JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે

આદિવાસી સમાજની અત્યંત ગરીબીમાં ઉછરેલી એક દીકરીએ આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE પરીક્ષામાં 824મો રેન્ક મેળવ્યો છે, છતાં તે ખેતરમાં બકરીઓ ચરાવવા મજબૂર છે.

JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે
image credit - Google images

મેરિટની પૂંછડીઓ આજકાલ દલિતો અને આદિવાસીઓની અનામત સીટો પર નકલી એસસી, એસટી સર્ટિફિકેટ બનાવડાવીને તેમના હકની નોકરીઓ અને શિક્ષણમાં ભાગ પડાવી જાય છે. જેના કારણે અનેક હોંશિયાર દલિત, આદિવાસી યુવક-યુવતીઓ તેમના હકથી વંચિત રહી જાય છે. તો ઘણીવાર ગરીબીના કારણે એસસી, એસટી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તકનો લાભ ઉઠાવી શકતા નથી. કંઈક આવું જ તેલંગાણાની મધુલતા સાથે થયું છે.

મધુલતાએ JEEમાં ૮૨૪મો રેન્ક મેળવ્યો છે. જો તમને એમ લાગતું હોય કે, વાહ હવે તો તેને આઈઆઈટીમાં એડમિશન મળશે અને જિંદગી સેટ થઈ જશે, તો થોભજો. કેમ કે, અહીં મામલો ધારીએ છીએ તેવો સરળ નથી, કેમ કે જમીની વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે. પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા છતાં મધુલતા આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા નથી જઈ રહી પરંતુ ખેતરમાં બકરીઓ ચરાવે છે. તેની પાછળનું કારણ છે તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિ છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, તેલંગાણાના રાજન્ના સરસિલ્લા ગામની રહેવાસી બદાવત મધુલતા હોંશિયાર દીકરી છે. તેણે એસ.ટી. એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં JEE પરીક્ષા આપી હતી અને ૮૨૪મો રેન્ક હાંસલ કર્યો હતો. આ પછી તેને આઈઆઈટી-પટણામાં સીટ પણ મળી ગઈ હતી, પરંતુ આર્થિક તંગીને કારણે હવે તેની શિક્ષણ જગતમાં સફર અહીં જ અટકતી જોવા મળી રહી છે. 

તેના ઇન્ટર કોલેજના શિક્ષક બુક્યા લિંગમ નાયક કહે છે, છોકરી આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવે છે, તેથી તે ફી ચૂકવવાની સ્થિતિમાં નથીઆઈઆઈટીની ફીની વાત તો છોડો, તેનો પરિવાર તેને રાજ્યની કોઈપણ સામાન્ય ડિગ્રી કોલેજમાં પણ મોકલી શકવા સમર્થ નથી. જો તેને મદદ નહીં મળે તો મધુલતાએ આઈઆઈટીમાં ભણવાની તક અહીં જ અધૂરી છોડવી પડશે. 

આ પણ વાંચો: પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો

આદિજાતિ કલ્યાણ જુનિયર કોલેજની વિદ્યાર્થીની મધુલતાએ હોસ્ટેલ ફી અને અન્ય ખર્ચ માટે ૨૭ જુલાઈ સુધીમાં ૩ લાખ રૂપિયા જમા કરાવવાના થાય છે. આ કર્યા પછી જ તે આઈઆઈટીમાં પોતાની સીટ સુનિશ્ચિત કરી શકશે. 

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, રહેઠાણ અને અન્ય ઘણાં ખર્ચમાંથી મુક્તિ મળે છે, પરંતુ તે બાદ કર્યા પછી કરવાનો થતો ખર્ચ પણ મધુલતાના પરિવાર માટે ઘણો જ વધારે છે. નાયકે જણાવ્યું કે મધુલતાના પિતા બીમાર છે અને તેથી તેમની દીકરીએ પરિવારની મદદ માટે બકરીઓ ચરાવવાનો ર્નિણય કર્યો છે. 

મધુલતાની બહેન સિરિષાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે મંગળવારે તેમનો સંપર્ક કર્યો હતો અને પરિવારને મદદ માટેની આશા બંધાવી હતી. હવે રાજ્ય સરકાર તરફથી મદદની ખાતરી મળતાં મધુલતા માટે આશાનું કિરણ જાગ્યું છે.

આઈઆઈટી પટના મધુલતાને ફ્રીમાં ભણાવશે

મધુલતાની સ્ટોરી મીડિયામાં પ્રકાશિત થતા આઈઆઈટી પટના તેની મદદ માટે આગળ આવી છે અને તેને ફ્રીમાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ મુજબ 29 જુલાઈના રોજ મધુલતા અને તેના પરિવારનું આઈઆઈટી પટનામાં સ્વાગત કરવામાં આવશે. તેનો પરિવાર કોલેજની 2.5 લાખની ફી જમા કરાવી શક્યો નહોતો. તેણે જેમ તેમ કરીને પોતાનું એડમિશન કન્ફર્મ કરવા માટે જરૂરી 17500 રૂપિયા જ ભરી શકી હતી. આર્થિક તંગીના કારણે અને તેના પિતાની બીમારીને કારણે બાકીની 2.51 લાખની રકમ તે જમા કરાવી શકી નહોતી.

આઈઆઈટી પટનાના ડિરેક્ટર પ્રો. ટી.એન.સિંહે કહ્યું છે કે, પહેલા પણ આઈઆઈટી પટના દ્વારા આ રીતે આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થિનીઓને મદદ કરવામાં આવી છે. સંસ્થાએ બીટેકના એકેડેમિક પ્રોગ્રામમાં એડમિશન લેનારી મધુલતાના ભણતર, હોસ્ટેલ અને મેસ સુવિધા સહિતનો તમામ ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું છે. હવે મધુલતાને આર્થિક બાબતો અંગે કોઈ ચિંતા નહીં રહે.

બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ આ મામલો સામે આવતા રાજ્યના આદિજાતિ વિભાગને મધુલતાને મદદ કરવા માટે આદેશ આપ્યા હતા. એ પછી આદિજાતિ કલ્યાણ વિભાગે રૂ. 2.51 લાખની સહાય માંગી હતી, જેમાં રાજ્ય સરકારે મધુલતાની એક લાખની ટ્યુશન ફી માફ કરાઈ અને શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, જીમખાના, ટ્રાન્સપોર્ટ, મેસ ફી, લેપટોપ અને અન્ય ફી માટે 1,51,831 રૂપિયા મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: ગામલોકોને આરોગ્ય સુવિધાથી વંચિત જોઈ આદિવાસી દીકરી ડૉક્ટર બની ગઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.