હવે સવર્ણો પણ ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરવા લાગ્યા?
અત્યાર સુધી ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈનું કામ માત્ર દલિતોએ કરવું પડતું હતું. પણ સરકારના આંકડાઓ પ્રમાણે હવે સવર્ણો પણ આ કામ કરવા લાગ્યા છે. વાંચો આ રિપોર્ટ.
મોદી સરકારની દેન એવી મોંઘવારી, બેરોજગારીની અસર હવે તેમના માનીતા સવર્ણો પર પણ પડી છે. હાલમાં જ શહેરોમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈને લઈને એક દેશ વ્યાપી રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, આ કામમાં જનરલ કેટેગરીના વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં છે.
જાતિવાદની ધરી પર ઉભેલા ભારત દેશમાં અત્યાર સુધી સામાન્ય રીતે ગટર સહિતની સાફસફાઈમાં સો ટકા એસસી, એસટી સમાજના લોકો જ રહેતા હતા. પણ હવે તેમાં જનરલ કેટેગરીના લોકો પણ જોડાયા છે અને આ આંકડો નાનોસૂનો પણ નથી.
ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈમાં સવર્ણોની ભાગીદારી કેટલી?
વર્ષ 2018માં મેન્યુઅલ સફાઈ કામદારોના ડેટામાં 43,797 લોકોમાંથી, 97.2% અનુસૂચિત જાતિ (SC) સમાજના હતા. જ્યારે ST, OBC અને અન્ય સમુદાયના લોકો લગભગ 1-1% હતા. પણ હાલ સામે આવેલા નવા રિપોર્ટમાં કેટલીક આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. એ મુજબ હવે મેન્યુઅલ સફાઈ કામદારોમાં 68.9 ટકા અનુસૂચિત જાતિના, 8.3 ટકા અનુસૂચિત જનજાતિના, 14.7 ટકા OBC છે. સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે, આ કામ કરતા લોકોમાં જનરલ કેટેગરીના લોકોની સંખ્યા 8 ટકા હોવાનું સામે આવ્યું છે. જી હા, ભારતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામમાં છેલ્લાં પાંચ વર્ષમાં સવર્ણોની ભાગીદારી
1 ટકાથી વધીને 8 ટકાએ પહોંચી ગઈ છે.
સૂત્રોના મતે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સતત નોકરીઓમાં કાપ, વધતી જતી મોંઘવારી, બેરોજગારીની અસર સવર્ણો પર પણ પડી છે અને તેઓ પણ હવે સફાઈકર્મી તરીકે કામ કરવા લાગ્યા છે.
5 વર્ષમાં ગટર-સેપ્ટિક ટેંકની સફાઈમાં 377 લોકોના મોત
સફાઈ કામદારોની ગણતરી પ્રથમ વખત કરવામાં આવી છે. આ માટે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 3000 થી વધુ શહેરી સ્થાયી સંસ્થાઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. ડેટામાં એ પણ સામે આવ્યું કે, 2019થી 2023 ની વચ્ચે સંસદમાં રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર, ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ઓછામાં ઓછા 377 લોકો મૃત્યુ પામ્યા હતા દરમિયાન થયું હતું.
આંકડાઓ પર નજર કરીએ તો સફાઈ કામદારોમાં 68.9 ટકા અનુસૂચિત જાતિના, 8.3 ટકા અનુસૂચિત જનજાતિના, 14.7 ટકા OBC છે. જ્યારે જનરલ કેટેગરીના લોકોની સંખ્યા 8 ટકા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો સૌ કોઈને ચોંકાવી રહ્યો છે. કેમ કે, સવર્ણો આ કામને કાયમ નીચલા સ્તરનું ગણતા આવ્યા છે. હવે તેઓ પણ તેને સ્વીકારી રહ્યાં છે, જે સારી બાબત છે.
મલ્લિકાર્જુન ખડગેએ આકરું નિવેદન આપ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને આ આંકડા આપ્યા છે. ખડગેએ કહ્યું કે, "ભાજપ એટલા માટે જાતિ ગણતરીની વિરુદ્ધ છે, કારણ કે તેનાથી એ ખબર પડી જશે કે SC, ST, OBC, EWS અને અન્ય તમામ વર્ગો શું શું કામ કરીને પોતાનું જીવન જીવી રહ્યાં છે અને તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ શું છે?
NAMASTE કાર્યક્રમ હેઠળ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો (SSWs) ની પ્રોફાઇલિંગ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગટરના કામને યાંત્રિક બનાવવાનો અને જોખમી સફાઈ કામ દરમિયાન થતા મોતને રોકવાનો છે. મેન્યુઅલ સ્કેવેંજર્સના પુનર્વસન માટે આ યોજના સ્વ-રોજગાર યોજના (SRMS) ની જગ્યાએ લાવવામાં આવી હતી.
યોજનાની શરૂઆતના એક વર્ષ પછી 3,326 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) એ ગટર અને સેપ્ટિક ટાંકીના સફાઈકર્મીઓની પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરી હતી અને લગભગ 38,000 કર્મચારીઓની પ્રોફાઇલ તૈયાર કરી હતી.
સરકારની હાસ્યાસ્પદ વાત - હવે મેન્યુઅલ સ્કેવેન્જિંગ નથી થઈ રહ્યું
NAMASTE કાર્યક્રમ પહેલા જે SRMS યોજના લાગુ કરવામાં આવી હતી, તે અંતર્ગત વર્ષ 2018 સુધી કેન્દ્ર સરકારે 58,098 મેન્યુઅલ સફાઈ કામદારોની ઓળખ કરી હતી. સરકારનું કહેવું છે કે આ પછી અન્ય કોઈ મેન્યુઅલ સફાઈ કામદારો મળ્યા નથી. સરકાર એમ પણ કહે છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગની 6,500 થી વધુ ફરિયાદોમાંથી કોઈની પણ ચકાસણી થઈ શકી નથી.
ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલા મેન્યુઅલ સફાઈ કામદારોના ડેટામાં, 43,797 લોકોમાંથી, 97.2% અનુસૂચિત જાતિ (SC) સમાજના હતા. જ્યારે ST, OBC અને અન્ય સમુદાયના લોકો લગભગ 1-1% હતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઉતરેલા લોકોના ઝેરી ગેસના કારણે ગૂંગળામણને કારણે મોત થયા છે. આવી ઘટનાઓમાં મોતના મામલા સોશિયલ મીડિયામાં ગાજતા રહે છે, પણ પછી આગળ કશું થતું નથી.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હવે દેશભરમાં સમાપ્ત થઈ ગયું છે. પરંતુ દેશભરમાંથી સામે આવી રહેલી આવી ઘટનાઓ કેન્દ્ર સરકારના દાવાઓ પર સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો: સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
રમેશ વડાવીયાસવર્ણો આ કામ માં સુપરવાઈઝરની ભુમિકા અથવા ઠેકેદાર ની ભૂમિકા માં જોવા મળે છે, માટે સર્વે માં ભુલ હોઈ શકે
-
Sandipkumar Mukeshbhai Parmarજનરલ કેટેગરીના લોકોના નોકરીમાં ફક્ત નામ જ ચાલતા હશે. કામગીરી તો જે કરતા આવ્યા છે તે લોકો જ કરે છે.????
-
રમેશ વડાવીયા9909983522
-