આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન

આદિવાસી સમાજે પોતાનું એક મોંઘેરું રતન ગુમાવ્યું છે. 'આદિલોક' સામયિકના તંત્રી અને આદિવાસી સમાજ માટે પ્રતિબદ્ધ પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેન વસાવા લાંબા સંઘર્ષ બાદ કેન્સર સામેનો જંગ હારી ગયા છે. તેમના અકાળે અવસાનથી સમગ્ર આદિવાસી-બહુજન સમાજને મોટી ખોટ પડી છે.

આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન
Photo credit: Facebook

ગુજરાતના આદિવાસી સમાજ સહિત સમગ્ર બહુજન સમાજે પોતાનું એક મોંઘેરું રતન ગુમાવ્યું છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિના હિન્દી વિભાગના પ્રોફેસર ભાનુબહેન વસાવાનું ગત રાત્રે કેન્સરના કારણે અકાળે નિધન થયું છે. અણધારી આ ઘટનાથી સમગ્ર આદિવાસી સમાજ ઉપરાંત ગુજરાતભરના બહુજન સમાજમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. ભાનુબહેન વિખ્યાત આદિવાસી સામયિક ‘આદિલોક’ના તંત્રી અને આદિવાસી સમાજ માટે પ્રતિબદ્ધ પ્રોફેસર આનંદ વસાવાના જીવસંગિની હતા. છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી તેઓ કેન્સરનો સામનો કરી રહ્યા હતા. તેમના પતિ પ્રોફેસર આનંદ વસાવા સાથે તેમણે આદિવાસી સમાજની ઉન્નતિ માટે ખભેખભો મિલાવીને રાતદિવસ જોયા વિના કામ કર્યું છે.

ભાનુબહેન વસાવા અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના તેજસ્વી વિદ્યાર્થિની હતા. વિદ્યાપીઠમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેમણે વિવિધ જગ્યાએ અધ્યાપિકા તરીકે ફરજ બજાવી હતી. જેમાં ઉત્તર ગુજરાતની જાદર કોલેજમાં અધ્યાપિકા તરીકે લાંબા સમય સુધી સેવા આપી હતી. ગુજરાતના આદિવાસી સમાજ માટેના પ્રતિબદ્ધ મેગેઝિન ‘આદિલોક’ના તંત્રીમંડળમાં પણ તેમણે સક્રિય રીતે કાર્યરત રહીને સેવાઓ આપી હતી. આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય પરના તેમના અનેક સંશોધન લેખો ‘આદિલોક’ ઉપરાંત વિવિધ સામયિકો, દૈનિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા હતા. ‘આદિલોક’ સામયિક આજે જે સ્થાન પર બિરાજે છે તેને ત્યાં સુધી પહોંચાડવામાં, ટકાવી રાખવામાં પતિ પ્રો. આનંદ વસાવાને સૌથી મોટું પીઠબળ અને સહકાર તેમના પત્ની ભાનુબહેન તરફથી મળતો હતો.

ગુજરાતના કોઈપણ ખૂણે આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને યોજાતા સેમિનારો, કાર્યક્રમોમાં ભાનુબહેનની હાજરી ફરજિયાતપણે જોવા મળતી. તેઓ કુકણા આદિવાસી સમાજમાંથી આવતા હતા અને આદિવાસી સમાજની મહિલાઓ માટે તેમણે અનેક ઉત્તમ સંશોધન લેખો, ઈન્ટરવ્યૂ, રિપોર્ટ ‘આદિલોક’માં લખ્યા હતા. ભાનુબહેન છેલ્લાં એક દાયકાથી તેઓ ગુજરાત યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યાં હતાં. તેમના હાથ નીચે અનેક ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર થયા છે.


છેલ્લાં બે વર્ષથી તેઓ કેન્સરથી પિડાતા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર વિભાગમાં તેમની સારવાર ચાલતી હતી. જો કે તેમને નવજીવન આપી શકાયું નહોતું અને ગત રાત્રે દોઢ વાગ્યા આસપાસ તેમનું અવસાન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર સુરત નજીકના તેમના વતન ઝંખવાવ ખાતે કરવામાં આવ્યા હતા. તેઓ તેમની પાછળ પતિ આનંદ વસાવા અને બે દીકરીઓ સહિત સમગ્ર આદિવાસી-બહુજન સમાજને વિલાપ કરતો મૂકી ગયા છે.

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.