ચંપાઈ સોરેનના બળવા પછી JMM નું પતન થઈ જશે? 5 વર્ષમાં 5 પક્ષો તૂટ્યાં

દેશમાં આદિવાસી સમાજના મજબૂત પક્ષની ઓળખ ધરાવતા ઝારખંડ મુક્તિ મોરચા(JMM)માં તડાં પડ્યાં છે. કહેવાય છે કે, JMM હવે NCP, શિવસેનાના માર્ગે છે.

ચંપાઈ સોરેનના બળવા પછી JMM નું પતન થઈ જશે? 5 વર્ષમાં 5 પક્ષો તૂટ્યાં
image credit - Google images

ઝારખંડ મુક્તિ મોરચામાં(JMM)થી ચંપાઈ સોરેન(Champai Soren)ના બળવા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જેએમએમ પણ હવે એનસીપી, શીવસેનાના માર્ગે છે અને પતી જશે. જો ખરેખર એવું થશે તો તે બહુજન રાજનીતિ માટે મોટો ફટકો હશે. આમ પણ દેશમાં આદિવાસી સમાજને કેન્દ્રમાં રાખીને કામ કરતા રાજકીય પક્ષોની કમી છે. એવામાં ઝારખંડ મુક્તિ મોરચામાં તડાં પડશે તો ચોક્કસ તેનો ફાયદો મનુવાદી પક્ષો લેવા પ્રયત્નો કરશે. સરવાળે આદિવાસી સમાજમાં જ ભાગલા પડશે. હાલ ચંપાઈ સોરેન પોતાનો પક્ષ બનાવશે અને ભાજપમાં નહીં જોડાય તેવી વાત ચાલી રહી છે. અહીં બે સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે શા માટે ચંપાઈ સોરેને પાર્ટી સામે બળવો કર્યો? બીજું કે ભારતીય જનતા પાર્ટી ચંપાઈ પ્રત્યે આટલી લાગણી કેમ બચાવી રહી છે? પહેલા સવાલના જવાબમાં ચંપાઈ સોરેને કહ્યું છે કે, તેમનું માન સન્માન જળવાયું નથી એટલે તેઓ પક્ષ છોડી રહ્યાં છે. પણ બીજા સવાલનો જવાબ હજુ આવવાનો બાકી છે.

ચંપાઈ ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્ન સિવાય એક આંકડો ઘણો ચોંકાવનારો છે. આ આંકડો દેશમાં પ્રાદેશિક પક્ષોના ભંગાણ સાથે સંબંધિત છે. છેલ્લા ૫ વર્ષમાં દેશમાં ૫ પ્રાદેશિક પક્ષો તૂટ્યાં છે અને રસપ્રદ રીતે આ પૈકી 4 મામલામાં ભાજપને સીધો ફાયદો થયો છે. વિસ્તારથી સમજીએ.

સૌ પ્રથમ વર્ષ 2018-19માં ઈન્ડિયન નેશનલ લોકદળ તૂટ્યું હતું. તે પારિવારિક કારણોસર થયું હતું. JJPA એ INLD થી અલગ થઈને નવી પાર્ટી બનાવી. ૨૦૨૦માં મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના નેતૃત્વમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. પહેલા આ જૂથ નવો પક્ષ બનવાની ચર્ચા શરૂ થઈ. આખરે સિંધિયાના નેતૃત્વમાં ૨૮ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા.

2021માં બિહારમાં લોક જનશક્તિ પાર્ટી(LJP)માં વિભાજન થયું હતું. આ ભંગાણ પણ પારિવારિક કારણોસર થયું હતું. આ કારણે એલજેપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં ૨૦૨૨માં શિવસેનામાં ભાગલા પડ્યા હતા. એકનાથ શિંદેના નેતૃત્વમાં ૫૬માંથી ૪૦ ધારાસભ્યોએ ઉદ્ધવ વિરુદ્ધ બળવો કર્યો હતો. ૨૦૨૩માં અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો. અજીતના નેતૃત્વમાં ૪૦ ધારાસભ્યો અને એક સાંસદે એનસીપી પર દાવો કર્યો હતો. તેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. 

આ પણ વાંચો: કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ

૨૦૧૮ના અંતમાં ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટીમાં ભંગાણ પડ્યું હતું. પાર્ટીને તોડવાનું કામ અન્ય કોઈએ નહીં પરંતુ તેમના પુત્ર અજય ચૌટાલાએ કર્યું હતું. અજય ચૌટાલાએ તેમના બે પુત્રો સાથે મળીને હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી(JJP)ની રચના કરી. INLDના ભાગલાનો સીધો ફાયદો ભાજપને થયો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ ૧૦ સીટો જીતી હતી. ૨૦૧૪માં તેને માત્ર ૭ બેઠકો મળી હતી INLD ને ૨ અને કોંગ્રેસને એક સીટ મળી હતી.

હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આઈએનએલડીની વોટ બેંક ૩ ભાગમાં વહેંચાઈ ગઈ. તેના ૩ ટકા વોટ ભાજપને, ૧૪ ટકા વોટ જેજેપીને અને ૭ ટકા વોટ કોંગ્રેસને ગયા. બેઠકો પર પણ મતદાનની અસર જોવા મળી હતી. હરિયાણા વિધાનસભામાં જેજેપીને ૧૦, ભાજપને ૪૦ અને કોંગ્રેસને ૩૨ બેઠકો મળી છે. ચૂંટણી બાદ જેજેપીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. બંનેની સરકાર લગભગ ૪ વર્ષ અને ૪ મહિના સુધી ચાલી.

૨૦૨૨માં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં વિભાજન થયું હતું. શિવસેનામાં વિભાજનને કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ. ઉદ્ધવ સરકારના પતન પછી એકનાથ શિંદેએ ભાજપના ૧૦૫ ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તે સમયે શિંદેને ૪૦ ધારાસભ્યોનું સમર્થન હતું. રાજ્યપાલે શિંદેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. શિવસેનામાં ભંગાણનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે.

આ પણ વાંચો: અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો

આ ઘટનાના એક વર્ષ બાદ એનસીપી(NCP)માં ભાગલા પડ્યા હતા. અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના ૪૦ ધારાસભ્યો શરદ પવાર સામે બળવો કરીને અલગ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે એનસીપીમાં વિભાજનથી મહારાષ્ટ્રમાં NDA સરકાર બની ગઈ. એટલું જ નહીં, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં પણ NDAને આનો ફાયદો થયો. 

૨૦૧૮માં જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ ૧૧૪ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. કોંગ્રેસને સરકાર બનાવવા માટે માત્ર ૨ ધારાસભ્યોની જરૂર હતી, જેને BSPએ સમર્થન આપીને ઉકેલી હતી. BSPએ ૨૦૧૮માં ૨ સીટો જીતી હતી. કોંગ્રેસની સરકાર ૧૫ મહિના સુધી સરળતાથી ચાલી, પરંતુ પાર્ટીના જ શક્તિશાળી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાએ કોંગ્રેસ પાસેથી મધ્યપ્રદેશની સત્તા છીનવી લીધી. સિંધિયા સાથે કોંગ્રેસના ૨૮ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જેના કારણે કોંગ્રેસની સરકાર પડી ગઈ. ત્યારબાદ શિવરાજ સિંહના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો. રાજ્યપાલે સંખ્યાના આધારે ભાજપનો દાવો સ્વીકાર્યો. 

હવે ઝારખંડની વાત. અહીં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચંપાઈ સોરેન કોલ્હન વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાં ૧૪ વિધાનસભા બેઠકો છે, જેમાંથી ૧૩ છેલ્લી ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા જીતવામાં આવી હતી. આ વિસ્તારમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. ચંપાઈની મદદથી ભાજપ કોલ્હનમાં પોતાનું મેદાન મજબૂત કરવા માંગે છે. હાલ ભાજપ પાસે કોલ્હનમાં કોઈ મોટો નેતા નથી. અગાઉ આ વિસ્તારમાં ભાજપના ૩ નેતાઓ (રઘુબર દાસ, સરયુ રાય અને લક્ષ્મણ ગિલુઆ) હતા. ગિલુઆનું અવસાન થયું છે, જ્યારે દાસ રાજ્યના રાજકારણમાંથી બહાર છે અને સરયુ રાય ભાજપ છોડીને JDUમાં જોડાઈ ગયા છે. સૂત્રોના મતે, ભાજપ ચંપાઈ સોરેનને પક્ષમાં સામેલ કરવા માંગતી હતી, પણ ચંપાઈ ધાર્યા કરતા વધુ હોંશિયાર નીકળ્યા અને તેમણે ભાજપમાં જોડાવાને બદલે પોતાનો પક્ષ સ્થાપીને સ્વયંનું સ્થાન મજબૂત કરવાનું નક્કી કર્યું છે, જેથી આગળ જતા કોઈની પણ સાથે હાથ મિલાવીને ધાર્યું નિશાન પાર પાડી શકાય. ચંપાઈના મનમાં જે પણ ચાલતું હોય, પણ તેનાથી આદિવાસી સમાજના મતોમાં ભાગલા પડશે અને સરવાળે આદિવાસી-બહુજન રાજનીતિને નુકસાન થશે તે નક્કી છે.

આ પણ વાંચો: હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.