સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઝેરી ગેસની અસરથી 4 લોકોના મોત

સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરતી વખતે ઝેરી ગેસના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત થયા છે.

સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઝેરી ગેસની અસરથી 4 લોકોના મોત

સુપ્રીમ કોર્ટ દ્વારા ગટરમાં ઉતરીને સફાઈ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં આજે પણ દેશમાં ગટરની સફાઈ કરતી વખતે અનેક સફાઈકર્મીઓના જીવ જતા હોય છે. આવી જ એક ઘટના આજે સામે આવી છે, જેમાં 15 વર્ષ જૂની એક સેપ્ટિંગ ટેન્કને સાફ કરતી વખતે ત્રણ સફાઈકર્મીઓ સહિત ચાર લોકોના મોત થઈ ગયા છે. એક વ્યક્તિના ઘરમાં આ કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન એક સફાઈકર્મી સેપ્ટિક ટેન્કમાં જ બેભાન થઈ ગયો હતો. એ પછી બીજો અને ત્રીજો સફાઈકર્મી પણ અંદર બેભાન થઈ ગયો હતો. એ જોઈને તેમને બચાવવા માટે મકાનમાલિકનો દીકરો પણ સેપ્ટિક ટેન્કમાં ઉતર્યો હતો અને તે પણ બેભાન થઈ ગયો હતો. આમ એક સાથે ચાર લોકો બેભાન થઈ જતા ચારેયને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચારેયને મૃત જાહેર કરાયા હતા.

એક પછી એક ચારે લોકો ઝપટમાં આવ્યા

ઘટના ઉત્તરપ્રદેશના ચંદૌલીના દીનદયાળ નગરની છે. અહીં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઝેરી ગેસની અસરના કારણે ચાર લોકોનું દર્દનાક રીતે મોત થયું હતું. મૃતકોમાં ત્રણ સેપ્ટિક ટેન્ક સાફ કરનાર સફાઈ કામદારો હતા, જ્યારે એક મકાનમાલિકનો પુત્ર છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જેમતેમ કરીને ચારેયને સેપ્ટિક ટેન્કમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તેમણે ચારેયને મૃત જાહેર કર્યા હતા.

કેવી રીતે ઘટના ઘટી?

મુગલસરાય પોલીસ સ્ટેશનના દીનદયાળ નગર વિસ્તારના વોર્ડ નંબર 20માં રહેતા ભરત જયસ્વાલના ઘરમાં ગઈકાલે રાત્રે સેપ્ટિક ટેન્કની સફાઈ થઈ રહી હતી. જેમાં ત્રણ સફાઈકર્મીઓ કામ કરી રહ્યા હતા. કામ માટે જેવો એક સફાઈકર્મી સેપ્ટિક ટેન્કમાં ઉતર્યો કે તરત તે ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગયો. તેને બચાવવા માટે બીજો અને પછી ત્રીજો સફાઈકર્મી પણ અંદર ઉતર્યો પરંતુ સેપ્ટિક ટેન્કની ઝેરી ગેસના કારણે તેઓ પણ બેભાન થઈ ગયા.

આ પણ વાંચો: છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત

ત્રણેય મજૂરો બેભાન થઈ જતા મકાન માલિક ભરત જયસ્વાલનો દીકરો અંદર ઉતર્યો અને તે પણ ઝેરી ગેસની ઝપટમાં આવી ગયો અને બેભાન થઈ ગયો. આ ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં હોબાળો મચી ગયો. લોકોએ જેમ તેમ કરીને પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર પહોંચીને ચારેયને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા. પણ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે ચારેયના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

સેપ્ટિક ટેન્કમાં આ લોકોના જીવ ગયા

મુગલસરાય પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે ભરતલાલ જયસ્વાલના ઘરમાં ગટરની સફાઈ કરતી વખતે 35 વર્ષના વિનોદ રાવત, 30 વર્ષના લોહા, 40 વર્ષના કુંદનનું મોત થયું હતું. વિનોદ રાવતનને ટ્રોમા સેન્ટર વારાણસી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?

આ સફાઈકર્મીઓને બચાવવા માટે મકાનમાલિક ભરતલાલનો 23 વરસનો દીકરો અંકુલ જયસ્વાલ પણ ટેન્કમાં ઉતર્યો હતો અને તેનું પણ ઝેરી ગેસના કારણે મોત થયું છે.

અડધી ટેન્ક સાફ થઈ અને અચાનક ઝેરી ગેસ નીકળ્યો

મળતી માહિતી પ્રમાણે ભરત જયસ્વાલના ઘરે ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ અહીંના કાળીમહાલ વિસ્તારના રહેવાસી વિનોદ રાવત સહિતના ત્રણ સફાઈકર્મીઓએ સેપ્ટિક ટેન્કની સફાઈનું કામ શરૂ કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સેપ્ટિક ટેન્ક અંદાજે 12 ફૂટ ઊંડી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર

ત્રણેય સફાઈકર્મીઓ અડધી ટેન્ક સાફ કરી ચૂક્યા હતા. એ દરમિયાન અચાનક જ તેઓ ઝેરી ગેસની ઝપટમાં આવી ગયા હતા. આ ઘટનાને લઈને કાળીમહાલના કોર્પોરેટર નીતિન ગુપ્તાએ જિલ્લા વહીવટી તંત્ર પાસે મૃતક સફાઈકર્મીઓને વળતર આપવાની માંગ કરી છે.

આ ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો: એક મજૂરને બચાવવા બીજા 4 કૂવામાં ઉતર્યા: 3ના મોત, 2 ગંભીર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.