પીએમ મોદીની 'પરીક્ષા પે ચર્ચા' નો ખર્ચ 6 વર્ષમાં 175 ટકા વધ્યો
એકબાજુ દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટી રહ્યાં છે, બીજી તરફ વડાપ્રધાન મોદીનો સ્વપ્રચાર અને ભાવિ વોટબેંક તૈયાર કરતો 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ મોંઘો પડી રહ્યો છે.
દેશભરમાં NEET અને NET ની પરીક્ષાના પેપર ફૂટ્યાંને લઈ લાખો વિદ્યાર્થીઓમાં આક્રોશ છે, ચોતરફ વિરોધ થઈ રહ્યો છે, શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ થઈ રહી છે, છતાં પણ આ મામલે વડાપ્રધાન મોદી એક શબ્દ નથી બોલી રહ્યાં. બીજી તરફ ભાવિ વોટબેંક તૈયાર કરતો તેમના સરકારી કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાનના આ સરકારી કાર્યક્રમનો ખર્ચ 6 વર્ષમાં 175 ટકા વધી ગયો છે.
વર્ષ 2018માં શરૂ થયેલા વાર્ષિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. વર્ષ 2023માં આ કાર્યક્રમ પાછળ થનારો ખર્ચ વર્ષ 2019ના કાર્યક્રમ કરતા 175 ગણો વધી ગયો છે. એટલે કે ગત વર્ષે તેની પાછળ 10.04 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કરેલી આરટીઆઈના જવાબમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ પાછળ કરવામાં આવતા કુલ ખર્ચની જાણકારી આપી છે, પરંતુ એ નથી જણાવ્યું કે કઈ વ્યવસ્થા પાછળ કેટલો ખર્ચ થયો.
શિક્ષણ મંત્રાલય દ્વારા આરટીઆઈમાં આપવામાં આવેલા આંકડાઓ મુજબ કાર્યક્રમમાં થનારો ખર્ચ વર્ષ 2019માં 4.92 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2023માં વધીને રૂ. 10.04 કરોડ થઈ ગયો છે. એ રીતે તેમાં અંદાજિત 175 ટકાનો વધારો થયો છે.
કાર્યક્રમના સંચાલનની જવાબદારી જાહેર ક્ષેત્રના સાહસ EDCIL પર છે. જેના ટેક્સ ઇન્વૉઇસમાં આ કાર્યક્રમની જાહેરાત, ફિલ્મો, સોશિયલ મીડિયા અને અન્ય પરનો ખર્ચ દર્શાવાયો છે.
'પરીક્ષા પે ચર્ચા' એ વાર્ષિક કાર્યક્રમ છે, જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનનો આ કાર્યક્રમ પહેલીવાર 16 ફેબ્રુઆરી 2018ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીઓ પણ ભાગ લે છે.
આ પણ વાંચોઃ રુ. 10 લાખ આપો અને NEETની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરો
વર્ષ 2023ના એક સમાચાર અનુસાર 'પરીક્ષા પે ચર્ચા' ના પહેલા પાંચ કાર્યક્રમો પર 28 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાતમી આવૃત્તિ આ વર્ષે 29 જાન્યુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી, જેમાં 2.26 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, 14.93 લાખથી વધુ શિક્ષકો અને 5.69 લાખથી વધુ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ સંવાદ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના 'એક્ઝામ વોરિયર' પ્રોગ્રામનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય 'યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવાનો' છે. પરંતુ આજે સ્થિતિ એ છે કે, દેશનો યુવાન ચાહીને પણ તણાવમુક્ત રહી શકે તેવી સ્થિતિમાં નથી. મોદી સરકારે તેના એક દાયકાના શાસનમાં કરેલા ખાનગીકરણને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો છે. અભ્યાસ અને નોકરીની તાણમાં તે એટલો ગરકાવ થઈ ગયો છે કે તણાવમુક્ત રહેવું તેના માટે અશક્ય બનતું જઈ રહ્યું છે.
પેપર લીક અને અન્ય ગેરરીતિઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતમાં તો આ પ્રકારના પેપરલીકનો એક આખો ઈતિહાસ બની ગયો છે. દેશમાં આ મહિને, પહેલા NEET-UG અને પછી UGC NETમાં ગંભીર ગેરરિતીઓના આક્ષેપો થયા હતા, ત્યારબાદ UGC-NET રદ કરવામાં આવી હતી. આ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને લઈને વિપક્ષી નેતાઓએ 'પરીક્ષા પે ચર્ચા'ના પ્રમોશન પર કરોડોનો ખર્ચ કરવા બદલ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
UGC-NETનું પેપર રદ થયા બાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા નામથી ભવ્ય તમાશો કરે છે, પણ તેમની સરકાર લીક અને ફ્રોડ વિના કોઈપણ પરીક્ષાનું આયોજન કરી શકતી નથી."
જયરામ રમેશે પાછલા વર્ષોમાં વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને ટાંકીને શિક્ષણ વ્યવસ્થા અને સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે લખ્યું હતું કે, "2020ની નવી શિક્ષણ નીતિ, ભારતની શિક્ષણ વ્યવસ્થાને ભવિષ્ય માટે તૈયાર કરવાને બદલે માત્ર નાગપુર શિક્ષા નીતિ 2020 તરીકે કામ કરે છે. આ એન્ટાયર પૉલીટિકલ સાયન્સમાં એમ.એ.નો વારસો છે. શું તેઓ ક્યારેય લીક પે ચર્ચા કરશે?"
આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી