ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો
હરિયાણામાં ચૂંટણી સભાને સંબોધન કરવા જઈ રહેલા ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજાણ્યા તત્વોએ પથ્થર મારો કરતા હોબાળો મચી ગયો છે.

હરિયાણાના પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને ભીમ આર્મી ચીફ અને નગીનાના સાંસદ ચંદ્રશેખરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની આ ઘટના જીંદ જિલ્લાના ઉચાના કલાં વિસ્તારમાં બની હતી. દુષ્યંત ચૌટાલા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ દુષ્યંત ચૌટાલાના સમર્થનમાં રોડ શો કરવા પહોંચ્યા હતા. સોમવારે મોડી સાંજે જ્યારે આ બંને યુવા નેતાઓનો કાફલો અહીં પ્રચાર કરી રહ્યો હતો ત્યારે કોઈએ પથ્થરમારો કરતાં ચંદ્રશેખરની કારનો કાચ તૂટી ગયો હતો.
ભીમ આર્મીના કાર્યકરો ઉમટી પડ્યાં
દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરના કાફલા પર હુમલાના સમાચાર મળતા જ તેમના સમર્થકો સ્થળ પર પહોંચી ગયા હતા અને હોબાળોનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ દરમિયાન દુષ્યંત ચૌટાલા અને ઉચાના પોલીસ સ્ટેશનના એસએચઓ વચ્ચે ચકમક ઝરી હોવાના સમાચાર પણ આવ્યા છે.
હુમલાખોરોને વહેલી તકે પકડો
દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદે પોલીસને કહ્યું કે તેઓ હુમલાખોરોની બને એટલી જલ્દી ધરપકડ કરે. જોકે આ હુમલામાં આ બંને નેતાઓને કોઈ ઈજા થઈ નથી. દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરના કાફલા પર હુમલાના આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ફેલાઈ ગયા હતા. હુમલા બાદ ચંદ્રશેખર આઝાદ બીજી કારમાં આગળ વધ્યા હતા.
જેજેપી આઝાદ સમાજ પાર્ટીનું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે જેજેપી(JJP) અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી જેજેપી 70 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) 20 સીટો પર ચૂંટણી લડી રહી છે. હરિયાણામાં જેજેપીની આ બીજી વિધાનસભા ચૂંટણી છે જ્યારે આઝાદ સમાજ પાર્ટી હરિયાણામાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે.
પહેલીવાર બંને પક્ષ સાથે ચૂંટણી લડી રહ્યાં છે
દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદ બંને રાજકારણમાં નવા છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં બંનેએ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી છે. દુષ્યંત ચૌટાલા માત્ર 26 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીત્યા અને 31 વર્ષની વયે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી બન્યા.
ચંદ્રશેખર આઝાદે છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાથી લઈને સડક સુધી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. BSPના સ્થાપક માન્યવર કાંશીરામને પોતાના આદર્શ માનતા ચંદ્રશેખરે 2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠક પરથી મોટી જીત નોંધાવીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા હતા. તેઓ 1.5 લાખથી વધુ મતોથી જીત્યા હતા.
બીએસપીનું અભય ચૌટાલા સાથે ગઠબંધન
બીજી તરફ દુષ્યંત ચૌટાલાના કાકા અભય ચૌટાલા (INLD) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BSP સાથે ગઠબંધન કર્યું છે. હાલ બસપાના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ બસપા સુપ્રીમો માયાવતી હરિયાણામાં ભારે મહેનત કરી રહ્યાં છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે.
આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?