બેરોજગારોમાં 80 ટકા યુવાનો છતાં મંત્રીજીએ કહ્યું દેશમાં નોકરીની ઘટ નથી
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટમાં ભારતના 80 ટકા યુવાનો બેકાર હોવાનું સામે આવ્યું છે, પણ કેન્દ્ર સરકારના ગુજરાતી મંત્રી કહે છે કે દેશમાં નોકરીની અછત નથી.
લોકસભાની ચૂંટણી પહેલા જ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે દેશના બેરોજગારોમાં 80 ટકા યુવાનો છે. આ મામલો ચૂંટણીમાં પણ છવાયેલો રહ્યો હતો અને યુવાનોમાં તેને લઈને ભારે આક્રોશ છે ત્યારે કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ સાવ જુદી જ વાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને યુવાનોને ભરમાવવામાં આવી રહ્યા છે.
મનસુખ માંડવિયાએ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પર ઉપલબ્ધ ૧૯ લાખથી વધુ રોજગારની તકો હોવાનો દાવો કરતાં લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે.
ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે રોજગાર સર્જન માટે અનેક યોજનાઓ જાહેર કરી છે અને હવે બેરોજગારી દર ઘટી ૩.૨ ટકા થયો છે. તેમણે દાવો કર્યો હતો કે, ભવિષ્યમાં આ દર ૩ ટકાથી પણ ઘટવાની શક્યતા છે.
આ પણ વાંચો: કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ દેશની અર્થવ્યવસ્થા 7 થી 8 ટકાના દરે વધે છે, તો તેની પાછળ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ, ઉત્પાદન ક્ષમતામાં વધારો જવાબદાર હોય છે. આ બધું વધી રહ્યું હોય તો રોજગારની તકો પણ વધે છે. તેથી ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પર ૧૯ લાખ નોકરીઓ માટે લોકોએ પોસ્ટ મૂકી છે, જેના પર જઈને યુવાનો અરજી કરી શકે છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, જે ભારતના આર્થિક દ્રષ્ટિકોણને પડકારે છે. વિવિધ કાર્યબળ ધરાવતા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો પૈકી એક એવા ભારતમાં બેરોજગારી દરમાં ઉતાર-ચડાવ દેશના વિકાસ અને વૃદ્ધિ પર અસરો કરે છે.
ભારતમાં વર્તમાન બેરોજગારીના દરના સવાલમાં જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, તમારા પરિવારમાં કોઈને પણ નોકરી જોઈએ, તો જો તે યોગ્યતા ધરાવતા હશે તો મળશે. દેશમાં નોકરીઓની કોઈ અછત નથી. પહેલા બેરોજગારી દર ૬ ટકા હતો. આજે ઘટી ૩.૨ ટકા થયો છે. જે ભવિષ્યમાં ૩ ટકાથી વધુ ઘટશે. લોકોને ભ્રમમાં નાખવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?