9 વર્ષની આદિવાસી બાળકીના હત્યારાને કોર્ટે ફાંસીની સજા ફટકારી
કમલેશ રાજપૂત નામના આરોપીએ 8 વર્ષની માસુમ આદિવાસી બાળકી પર રેપ કરી તેની ટુકડા કરીને હત્યા કરી નાખી હતી.
કાયદો જ્યારે યોગ્ય રીતે તેનું કામ કરે ત્યારે કેટલો જડબેસલાક ન્યાય મળતો હોય છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક આદિવાસી બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાખનાર આરોપીને પોક્સો કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. એટલું જ નહીં, આ હત્યા બાદ પુરાવા છુપાવવામાં મદદ કરનાર આરોપીના માતાપિતાને પણ કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે.
રાજસ્થાનના ઉદયપુરના માવલીની ઘટના
ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. અહીં માવલી વિસ્તારમાં 8 વર્ષની આદિવાસી બાળકી પર બળાત્કાર કરી તેના ટુકડા કરીને હત્યા કરી નાખવાના કેસમાં સ્પેશિયલ POCSO-2 કોર્ટે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપી કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે પુરાવા છુપાવવામાં મદદ કરવા બદલ તેના માતા-પિતાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
જજ સંજય ભટનાગરની કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સૈયદ હુસૈનના જણાવ્યાનુસાર કોર્ટે આ કેસમાં નક્કર પુરાવાના આધારે આ નિર્ણય આપ્યો છે. આરોપીના માતા-પિતા કિશન કંવર અને રામ સિંહને પણ ગુનામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
પોલીસે તરત કાર્યવાહી કરી ચાર્જશીટ દાખલ કરી હતી
કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ગુનેગાર કમલેશ રાજપૂતે મીડિયા સામે પોતે નિર્દોષ હોવાનું કહીને હોબાળો મચાવી પોલીસે તેના પર દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તમામ પુરાવા અને જુબાનીના આધારે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.
આ મામલો માત્ર ઉદયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નિર્ણયથી સગીરો સામે અપરાધ કરનારાઓને કડક મેસેજ ગયો છે. પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી.
ઘટના શું હતી?
21 વર્ષના આરોપી કમલેશ રાજપૂતે 29 માર્ચ 2023ના રોજ પડોશમાં રહેતી 9 વર્ષની આદિવાસી બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી તેણી પર બળાત્કાર ગુજરાતીને પછી હત્યા કરી દીધી હતી. એ પછી પોતાના જ ઘરમાં તીક્ષ્ણ હથિયાર વડે બાળકીના શરીરના 10 ટુકડા કરી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના માતા-પિતાએ પણ આ જઘન્ય ગુનામાં તેમના પુત્રનો સાથ આપ્યો હતો. આરોપીએ જ્યાં સુધી બાળકીના શરીરના ટુકડાને કોથળામાં ભરીને ઘરમાં સંતાડી ન દીધાં ત્યાં સુધી તેના માતાપિતાએ તેને સાથ આપ્યો હતો.
હત્યા બાદ આરોપીઓ બાળકીને શોધવામાં જોડાઈ ગયા
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ બાળકીની હત્યા કર્યા બાદ તેના પરિવાર સાથે શોધખોળમાં જોડાઈ ગયા હતા, જેથી કોઈને શંકા ન જાય. બાળકીનો પરિવાર અને ગામલોકો દીકરીને શોધતા રહ્યા પણ કોઈ પત્તો મળ્યો નહોતો. બીજી તરફ બાળકીની હત્યા કરીને પોતાના જ ઘરમાં તેની લાશના ટુકડા છુપાવીને બેઠેલો આ પરિવાર સમગ્ર મામલે અજાણ હોવાનો ઢોંગ કરતો રહ્યો હતો.
મૃતદેહમાંથી ગંધ આવતા ગામના ખંડેરમાં ફેંકી આવ્યા
આરોપીઓ બાળકીના ગુમ થયા પછી તેના મૃતદેહના ટુકડા પોતાના ઘરમાં છુપાવીને બેઠા હોવા છતાં અજાણ્યા હોવાનો ડોળ કરતા હતા પણ જ્યારે મૃતદેહના ટુકડામાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે તેઓ તેને ગામની બહાર આવેલા એક ખંડેરમાં ફેંકી આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે 1 એપ્રિલના રોજ ખંડેરમાંથી આ મૃતદેહના ટુકડા મળી આવ્યા.
મૃતદેહ મળ્યા બાદ પોલીસે સૌથી પહેલા હત્યારા કમલેશ રાજપૂતની ધરપકડ કરી હતી. બાદમાં તેના માતા-પિતાની પણ સંડોવણી બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ઘરેથી બાળકીની હત્યા માટે વપરાયેલ છરી પણ મળી આવી હતી.
આદિવાસી-દલિત સમાજ રોષે ભરાયો હતો
આ હત્યાકાંડને લઈને સમગ્ર રાજસ્થાનમાં આદિવાસી-દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આદિવાસી અને દલિત સંગઠનો ઉપરાંત ઘણા યુનિયનો અને સામાજિક સંગઠનોએ બાળકી માટે ન્યાયની માંગ કરી હતી. ભીમ આર્મી ઉદયપુર અને અખિલ ભારતીય આદિવાસી મહાસભા માવલીના બેનર હેઠળ સેંકડો લોકોએ ઉદયપુર જિલ્લા મુખ્ય મથક ખાતે આક્રોશ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન બહુજન સંગઠનોએ મુખ્યમંત્રીના નામે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને માવલીના સબ-ડિવિઝનલ ઓફિસરને આવેદનપત્રો પણ આપ્યા હતા.
આ તમામ સંગઠનોના આંદોલન અને મહેનત રંગ લાવી છે અને આજે આરોપી કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવાઈ છે. સાથે જ તેના માતાપિતાને પણ 4 વર્ષની જેલ ફટકારાઈ છે.
આ પણ વાંચો: ડભોઈમાં આદિવાસી સગીરા પર માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું