ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત
આદિવાસી ખેડૂતના ખેતરમાંથી ભાજપ નેતા દાદાગીરી કરીને ટ્રેક્ટરમાં ગેરકાયદે રેતી ભરીને નીકળતો હતો, આદિવાસી ખેડૂતે તેનો વિરોધ કર્યો તો તેના પર ટ્રેક્ટર ચડાવી દીધું.
Singrauli News: મત લેવાના હોય ત્યારે દલિતો, આદિવાસીઓને હિંદુ ગણાવતા ભાજપના નેતાઓ ચૂંટણી જીતી ગયા પછી તેમના પર અત્યાચાર કરવામાં પાછું વળીને જોતા નથી. આવી આમ તો એક કરતા વધુ ઘટનાનો એસસી, એસટી સમાજ સાક્ષી છે. પરંતુ હાલમાં જ આવી વધુ એક ઘટના બની છે. જેમાં ભાજપના એક નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દેતા તેનું મોત થઈ ગયું છે. ભાજપનો નેતા આદિવાસી ખેડૂતના ખેતરમાંથી ટ્રેક્ટરમાં ગેરકાયદે રેતી ભરીને નીકળતો હતો. જેનાથી તેના ખેતરમાં નુકસાન થતું હોવાથી ખેડૂતે તેને પોતાના ખેતરમાંથી આ રીતે રેતી ભરીને ન નીકળવા કહ્યું હતું. જેનાથી ભાજપના નેતાનો પિત્તો ગયો હતો અને તેણે ખેતરના માલિક આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેમાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે પૈકીના એક એવા મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની છે. અહીં સિંગરૌલી(Singrauli) જિલ્લાના ગન્નાઈ ગામમાં ગત રવિવારે રાત્રે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. પોતાના ખેતરમાંથી ગેરકાયદેસર રેતીનું વહન થતું અટકાવવાનો પ્રયાસ કરી રહેલા આદિવાસી ખેડૂત(Tribal farmer) ઈન્દરપાલ અગરિયા(Inderpal agaria) પર આરોપી ભાજપના નેતાઓએ(BJP leader Lale Vaishya) સાગરિતો સાથે મળીને ટ્રેક્ટર ચડાવી દીધું હતું, જેમાં તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાના મુખ્ય આરોપીમાં ભાજપના નેતા લાલે વૈશ્યનો સમાવેશ થાય છે જે હજુ પણ ફરાર છે અને તેના કારણે અહીં આદિવાસી સમાજમાં ભારે રોષ છે.
આ પણ વાંચોઃ વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ
ગન્નાઈના રહેવાસી ઈન્દરપાલ અગરિયાએ ખેતરમાં ડાંગર વાવી હતી. પણ તેણે જોયું કે ખેતરમાંથી કોઈએ ટ્રેક્ટર ચલાવ્યું છે ત્યારે તેને પાકની ચિંતા થવા લાગી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ભાજપના નેતાનું એક ટ્રેક્ટર અહીં ગેરકાયદે ખનન કરીને ભરેલી રેતી લઈને તેના ખેતરમાંથી બેફામ રીતે નીકળે છે. તેથી તેણે એક દિવસ ટ્રેક્ટર રોકીને તેમને અહીંથી ન નીકળવા કહ્યું. જેનાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે કશું પણ વિચાર્યા વિના ઈન્દરપાલ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેમાં ઈન્દરપાલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
આ ઘટનાથી સ્થાનિક આદિવાસી સમાજ હચમચી ગયો છે. ગ્રામજનોએ પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી છે. આ ઘટના બાદ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે અગાઉ આ ઘટનાને ટ્રેક્ટરથી ખેડૂતને કચડી નાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં એએસપી શિવકુમાર વર્માએ પોતાનું નિવેદન ફેરવી નાખ્યું હતું અને કહ્યું હતું કે, મૃતકના પરિવારજનો ઈન્દરપાલનું મોત ટ્રેક્ટરની ટક્કરથી થયું હતું, કચડાઈ જવાથી નહીં. આ નિવેદનથી પોલીસની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસની નિષ્પક્ષતા પર પણ આદિવાસી સમાજ શંકા વ્યક્ત કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ પા. રંજિથની બોલીવૂડમાં એન્ટ્રી, આદિવાસી મહાનાયક બિરસા મુંડા પર ફિલ્મ બનાવશે
આ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પણ તેજ બન્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સમગ્ર ઘટનાને આદિવાસી સમાજ પર અત્યાચારની બીજી ઘૃણાસ્પદ ઘટના ગણાવી છે. તેમણે આ મામલે મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે. કમલનાથે આ ઘટનાને લઈને સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે રાજ્યમાં આદિવાસીઓ પર અત્યાચાર અટકી રહ્યો નથી.
દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને સમગ્ર મામલે કડક પગલાં લેવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં અને પોલીસ પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો કે તેમ છતાં, આરોપી ભાજપ નેતા લાલે વૈશ્ય હજુ પણ પોલીસની પહોંચની બહાર છે.
આ ઘટનાનો મુખ્ય આરોપી લાલે વૈશ્ય ભાજપના સરાય મંડળનો પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યો છે. તેણે થોડા સમય પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. લાલે વૈશ્યના પરિવારની આ વિસ્તારમાં ભારે ધાક છે. લોકો તેનાથી ડરે છે. તેની પાસે અહીં 60 એકર કરતા પણ વધુ જમીન છે. આદિવાસી ખેડૂત ઈન્દ્રપાલ અગરિયાની ટ્રેક્ટર ચડાવીને હત્યા થઈ ત્યારથી તે ગાયબ છે. આશ્ચર્યની વાત એ છે કે, મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.
આ પણ વાંચોઃ મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ ગેંગરેપ કર્યો
બીજી તરફ હજુ સુધી આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ વધ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારીને કારણે ગુનેગારો છૂટથી ફરે છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને મૃતકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.
આ બાજુ એસપી ઓફિસ તરફથી આરોપીઓ લાલે વૈશ્ય, આશિષ કોલ અને અન્યો વિરુદ્ધ એસસી એસટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓની ભાળ આપનારને રૂ. 10 હજારનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ જેઈઈમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવવા મજબૂર