા ડામોરના પતિ ગુજરાતમાં સરકારી શિક્ષક છે અને તેમના બે પુત્રો છે, જે નવમા અને સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ તેમના પુત્રોને પણ શીખવે છે કે તેઓ ધાર્મિક છેતરપિંડીથી દૂર રહે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવે. તેમના બંને પુત્રો પણ માને છે કે તેમની મમ્મીએ કશું ખોટું નથી કર્યું.

મેનકા ડામોરના ભાઈ સમગ્ર મામલાને લઈને રિટ પિટિશનની તૈયારીઓ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે, "તેમની બહેનના સસ્પેન્શનનો આધાર સર્વિસ રૂલ્સ અને આચરણ છે, પણ તેમના બહેને કોઈ અભદ્ર કે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો નથી. જો કોઈ ફરિયાદ હોય તો કાયદા મુજબ શિક્ષણ વિભાગે કારણદર્શક નોટિસ પાઠવવી જોઈએ, તપાસ કરવી જોઈએ અને શિક્ષિકાનો પક્ષ જાણ્યા બાદ કાર્યવાહી થવી જોઈએ. પણ અહીં તો એવી કશી કાર્યવાહી કર્યા વિના સીધો સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે. આ ખોટું છે અને અમે તેને હાઈકોર્ટમાં પડકારવા જઈ રહ્યાં છીએ."

આગળ વાંચોઃ વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dr Paritosh
    Dr Paritosh
    Salute to this lady...damor
    12 months ago
  • Parmar Anil Kumar
    Parmar Anil Kumar
    Teacher Smt.Menka Damor k Sath me Anyaay hua hai Unko SC/ST Commission ki help Leni Chahiye Menka ji ne Kus bhi Galat nahi kiya unke Sath Jaydti hui hai Sub sc/St logo ko help karna chahiye Jai bhim
    12 months ago
  • રજનીકાન્ત
    રજનીકાન્ત
    આ સરકાર મનુવાદી સરકાર છે સરકાર ને કોઈ પણ ભોગે એસ સી.એસ ટી. સમાજ ને પહેલા ની જેમ ગુલામી કરતી જોઈએ છે સરકાર ઇચ્છતી નથી કે આ સમાજ ભણીગણીને આગળ આવે જો તે લોકોને તેમના ઇતિહાસ વિશે ખબર પડે તો તે સરકાર સામે સવાલ કરશે
    12 months ago