રાજસ્થાનમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં 14થી 22 વર્ષના 7 યુવકોના મોત
રાજસ્થાનના એક ગામમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં સાત યુવકોના મોત થઈ ગયા છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના શ્રીનગર ગામ પાસે વહેતી બાણગંગા નદીમાં સ્નાન કરતી વખતે રીલ બનાવવી કેટલાક યુવાનોને ભારે પડી ગઈ. અહીં નદીમાં ડૂબી જવાથી 7 યુવાનોનાં કરૂણ મોત થયા છે. મૃતકોમાં કેટલાક સગીરો પણ સામેલ છે. ઘટના દરમિયાન એક યુવકે જેમતેમ કરીને પાણીમાંથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો હતો. મૃતકોમાં ત્રણ પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અહીં અનેક ગામોમાં પાણી ભરાયા છે અને નદીઓમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે.
વિકાસ અધિકારી નરેન્દ્ર સિંહ ગુર્જરના જણાવ્યા પ્રમાણે સવારે 8 યુવકો બાણગંગા નદીમાં નહાવા માટે ગયા હતા. એક પછી એક બધાં નહાવા માટે તેમાં પડ્યાં હતા. એ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા બધાં તેમાં તણાઈને ડૂબવા લાગ્યા હતા. કોઈક રીતે એક યુવક બહાર આવ્યો. પાણીમાંથી બહાર આવેલા યુવકે ગામના લોકોને ઘટનાની જાણ કરી હતી, જે બાદ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તમામના મૃતદેહ એક જ જગ્યાએથી મળી આવ્યા હતા. પાંચ મૃતદેહોને નજીકની હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે
જિલ્લા કલેક્ટર અમિત યાદવે જણાવ્યું હતું કે શ્રીનગર નિવાસી પવન જાટવ (20) સૌરભ જાટવ (14) ભૂપેન્દ્ર જાટવ (18) શાંતનુ જાટવ (18) લકી જાટવ (18) પવન સિંહ જાટવ (22) અને ગૌરવ જાટવ (16)નું મૃત્યુ થઈ ગયું છે. તેમાંથી પવન, સૌરભ અને ગૌરવ પિતરાઈ ભાઈઓ હતા. નદીમાં નહાવા ઉતરેલા આ યુવકો ત્યાં રીલ બનાવી રહ્યા હતા એ દરમિયાન ડૂબી ગયા હતા. એક યુવક કોઈક રીતે જેમતેમ કરીને બહાર આવ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો.
જિલ્લા કલેક્ટર અમિત યાદવે લોકોને ખાબોચિયા, નદીઓ અને નાળાઓમાં પ્રવેશ ન કરવા જણાવ્યું હતું. પાંચણા ડેમમાંથી પાણી આવી રહ્યું છે. ગંભીર નદી અને અન્ય નદીઓના કિનારાથી દૂર રહો. પાણી જોવા માટે લોકો કુતૂહલવશ જળાશયો પાસે જાય છે. આવી સ્થિતિમાં પવનની જોરદાર લહેરોના કારણે નદીમાં પડી જવાનો ભય રહે છે. લોકોએ પાણીથી દૂર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે ભરતપુરમાં બપોરે 12.30 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને અનેક કોલોનીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે.
આ દુર્ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયો છે. ૮ બાળકોમાંથી સાત બાળકોના મોત થઈ ગયા છે. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, બાણગંગા નદીમાં લાંબા સમય પછી પહેલીવાર પાણી આવ્યું હોવાથી આ યુવકો તે જોવા માટે ગયા હતા. તેઓ નદીમાં નહાવા માટે નીકળ્યા હતા. એ પહેલા તેઓ દિવાલ પર ઉભા રહીને રીલ્સ બનાવી રહ્યા હતા. ગામલોકોએ તેમને તળાવમાં જવાની ના પણ પાડી હતી, છતાં તેઓ માન્યા નહોતા, એ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા દિવાલ તૂટી ગઈ હતી અને તમામ યુવકો પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા.
આ પણ વાંચો: વડાલીમાં ઝાડ નીચે ઉભેલા મજૂર પર વીજળી પડતા મોત, એક ઘાયલ