આદિવાસીઓની શિષ્યવૃત્તિ સામેનો નિર્ણય રદ કરો, નહીંતર તાળાં લાગી જશે

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવા નિર્ણયના વિરોધમાં જંગી ધરણાં પ્રદર્શન યોજી ઘણી મહત્વની વાત કરી હતી.

આદિવાસીઓની શિષ્યવૃત્તિ સામેનો નિર્ણય રદ કરો, નહીંતર તાળાં લાગી જશે
image credit - Google images

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. તેમણે સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરવા અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાની માગ કરી હતી. ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો શિષ્યવૃત્તિનો નિર્ણય રદ નહીં કરાય તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાં મારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનાં બાળકો મેટ્રિક પછી સારા કોર્સમાં અભ્યાસ કરી શકે એ માટે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની યોજના જાહેર કરાઇ હતી. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી હતી, પરંતુ હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજનાં બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને પરિપત્ર બહાર પાડી હવે પછી કોઇપણ આદિવાસી બાળક મેટ્રિક પછી મેનેજમેન્ટ ક્વોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કરેલો છે. ચૈતર વસાવાએ આ નિર્ણય સામે ધરણાં પ્રદર્શન કર્યું હતું.

આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં. આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકારે 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથેનો પરિપત્ર કરેલો કે જે વિદ્યાર્થી vacant ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર 28/10ના રોજ કર્યો ત્યારે પ્રવેશની પ્રક્રિયા પૂરી થઈ ગયેલી હતી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.

આ પરિપત્રની અગાઉ જ જે સંસ્થાઓએ vacant ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે. અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા vacant ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધો છે અને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યાં છે, તો હવે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે? એટલે રાજ્ય સરકારે આ અણઘડ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચાવો જોઈએ, નહીં તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાં મારવામાં આવશે.

ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આ પરિપત્ર તાત્કાલિક રદ કરો, જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા જો આ પરિપત્ર દિન 10માં પાછો ખેંચવામાં નહીં આવે તો અમે આદિવાસી વિસ્તારોમાં જઈને આ તઘલખી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું, વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરીશું.

આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.