આજે અમદાવાદમાં 'અનામત બચાવો મહાસંમેલન', ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર

અમદાવાદના ચાંદખેડામાં આજે "અનામત બચાવો મહાસંમેલન" યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી લાખો દલિતો ઉમટી પડવાના છે.

આજે અમદાવાદમાં 'અનામત બચાવો મહાસંમેલન', ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર
image credit - Google images

સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ કોઈપણ પ્રકારના સંશોધન વિના જારી કરી દીધેલા એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણ અને અનુસૂચિત જાતિમાં પણ ક્રિમીલેયર દાખલ કરવાના ચૂકાદા વિરુદ્ધ આજે અમદાવાદમાં સમસ્ત એસસી, એસટી સમાજ દ્વારા અનામત બચાવો મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે.

અનામત બચાવો આંદોલન સમિતિ ગુજરાત દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં ગુજરાતના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં દલિતો, આદિવાસીઓ પોતાની અનામતને બચાવવા માટે જંગે ચડશે. આ મહાસંમેલનને લઈને છેલ્લાં ઘણાં દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ગુજરાતના છેવાડાના ગામ સુધી સમિતિના આગેવાનો, સભ્યો અને કાર્યકરો ફરી વળ્યાં હતા અને અનામતને બચાવવા માટે લડવા સમાજને તૈયાર કરી રહ્યા હતા. જેની એક જબરજસ્ત હવા અમદાવાદના બહુજન સમાજમાં ઘણાં દિવસોથી જોવા મળી રહી હતી. એસસી, એસટી સમાજના લોકોમાં ભારે આક્રોષ છે અને તેઓ કોઈપણ ભોગે બંધારણીય રીતે તેમને મળેલી અનામતને ઉની આંચ પણ આવે તે ચલાવી લેવાના મૂડમાં નથી. આંદોલનની આ આગ આવતા દિવસોમાં વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તો જરાય નવાઈ નહીં લાગે.

અનામત બચાવો મહાસંમેલનને લઈને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન સર્કલ, વીરમાયા રોડ પર મોટું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યે આ મહાસંમેલન ચાલુ થઈ જવાનું હોવાથી ગુજરાતભરમાંથી અનેક ભીમયોદ્ધાઓ ગઈકાલથી જ અહીં પોતાના સાથીઓ સાથે આવી ધામા નાખી દીધાં છે. તેમની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને કોલેજિયન યુવતીઓ પણ જોડાઈ રહી છે. આ સિવાય બહુજન સમાજ માટે આંદોલન કરી ચૂકેલા અનેક પીઢ લોકો પણ હાજર રહેશે. આ બધું જોતા આજે ચાંદખેડા તરફનો આખો વિસ્તાર અને અમદાવાદની તમામ દલિત વસ્તીઓ આજે બહુજન ક્રાંતિના વાદળી રંગે રંગાવા તૈયાર થઈ ગઈ છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો

અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા એક જાહેર પત્રિકા પણ તૈયાર કરવામાં આવી છે. જે છેલ્લાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયામાં ફરી રહી છે. એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પત્રિકામાં સુપ્રીમ કોર્ટના ચૂકાદમાં વાંધાજનક શું છે, તેને લઈને વિસ્તારથી છણાવટ કરવામાં આવેલી છે. આ પત્રિકામાં સમિતિના સંપર્ક નંબરો પણ આપવામાં આવ્યા છે.

"અનામતની રક્ષા કરજે મારા વીરા" જબરજસ્ત વાયરલ થયું

બહુજન સમાજે આ વખતે આંદોલનમાં મનુવાદી વિચારધારાને પોતાની તરફે કેવો સ્માર્ટ ઉપયોગ કર્યો છે તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે. આયોજકો દ્વારા સોશિયલ મીડિયામાં રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બહેનોને અપીલ કરે તેવું એક સ્લોગન તૈયાર કરીને રાખડી બાંધવાના વિચારને અનામતની રક્ષા સાથે જોડ્યો છે. "અનામતની રક્ષા કરજે મારા" આ સ્લોગન સાથેનું બેનર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. વધુને વધુ યુઝર્સ આ બેનરને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી રહ્યાં છે અને તેને ફોરવર્ડ પણ કરી રહ્યાં છે. જેના કારણે આ વિચાર ફેસબૂક જેવા માધ્યમમાં રીતસરનો છવાઈ ગયો છે.

આ બેનરમાં અપીલ કરવામાં આવી છે કે, "અનામત બચાવવા માટે આ રક્ષાબંધને સમાજની બહેનો તમારા ભાઈને રાખડી બાંધતી વખતે ભેટની સાથે એક વચન ચોક્કસ લેજો કે, અનામતની રક્ષા કરજે મારા વીરા." આંદોલનકારીઓનો આ આઈડિયા જોરદાર રીતે સફળ થયો છે અને વધુને વધુ લોકોને અપીલ કરી રહ્યો છે, જેની એક અસર પણ આંદોલન દરમિયાન જોવા મળશે.
આ મહાસંમેલનમાં વર્ષ 1981-85ના અનામત વિરોધી રમખાણોમાં અનામત બચાવવાની મુહિમમાં અનુસૂચિત જાતિ સમાજનું મજબૂત રીતે નેતૃત્વ કરનાર બે વડીલો વાલજીભાઈ પટેલ અને ડૉ. નીતિન ગુર્જર જૈફ વયે પણ હાજર રહીને સમાજને માર્ગદર્શન આપશે. તેઓ છેલ્લાં ઘણાં દિવસોથી સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું એનાલિસીસ કરી રહ્યાં હતા અને હવે તેઓ તેમના તારણો અને તેનાથી બહુજન સમાજને કેટલી ઘાતક અસર પડશે તેના વિશે વિસ્તારથી વાત કરશે.

અનામત બચાવો આંદોલન સમિતિ ગુજરાતના આ મહાઆંદોલનમાં એક્ટિવિસ્ટ રાજુ સોલંકી, એડ. પંકજ ઝાપડીયા, એડ. અશોક ચાવડા, પી.એલ. રાઠોડ, કે ડી પરમાર, મહેશ જી. પરમાર, જયેશ શાહ, એડ. નરેન્દ્ર સોલંકી, એડ. રત્ના વોરા, નિરંજન ઘોષ, અશ્વિન ટુંડીયા, રશ્મિકાંત ભારતીય, ત્રિભોવન વાઘેલા, જે.કે. ચૌહાણ, મોહન રાખૈયા, પ્રિયાંક લેઉવા, જશુ કુચરા, દયારામ બેંકર, દિલીપ રાઠોડ, રાજેશ નાડિયા, જે.બી. સોલંકી, જગદીશ સોલંકી, પ્રકાશ રામી, કનુ સુમરા, ડી.સી. સોલંકી, મહેશ રાઠોડ, હસમુખ ચાવડા, કલ્યાણ રાઠોડ, હેમંત રાઠોડ, સચિન સોનીબહેન, યશ મકવાણા, ફેનિલ મેવાડા, કમલ સોનારા, કલ્પેશ સોલંકી, જગદીશ પરમાર, નિરવ સેંઘલ અને જીતેન્દ્રકુમાર પરમારની વિશાળ ટીમનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ તમામ તાકાત કામે લગાડી દઈને આ મહાસંમેલનને સફળ બનાવવા માટે કમર કરી લીધી છે. જો તમે પણ આજે અમદાવાદમાં છો, તો ચોક્કસ બપોરે 1.00 વાગ્યે ચાંદખેડા સ્થિત સંવિધાન સર્કલે પહોંચીને દલિત, આદિવાસી સમાજ માટે અસ્તિત્વની આ લડાઈમાં જોડાઈને ચોક્કસ યોગદાન આપી શકો છો.

આ પણ વાંચો: કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.