પપ્પા..હું નહીં બચું...નહીં બચું...

ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂર પરિવારની 10 વર્ષની દીકરી પર પડોશી નરાધમે બળાત્કાર ગુજારતા માસુમ દીકરી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.

પપ્પા..હું નહીં બચું...નહીં બચું...
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

Ten-year-old girl raped by neighbor in Bharuch's Zaghadiya GIDC: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. ઝારખંડથી પેટિયું રળવા ઝઘડિયા આવેલા મજૂર પરિવારની માસુમ પર બાજુમાં જ રહેતા 36 વર્ષના હવસખોરે એકલતાનો લાભ લઈ બળાત્કાર કર્યો હતો. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે 10 વર્ષની માસુમ દીકરી પપ્પા હું નહીં બચું...એમ કહીને જીવનમરણ વચ્ચે દવાખાનામાં ઝોલાં ખાઈ રહી છે.

શું બન્યું હતું?
ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યાં છે. માતાપિતા મજૂરીએ ગયા હતા ત્યારે પોતાના ઘર નજીક રમી રહેલી 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ કૂદાવીને ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમની વિકૃતતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માસુમ દર્દથી કણસી રહી હોવા છતાં તેણે જરાય દયા દાખવ્યા વિના પોતાની હવસ સંતોષી હતી. બાળકીના હોઠ પણ તેણે કરડી ખાધા હતા અને ચહેરો પર પથ્થરમારીને વિકૃત કરી નાખ્યો હતો. એ પછી તે બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.

સારવાર કરનાર ડોક્ટરોના હાથ પણ ધ્રુજી ઉઠ્યાં
બાળકી સાથે કઈ હદે વિકૃતતા દાખવવામાં આવી છે તે તેના પરથી પણ સમજી શકાય છે કે, તેની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજી ઉઠ્યા હતા. બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી પોતાના ઘરની  દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. એ દરમિયાન ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા ધ્રુજી ઉઠ્યાં હતા. દરમિયાન બાળકીને વધુ સારવારની જરૂર પડતાં તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસે નરાધમને ઝડપી પાડ્યો
આ બાજુ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો અને તેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકીની તબિયત સ્થિર છેઃ ડોક્ટર
આ તરફ વડોદરા હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, હાલ બાળકીની તબિયત સ્થિર છે અને તેને આરામની જરૂર છે. બીજી તરફ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપી પણ ઝારખંડનો રહેવાસી છે અને બાળકીની બાજુમાં જ રહેતો હતો અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આદિવાસી મહિલાની છેડતી કરી યુવકે તેના મોંમાં માનવમળ ઠૂંસી દીધું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.