આંધ્રપ્રદેશમાં સીધીકાંડ જેવી ઘટનાઃ 6 લોકોએ દલિત યુવકને માર મારી માથે પેશાબ કર્યો

આંધ્રપ્રદેશમાં સીધીકાંડ જેવી ઘટનાઃ 6 લોકોએ દલિત યુવકને માર મારી માથે પેશાબ કર્યો

મધ્યપ્રદેશના સીધી પેશાબકાંડની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં એવી જ એક ઘટના આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં સામે આવી છે. જ્યાં છ લોકોએ કથિત રીતે એક દલિત યુવક પર હુમલો કરીને તેના પર પેશાબ કર્યો હતો. દલિત યુવકની ઓળખ શ્યામ કુમાર તરીકે થઈ છે અને પોલીસે બિનજામીનપાત્ર FIR નોંધી તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટના પ્રકાશમાં આવ્યા પછી, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અનુસૂચિત જાતિ (એસસી) સેલ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનનું આયોજન ટીડીપી એસસી સેલના પ્રમુખ એમએમએસ રાજુ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાંચીકાચરલા પાસે હાઇવે બ્લોક કર્યો હતો. આ દરમિયાન વિરોધીઓ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવતા જોવા મળ્યા હતા.

ટીડીપી એસસી સેલના પ્રમુખે મીડિયા સાથે વાત કરતા કહ્યું મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના શાસનમાં દલિતો પર હુમલા વધ્યા છે. રાજ્યમાં દલિતો પર અનેક હુમલાઓ થઈ રહ્યા છે. શ્યામ કુમાર નામના યુવાન પર શાસક પક્ષના અનુયાયીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા હતા અને દલિત છોકરા પર નિર્દયતાથી હુમલો કર્યા પછી પણ તે બહાર ફરતા રહ્યા હતા.

એમએમએસ રાજુએ વધુમાં કહ્યું કે, ડોક્ટરોએ સલાહ આપી છે કે શ્યામના જડબાનું ઓપરેશન કરવું પડશે અને તેમાં ત્રણ દિવસનો સમય લાગશે.' દલિતો પરના હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામને સજા મળવી જોઈએ.

વિજયવાડા શહેર પોલીસ કમિશનર(SP) કાંતિ રાણા ટાટાએ જણાવ્યું હતું કે, કાંચીકાચરલા ગામના રહેવાસી શ્યામ કુમાર નામના દલિત યુવક પર તેના જૂના મિત્ર હરીશ રેડ્ડી અને અન્ય પાંચ લોકોએ હુમલો કર્યો હતો. હરીશ રેડ્ડીએ શ્યામ કુમારને શિવસાઈ વિસ્તારમાં બોલાવ્યો અને અન્ય પાંચ લોકોની મદદથી તેને બળજબરીથી કારમાં ધકેલી દીધો અને ગુંટુર લઈ ગય હતા. આ દરમિયાન તેને કારની અંદર બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો.અને પછી તેના પર પેશાબ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવશે.

આ પણ વાંચો:ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.