આકાશ આનંદનું રાજકીય કદ વધ્યું, માયાવતીએ ફરી રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા

બીએસપી સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદનું પક્ષમાં રાજકીય કદ ફરી વધારી દીધું છે. તેમને ફરી પક્ષના નેશનલ કોર્ડિનેટર બનાવાયા છે.

આકાશ આનંદનું રાજકીય કદ વધ્યું, માયાવતીએ ફરી રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા
image credit - Google images

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ફરી એકવાર પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર પદે નિયુક્ત કર્યા છે. એ રીતે આકાશ આનંદનું રાજકીય કદ ફરી પક્ષમાં વધી ગયું છે અને તેઓ જ ભવિષ્યમાં બીએસપીની કમાન સંભાળશે તે નક્કી થઈ ગયું છે. આકાશ આનંદ હવે ફરી આખા દેશમાં પાર્ટીનું કામ સંભાળશે. માયાવતીએ આજે બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ બીજી વખત છે જ્યારે આકાશ આનંદને માયાવતીએ તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન મે મહિનામાં માયાવતીએ આકાશ આનંદને તેમના અનુગામી અને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવી દીધા હતા એ પછી ફરી તેમને પુન:નિયુક્ત કરાયા છે.

આકાશ આનંદે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં હાજરી આપી હતી અને બહેનજીના ચરણસ્પર્શ કર્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ માયાવતીને ચૂંટણીમાં તેમની હારનો રિપોર્ટ સોંપ્યો છે. આ બેઠકમાં ૨૦૦ થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના બસપા અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર KRK સામે ફરિયાદ નોંધાઈ

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના એક નિર્ણયથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા જ્યારે તેમણે આકાશ આનંદને અપરિપક્વ ગણાવીને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા હતા. લોકસભા ચૂંટણીની રેલીઓમાં આકાશ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે વિરોધીઓ, ખાસ કરીને ભાજપના ઉમેદવારો પર તીખી ટિપ્પણીઓ કરી હતી. એક સભામાં તેમણે ઉપસ્થિત લોકોને ભાજપના ઉમેદવાર મત માંગવા આવે તો જૂતા મારજો તેમ કહીને હોબાળો મચાવી દીધો હતો. આકાશ આનંદ પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આકાશ આનંદને પદ પરથી હટાવવાથી બસપાને ઘણું નુકસાન થયું છે. પાર્ટીની વોટ ટકાવારી ૧૯ ટકાથી ઘટીને લગભગ ૧૦ ટકા થઈ ગઈ છે. આકાશ આનંદને જૂની જવાબદારી સોંપીને તેમણે બસપામાં પ્રાણ ફૂંક્યા છે. આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશની ૧૦ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આકાશ આનંદની વાપસી પક્ષને કેટલો ફાયદો કરાવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે

આ પણ વાંચો: ‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.