ભિલોડામાંથી પસાર થતાં બાયપાસમાં અનેક આદિવાસીઓની જમીન જશે
ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવાઈ નથી.
વિકાસના નામે ગુજરાતમાં મોટાભાગે ગરીબ દલિત, આદિવાસી અને મુસ્લિમોની જમીનો સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવે છે. આવું આપણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી લઈને અમદાવાદ મેટ્રો રેલવે સુધીના વિકાસ કાર્યોમાં જોતા આવ્યા છીએ. હવે આ જ તર્જ પર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી પસાર થતા બાયપાસમાં પણ અનેક ગરીબ આદિવાસીઓની જમીનો સંપાદિત થવા જઈ રહી છે. જેને લઈને સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
વિકાસ માટે કાયમ આદિવાસીઓએ જ ભોગ આપવાનો?
ભિલોડામાંથી પસાર થતાં બાયપાસમાં સરકાર દ્વારા જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં મોટાભાગના ગરીબ આદિવાસી ખેડૂતો છે, જેમના માટે આ જમીનો જ તેમનું એકમાત્ર આજીવિકા અને જીવનનિર્વાહનું સાધન છે. આથી આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા જમીન સંપાદન મામલે અસરકર્તા ખેડૂતો તથા આદિવાસી સમાજ વતી સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન રોકવા વિનંતી કરાઈ હતી. જો કે આદિવાસી કલ્યાણ યાત્રા કાઢતી સરકારે આદિવાસીઓની આ માગણીને ફગાવી દીધી હોય તેમ તેમની જમીનના સંપાદનની કામગીરી ચાલુ રાખી હતી.
કલમ 04 ના જાહેરનામા મુજબ જમીન સંપાદન કરવામાં આવે તો આદિવાસી સમાજના અનેક ગરીબ ખેડૂતોની જમીન છીનવાઈ જશે અને તેઓ જમીનવિહોણા બની જઈ પાયમાલ થઈ જશે. ત્યારે ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી આદિવાસી ખેડૂતોના હિતમાં જમીનોમાંથી પસાર થતો રોડ સ્થગિત કરવા જણાવ્યું હતું. જો કે સરકારે આ રજૂઆતોને ગણકારી હોય તેમ લાગતું નથી.
ખુદ સરકાર જ કાયદાનો ભંગ કરી રહી છે?
ઉલ્લેખનીય છે કે, ભિલોડા તાલુકો બંધારણની જોગવાઇ મુજબના શિડયુઅલ પાંચ વિસ્તારમાં આવતો આદિવાસી તાલુકો છે. જ્યાં પેસા કાનૂન 1996 લાગુ પડે છે અને જોગવાઇ મુજબ રૂઢિગત ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિની જમીન સંપાદન થઈ શકે નહિ. તે મુજબ સવાલ વાળા ગામોમાં કોઈ મંજૂરી મેળવેલ નથી અને લાગતી વળગતી ગામ સમિતિઓએ તમોને વાંધા અરજીઓ પણ આપેલ છે. ગામોની જમીન સંપાદન થતાં કેટલાક ખેડૂતો જમીન વિહોણા બને છે અને કેટલાક ના રહેઠાણના ઘરો પણ કપાતમાં જાય છે. તેનાથી તેઓ રોડ ઉપર આવી જશે અને બિલકુલ બેરોજગાર બની જશે. મૂળ રજૂઆતમાં સૂચવેલ છે કે બાયપાસના બદલે હયાત રોડ ને ઓવરહેડ રોડ બનાવવામાં આવે તો રોડમાં પૂરતી જમીન છે તથા કોઈ દબાણ હોવાનું પણ જણાતું નથી અને અન્ય કોઈ અગવડતા પડશે નહિ, પરંતુ તે દિશામાં સરકારે વિચાર્યું હોય તેમ લાગતું નથી.
આદિવાસી સમાજની માગણીઓ શું છે?
આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી બી.એમ.ખાણમા સહિતના હોદ્દેદારોએ આ બાયપાસ રૂટના કારણે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં જમીન ગુમાવનાર અને અસરકર્તા આદિવાસી સમાજના ગરીબ ખેડૂતોના હિતમાં રોડનો રૂટ બદલી નાખવા અને ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા માંગ કરી છે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સરકારે તેમની માગણીને કાને ધરીને આદિવાસીઓની જમીન સંપાદન કરવાનું કામ અટકાવ્યું નથી. ત્યારે જોવાનું એ રહેશે કે આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ મામલે આદિવાસીઓની લાગણી અને માગણીઓને ધ્યાનમાં રાખે છે કે પછી વિકાસના નામે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ ફરી એકવાર આદિવાસીઓની જમીન સંપાદિત કરીને તેમને જમીનવિહોણાં કરે છે.
આ પણ વાંચો: કાનપટ્ટી પર પિસ્તોલ રાખી ભૂમાફિયાએ દલિતની જમીન પડાવી લીધી