ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પદાધિકારીને પોલીસે બેભાન થયો ત્યાં સુધી ફટકાર્યો
ભાજપ એસસી મોરચાનો પદાધિકારી બેભાન થયો ત્યાં સુધી પોલીસ માર્યો. તેમના પક્ષના કોઈ સવર્ણ નેતાઓ તેને ન્યાય અપાવવા આગળ નથી આવ્યા. જો આવું જ ભાજપના સવર્ણ નેતા સાથે બન્યું હોય તો?
ભાજપની કથની અને કરણીમાં કેટલો મોટો ફરક છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. એક બાજુ દલિતો, આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડવા, અનામતની ખાલી જગ્યાઓ ભરવી નહીં, કોન્ટ્રાક્ટર પર સફાઈકર્મીઓની ભરતી કરવી, યોજનાઓનો લાભ સવર્ણોને આપી દેવો જેવા અનેક આરોપો ભાજપ પર લાગેલા છે, આટલું ઓછું હોય તેમ અમિત શાહે ડો.આંબેડકરનું અપમાન કર્યું. એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કુંભમેળામાં સફાઈકર્મીઓને સન્માન આપવાનું નાટક ચાલું કર્યું. જો કે તેનાથી પણ તેની દલિત, આદિવાસી વિરોધી છાપમાં કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. કેમ કે, ખુદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીને જ્યાં કુંભમેળો યોજાઈ રહ્યો છે તે પ્રયાગરાજની પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
કુંભમેળો ચાલી રહ્યો છે તે પ્રયાગરાજની ઘટના
પ્રયાગરાજમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના એક અધિકારી પર પોલીસે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. એ પછી લાજ બચાવવા માટે ત્રણ સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મનોજ પાસી, જેઓ ઉત્તરપ્રદેશ એસસી મોરચાના સહ-ખજાનચી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ તેમના ભાઈના ઘરનું બાંધકામ રોકવાનું કારણ પૂછવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ઉપેન્દ્ર પ્રતાપ સિંહ અને છ અન્ય પોલીસકર્મીઓએ તેના પર હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ શહેરના મેયર, ધારાસભ્ય અને વિવિધ પક્ષના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દોષિત અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોલીસનું શું કહેવું છે?
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) વિનાલ કિશોર મિશ્રાએ પુષ્ટિ કરી છે કે ચારેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, SHO સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હુમલાના આરોપો અંગે એસીપી મિશ્રાએ કહ્યું કે તપાસ બાદ જ તેની પુષ્ટિ થશે.
બીજી તરફ ફરિયાદી મનોજ પાસીએ જણાવ્યું હતું કે તેમના ભાઈ રોશન લાલે ચાર વર્ષ પહેલાં તેમના ઘરની નજીક જમીન ખરીદી હતી અને બાઉન્ડ્રી વોલ લંબાવી રહ્યા હતા, જેનો પડોશીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
તેણે કહ્યું કે, પોલીસે આવીને અમારું કામ અટકાવી દીધું હતું અને અમારું અપમાન કર્યું હતું. બુધવારે બપોરે તેઓ પોલીસ સ્ટેશન ગયા અને પ્રતિબંધની માન્યતા પર સવાલ ઉઠાવ્યા, અને આગ્રહ કર્યો કે આ મામલો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા ઉકેલવો જોઈએ કારણ કે તે મહેસૂલનો મામલો છે.
જો કે, તેના આ સવાલો પૂછવા પર SHO ઉપેન્દ્ર પ્રતાપ સિંહ, SI સંતોષ સિંહ અને અન્ય લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને એક રૂમમાં ખેંચીને લઈ ગયા અને બેભાન થઈ ગયા ત્યાં સુધી માર માર્યો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
ડીસીપી શું કહે છે?
મનોજે આ ઘટનાની જાણ ડીસીપી અભિષેક ભારતીને પણ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. ડીસીપીએ જણાવ્યું હતું કે, ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ કુંભમેળાની ફરજને કારણે SHO સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. (મતલબ દલિત પર અત્યાર ભલે થાય, કુંભની ફરજ પરથી એક માણસને દૂર ન કરી શકાય? ભાજપના જ કોઈ સવર્ણ નેતા પર આ રીતે હુમલો થયો હોત તો પણ પોલીસ આ જ જવાબ આપત?)
સત્તાપક્ષમાં હોવા છતાં એસસી મોરચાના પદાધિકારીને ન્યાય નથી મળતો?
રાજ્ય ભાજપ એસસી મોરચાના પ્રમુખ રામચંદ્ર કનૌજિયાએ આ હુમલાની નિંદા કરતા કહ્યું, “જ્યાં સુધી દોષિત પોલીસકર્મીઓને સજા ન થાય અને દલિત પર અત્યાચાર કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં ન આવે ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ. મનોજ પાસીએ કોઈ ગુનો કર્યો નહોતો. તેમની સાથે એવું વર્તન કરવામાં આવ્યું જેવું કોઈ કુખ્યાત આરોપી સાથે પણ નથી કરવામાં આવતું. તે ગંભીર રીતે ઘાયલ હતો અને બરાબર બોલી પણ શકતો નહોતો.”
મનોજની પત્ની સન્નો દેવીએ પણ પોલીસ પર દુર્વ્યવહાર અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર વિપિન યાદવે તેમનો હાથ મચકોડ્યો હતો, તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
આ પણ વાંચો: મને મારા જ પક્ષના ધારાસભ્યથી જીવનું જોખમ છેઃ ભાજપના દલિત નેતા