આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ તપાસ કરાવીશું- રાજસ્થાનના શિક્ષણમંત્રી

રાજસ્થાનના શિક્ષણમંત્રીએ દેશના આદિવાસી સમાજનું ઘોર અપમાન કરતું નિવેદન કરતા તેના પડઘા દેશભરમાં પડ્યાં છે. વાંચો શું છે આખો મામલો.

આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ તપાસ કરાવીશું- રાજસ્થાનના શિક્ષણમંત્રી
image credit - Google images

રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું છે કે, આદિવાસીઓ હિંદુ છે કે નહીં તેની તપાસ અમે તેમનું ડીએનએ ચેક કરીને કરાવીશું. શિક્ષણમંત્રી જેવા હોદ્દે રહેલી વ્યક્તિનું આવું નીચલી કક્ષાનું નિવેદન આવતા તેના પડઘાં દેશભરના આદિવાસી સમાજમાં પડ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરા, ભારતીય આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે મદન દિલાવરના નિવેદનની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે ભાજપે હવે આવી ટિપ્પણીના પરિણામ ભોગવવા પડશે. જો કે, નિવેદન પર વધતાં વિવાદને જોતા મદન દિલાવરે સ્પષ્ટતા કરી હતી.

રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે આદિવાસી સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે “આદિવાસીઓ હિન્દુ છે કે નહીં તે તેમના પૂર્વજોને પૂછે. પેઢીનામું લખનારા લોકોને ન પૂછે કે તે કોણ છે? જો તે હિન્દુ નથી તો અમે તેમના ડીએનએ ટેસ્ટ કરાવીશું અને જાણીશું કે તે તેમના બાપની ઔલાદ છે કે નહીં.”

ભારત આદિવાસી પાર્ટીના સભ્યો દ્વારા આદિવાસીઓ હિન્દુ નથી એવો દાવો કરાયા બાદ મદન દિલાવરે આ પ્રકારની ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?

રાજસ્થાનના શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદનની ચોતરફી ટીકા કરતાં આદિવાસી સમાજમાંથી આવતા સાંસદ રાજકુમાર રોતે કહ્યું હતું કે, અમે મદન દિલાવર સામે આદિવાસી વિરોધી અભિયાન ચલાવીશું અને આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. આ સેમ્પલ રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મદન દિલાવરને મોકલાશે. મદન દિલાવરે અમારા પર આરોપ લગાડવા જે પ્રકારની ભાષા વાપરી છે તે આદિવાસી સમુદાયનું અપમાન કરનારી છે. મારે તેમને એટલું જ કહેવું છે કે બીએપીથી હેરાન થઇને તમે આવા પાયા વગરના નિવેદનો કરી રહ્યા છો. તમે જે નિવેદન આપ્યું તે સમગ્ર દેશના આદિવાસીઓ માટે એક ચેલેન્જ છે અને ભાજપે તેના કારણે પરિણામો ભોગવવાનો વારો આવશે.”

રાજકુમાર રોતે ભારપૂર્વક કહ્યું કે, “મારે સમગ્ર દેશના આદિવાસીઓને એટલું જ કહેવું છે કે હવે તમારા બ્લડ સેમ્પલ રાજસ્થાનના મુખ્યમંત્રી અને મદન દિલાવરને મોકલો. જો મદન દિલાવર રાજીનામું નહીં આપે તો ભાજપ તેમને બરતરફ કરે. કેમ કે રાજસ્થાનના શિક્ષણમંત્રીએ સમગ્ર આદિવાસી સમુદાય સામે આરોપ મૂક્યો છે.”

આ પણ વાંચો: રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં

.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.