હરિયાણાની એ સીટ જ્યાં 'હાથી' એ ભાજપને પરસેવો છોડાવી દીધો
હરિયાણામાં BSP ભલે ખાતું ન ખોલાવી શકી, પણ એક સીટ એવી છે જ્યાં હાથીએ કેન્દ્રીય મંત્રીને પરસેવો છોડાવી દીધો હતો.
Atteli Assembly seat BSP Close to victory : ઇન્ડિયન નેશનલ લોકદળ સાથે ગઠબંધન કરીને હરિયાણા વિધાનસભા ચૂંટણી લડનાર બહુજન સમાજ પાર્ટી (BSP) પોતાનું ખાતું ખોલાવી શકી ન હતી, પરંતુ હાથીએ કેટલીક બેઠકો પર સારી તાકાત બતાવી હતી. પાર્ટી એક સીટ પર જીતની ખૂબ નજીક આવી ગઈ હતી. બપોર સુધી બીએસપીના ઉમેદવાર આગળ હતા અને ત્યાં સુધી ભાજપના દિગ્ગજની આબરૂ દાવ પર હતી. જો કે, અંતે હાથી થોડો ધીમો પડી ગયો અને બીજા સ્થાને સ્થિર થઈ ગયો.
આ રસપ્રદ ટક્કર મહેન્દ્રગઢ જિલ્લાની અટેલી બેઠક (Atteli Assembly seat) પર થઈ હતી. ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ (Rao Indrajit Singh) ની પુત્રી આરતી સિંહ રાવ (Aarti Singh Rao) ને ટિકિટ આપી હતી. આરતીની આ પહેલી ચૂંટણી તેના માટે ઘણી મુશ્કેલ રહી હતી. બસપા (BSP)ના અત્તર લાલે (Attar Lal) અહીં મજબૂત લડાઈ લડી હતી. બપોર સુધી તેઓ સતત આગળ ચાલતા રહ્યા. બાદમાં તેઓ આરતીથી પાછળ રહી ગયા.
આ સીટ પર બસપાને 54652 મત મળ્યા હતા. અત્તર લાલ 3085 મતોથી આરતી સામે ચૂંટણી હારી ગયા. અહીં કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી છે. કોંગ્રેસની અનિતા યાદવ (Anita Yadav) ને 30 હજાર મત મળ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) ના સુનીલ રાવ (Sunil Rao) ને અહીં માત્ર 220 મત મળ્યા છે.
અત્તર લાલ ભલે ચૂંટણી હારી ગયા, પરંતુ તેમણે જે રીતે ભાજપના દિગ્ગજ નેતા રાવ ઈન્દ્રજીત સિંહની આબરૂના ધજાગરા ઉડાડ્યા અને તેમના શ્વાસ અદ્ધર કરી દીધાં તેની ચોતરફ ખૂબ ચર્ચા થઈ રહી છે. રાવ દક્ષિણ હરિયાણાના શક્તિશાળી નેતા છે અને મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી રહ્યા છે.
BSP સાથે INLD બે બેઠકો જીતવામાં સફળ રહી. JJP ગત વખતે 10 બેઠકો કબજે કરીને કિંગમેકર બની હતી, પરંતુ આ વખતે તેનું ખાતું પણ ખૂલી શક્યું નથી. બસપાને કુલ 1.82 ટકા વોટ મળ્યા છે. આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે બસપા આમ આદમી પાર્ટી કરતા થોડો વધુ વોટ શેર મેળવવામાં સફળ રહી હતી. 88 સીટો પર ચૂંટણી લડનાર AAPને 1.79 ટકા વોટ મળ્યા છે.
આ પણ વાંચોઃ માન્યવર કાંશીરામને 'ભારતરત્ન'થી સમ્માનિત કરોઃ માયાવતી