જાતિવાદીઓએ 14મી એપ્રિલની પત્રિકા વહેંચતા યુવકોને હડધૂત કર્યા

અમદાવાદના મજૂર ગામ વિસ્તારની એક સોસાયટીમાં કેટલાક જાતિવાદીઓએ 14મી એપ્રિલની પત્રિકા વહેંચતા દલિત યુવકોને ધક્કા મારીને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા.

જાતિવાદીઓએ 14મી એપ્રિલની પત્રિકા વહેંચતા યુવકોને હડધૂત કર્યા

જાતિવાદી તત્વોને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમની સાથે જોડાયેલા કાર્યક્રમોથી કેટલી નફરત છે તેના પુરાવા શોધવા જવાની જરૂર નથી. આવા એકથી વધુ ઉદાહરણો ભૂતકાળમાં પડ્યાં છે. પણ હવે તેનો વધુ એક પુરાવો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. અહીં બહુજન સમાજના યુવાનોનું એક ગ્રુપ આગામી 14મી એપ્રિલના રોજ યોજાનારી સામૂહિક રેલી સહિતના કાર્યક્રમોની પત્રિકાઓ વહેંચી રહ્યું હતું. જેને એક સવર્ણ બહુમતી ધરાવતી સોસાયટીના લોકોએ અટકાવ્યા હતા. એટલું જ નહીં તેમને ધમકાવીને ધક્કા મારીને સોસાયટીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ફરીથી આ રીતે બાબાસાહેબના કોઈપણ કાર્યક્રમની પત્રિકા પોતાની સોસાયટીમાં લગાવવા માટે કે વહેંચવા માટે આવવું નહીં તેમ કહીને બબાલ કરી હતી. આ આખી ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલીક મહિલાઓ રાડો પાડીને 14મી એપ્રિલની પત્રિકા વહેંચી રહેલા યુવાનોનો વિરોધ કરી રહી છે. આ સિવાય વીડિયોમાં કેટલાક પુરૂષો પણ પત્રિકા વહેંચતા યુવાનોને એલફેલ બોલી રહ્યાં છે. જાતિવાદી આ તત્વોના વિરોધ પછી દલિત યુવાનો સોસાયટીમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ આખો મામલો સ્થાનિક દલિતો સુધી પહોંચી જતાં ભારે રોષ ફેલાયો હતો.

ઘટના શું હતી?

14મી એપ્રિલે ગુજરાત સહિત દેશભરના બહુજન સમાજ માટે દિવાળી જેવો માહોલ હોય છે. બહુજન સમાજ તેમના મસિહા ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે. તેને લઈને મહિનાઓ પહેલા તૈયારીઓ શરૂ થઈ જાય છે. અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલા મજૂરગામમાં પણ વર્ષોથી બહુજન યુવાનો દ્વારા ડૉ. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે અહીં અલગ અલગ સંગઠનો દ્વારા પોતપોતાની રીતે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. પણ આ વખતે પહેલીવાર બહુજન યુવાનોને દાણીલીમડા, બહેરામપુરા, ગીતામંદિર સહિતના વિસ્તારોનો મળીને એક મોટો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. આવું અગાઉ ક્યારેય નથી થયું, તેથી ઉત્સાહી યુવાનોએ તેને લઈને અત્યારથી તૈયારીઓ આરંભી દીધી હતી. તેના માટે તેમણે 14મી એપ્રિલના કાર્યક્રમની પત્રિકાઓ તૈયાર કરીને આસપાસના વિસ્તારમાં વહેંચવાનું શરૂ કર્યું છે. આવા જ કેટલાક યુવાનોનું એક ગ્રુપ ગઈકાલે તા. 5 એપ્રિલ 2024ને શુક્રવારના રોજ રાત્રે 9-10 વાગ્યા આસપાસ મજૂર ગામ વિસ્તારમાં કાંકરિયા જૂની પાઈલોટ ડેરી, કંગાલપુરી રોડ પર આવેલી ચંદ્રપ્રકાશ સોસાયટી વિભાગ-3માં પત્રિકા વહેંચવા માટે અને 14મી એપ્રિલના કાર્યક્રમમાં સ્થાનિકોને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવા માટે ગયું હતું. યુવાનો કાર્યક્રમની પત્રિકા વહેંચીને માઈક પર કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા હતા. એ દરમિયાન સોસાયટીના કેટલાક રહીશો અને મહિલાઓએ આવીને તેમને પ્રચાર કરતા રોક્યા હતા અને તાત્કાલિક સોસાયટીમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું. આ સોસાયટીમાં દલિત સમાજના પણ 15 જેટલા ઘરો આવેલા છે, તેમ છતાં આ યુવાનોને બાબાસાહેબની જન્મજયંતિના કાર્યક્રમની પત્રિકા વહેંચતા રોકવામાં આવ્યા હતા.

જો કે થોડી જ વારમાં આ ઘટનાની જાણ સમગ્ર મજૂરગામ વિસ્તારમાં થઈ ગઈ હતી અને જે રીતે ભીમયોદ્ધાઓને સોસાયટીના સવર્ણ રહીશોએ ધક્કા મારી અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યા તેને લઈને ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. એ પછી અહીંના કાંકરિયા બુદ્ધ વિહાર ખાતે તાત્કાલિક એક મિટીંગ બોલાવવામાં આવી હતી અને તેમાં સમાજના સામાજિક કાર્યકરો, આગેવાનો અને કર્મશીલોએ હાજરી આપી આ મામલે શું પગલાં લેવા તે મુદ્દે ગંભીર ચર્ચા કરી હતી.

આ સોસાયટીમાં પત્રિકા વહેંચવા માટે ગયેલા યુવાનો પૈકીના એક અમિતકુમાર બૌદ્ધે ખબરઅંતર.કોમ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, “તા. 5. એપ્રિલ 2024ને શુક્રવારના રોજ રાત્રે 9-10 વાગ્યા આસપાસ હું અન્ય કેટલાક કાર્યકરો સાથે મજૂર ગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં ફરીને આગામી 14મી એપ્રિલના કાર્યક્રમની પત્રિકાઓ વહેંચી રહ્યો હતો. સાથે જ આ કાર્યક્રમનું માઈક પર પણ એનાઉસમેન્ટ કરાઈ રહ્યું હતું. એ દરમિયાન અમે જૂની પાઈલોટ ડેરી, કંગાલપુરી રોડ સ્થિત ચંદ્રપ્રકાશ સોસાયટી વિભાગ-3માં પહોંચ્યા હતા. જ્યાં અમારું એક ગ્રુપ 14મી એપ્રિલના કાર્યક્રમની પત્રિકા વહેંચી રહ્યું હતું ત્યારે એક 30-35 વર્ષના યુવકે આવીને અમને માઈક પરનું એનાઉસમેન્ટ રોકાવી સોસાયટીમાં બાબાસાહેબના જન્મદિવસના કાર્યક્રમની પત્રિકા વહેંચવાનું બંધ કરો અને જતા રહો તેવી ધમકી આપી હતી. અમે તેમને સમજાવ્યા હતા કે આ કાર્યક્રમ કોઈ એક વ્યક્તિ માટે નથી પરંતુ જાહેર કાર્યક્રમ છે તેથી લોકો સુધી તેની માહિતી પહોંચે તે માટે અમે આવ્યા છીએ. તેમ છતાં તે વ્યક્તિ માન્ય નહોતો અને દાદાગીરી કરી ઘરે જઈ તેના પરિવાર સહિત અન્ય લોકોને પણ બોલાવી લાવ્યો હતો અને અમને પત્રિકા વહેંચતા અટકાવી, ધમકાવી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. સાથે જ ફરીથી આ સોસાયટીમાં બાબાસાહેબના કોઈ કાર્યક્રમની પત્રિકા વહેંચવા માટે આવવું નહીં અને જો આવશો તો મજા નહીં આવે તેમ ગર્ભિત ધમકી આપી હતી.”

આ પણ વાંચો:ખેડાના ઠાસરામાં રૂપાલાના વિરોધમાં દલિત સમાજે આવેદનપત્ર આપ્યું

ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સોસાયટીના લોકો અને કેટલીક મહિલાઓ પત્રિકા વહેંચતા યુવાનોને ધમકાવતી નજરે પડે છે. જો કે, ખબરઅંતર.કોમ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેટલાક લોકો પત્રિકા વહેંચવા આવેલા યુવાનોને ધમકીની ભાષામાં સોસાયટીમાંથી બહાર નીકળી જવા કહી રહ્યાં છે. તેમની પાછળ કેટલીક મહિલાઓ પર મોટા અવાજે યુવકોને બહાર નીકળી જવા રીતસરની ધમકીઓ આપી રહી છે. આ વીડિયો પત્રિકા વહેંચવા ગયેલા ગ્રુપમાંથી જ કોઈએ ઉતાર્યો હોવાનું લાગે છે. કેમ કે, સોસાયટીના રહીશો તેમને વીડિયો ન ઉતારવા ધમકાવી રહ્યાં છે. આ રીતે જાહેર અપમાન થઈ રહ્યું હોવા છતાં પત્રિકા વહેંચવા નીકળેલા યુવાનોએ મગજ ગુમાવ્યું નહોતું અને શાંતિથી બહાર નીકળી ગયા હતા. જો કે તેઓ પરત પહોંચે ત્યાં સુધીમાં સ્થાનિક દલિતો સુધી ઘટનાની જાણકારી પહોંચી ગઈ હોવાથી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો કાંકરિયા બુદ્ધ વિહાર ખાતે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો:તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી

.આવતીકાલે દલિત સમાજ મીટિંગ યોજશે

ચંદ્રપ્રકાશ સોસાયટી વિભાગ-3માં બનેલી આ ઘટનાના પડઘા હવે સમગ્ર મજૂર ગામ અને તેની આસપાસના વિસ્તારના દલિત સમાજમાં પણ પડ્યાં છે. બંધારણના ઘડવૈયાના જન્મદિવસના કાર્યક્રમની પત્રિકા વહેંચવા જનાર યુવકોને હડધૂત કરીને સોસાયટીમાંથી કાઢી મૂકવાને લઈને સ્થાનિક દલિતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે આ મામલે શું પગલાં લેવા તેને લઈને આવતીકાલે તા. 7-4-2024ને રવિવારના રોજ સવારે 10 વાગ્યે મજૂર ગામ સ્થિત કાંકરિયા બુદ્ધવિહાર ખાતે દલિત સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનોની એક બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ મામલે શું કરવું તે નક્કી કરવામાં આવશે. સાથે જ 14મી એપ્રિલના કાર્યક્રમને કેવી રીતે સફળ બનાવવો તેની પણ રણનીતિ ઘડશે. સ્થાનિકો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તેમના સ્વમાનનો મુદ્દો છે, માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.